ગેરકાયદેસર રેતી ચોરી પ્રકરણ:કાઠિયાવાડી કોયલના કોડવર્ડથી ચાલતા કૌભાંડની તપાસનાં નામે ત્રણ મહિનાથી માત્ર ડીંડક ચાલતું હોવાના આક્ષેપ, ડમ્પરો ફરી દોડવા પણ માંડ્યા!

ગાંધીનગરએક મહિનો પહેલા

રાજ્યના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સુધી કાઠિયાવાડી કોયલના કોડવર્ડ થકી બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી ગાંધીનગરથી ઓપરેટ થતાં આયોજન પૂર્વકનાં કૌભાંડની તપાસના નામે છેલ્લા ત્રણ મહિનાથી ખાણ ખનિજ વિભાગ દ્વારા ડીંડક ચલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ કથિત રીતે સંડોવાયેલા કૌશલ પંડ્યા અને ડ્રાઇવર જયેશ ત્રિવેદીને છાવરવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂમાફિયા યોમેશ ગજ્જરે કર્યો છે.

યોમેશ ગજ્જર, આક્ષેપ કરનાર.
યોમેશ ગજ્જર, આક્ષેપ કરનાર.

આરોપીઓને છાવરવામાં આવતાં હોવાનો આક્ષેપ
ગૃહ વિભાગ દ્વારા પણ આવા ગંભીર આર્થિક કૌભાંડોની તપાસમાં તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટે પરિપત્ર કરાયો છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ મહિનાથી કૌભાંડની તપાસના નામે કથિત રીતે સંડોવાયેલા કરાર આધારિત રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા અને ડ્રાઇવર જયેશ ત્રિવેદીને છાવરવામાં આવતાં હોવાનો આક્ષેપ ભૂમાફિયા યોમેશ ગજ્જરે કર્યા છે.

કથિત સંડોવણી હોવાના પુરાવા ખાણ ખનિજ વિભાગમાં રજૂ કર્યા
તેઓએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી ઓપરેટ થતાં કાઠિયાવાડી કોયલ કોડવર્ડથી ગેરકાયદેસર રીતે બનાસ નદી અને કંબોઈમાંથી રેત ખનનનાં નેટવર્ક પ્રકરણમાં ખાણ ખનિજ વિભાગના ડ્રાઇવર જયેશ ત્રિવેદી અને GMRDS સંસ્થાના કરાર આધારિત રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યા તેમજ તેના મળતિયા પરેશ (કાઠિયાવાડી કોયલ)ની કથિત સંડોવણી હોવાના પુરાવા ખાણ ખનિજ વિભાગમાં રજૂ કર્યા હતા.

રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા.
રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા.

તપાસ ચાલુ હોવાનો દાવો જ કરવામાં આવી રહ્યો છે
જેનાં પગલે સંબંધિત અધિકારીઓએ ત્રણેક મહિના પહેલા બોલાવીને મારી લેખિત ફરિયાદ લઈ નિવેદન પણ લેવામાં આવ્યું હતું. એ વખતે સંબંધિત અધિકારીને ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. જે પછી પણ લાંબા સમય સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં હું અવારનવાર કૌભાંડની તપાસનું સ્ટેટસ જાણવા કચેરી જતો આવ્યો છું. પણ તપાસ ચાલુ હોવાનો દાવો જ કરવામાં આવી રહ્યો છે.

આખું પ્રકરણ દબાવી દેવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ
વધુમાં ભૂમાફિયા યોમેશ ગજ્જરે ઉમેર્યું હતું કે, મંથર ગતિએ ચાલતા તપાસના ડીંડકનાં કારણે રાબેતા મુજબ કાઠિયાવાડી કોયલનાં સ્ટીકર વાળા ડમ્પરો દોડવા માંડ્યા છે. તાજેતરમાં જ છત્રાલ ખાતે ગેરકાયદેસર રેત ખનનનાં પુરાવા આપ્યા હતા. તેમ છતાં આખું પ્રકરણ કોઈ રીતે દબાવી દેવાનો કારસો ઘડાયો હોવાનો પણ આક્ષેપ ગજ્જર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવાની પણ તૈયારીઓ કરી લેવાઈ છે. આ તપાસ વિશે જ્યારે ફ્લાઈંગ સ્કવોર્ડના એડીશ્નલ ડાયરેક્ટર તેમજ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીને વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન રિસીવ કર્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...