• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In The Madness Of The Son, The Husband Abandoned The Wife And Two Daughters And Wasted The World, Forcing The Wife To Take The Help Of The Husband To Get The Son.

ગાંધીનગરનો કિસ્સો:પુત્રની ઘેલછામાં પતિએ પત્ની અને બે દીકરીઓને તરછોડી સંસાર બગાડયો, પુત્ર પ્રાપ્તિ માટે પત્નીને ભૂવાનો સહારો લેવા દબાણ કરતો હતો

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર માટે અંધ બનેલા પતિએ ચારિત્ર્ય પર શંકાઓ રાખી પત્નીને ટૉર્ચર કરવાની તમામ હદ વટાવી દીધી
  • તું દીકરો આપી શકતી નથી, મારી જિંદગી બગાડી કહીને દીકરીઓ સામે જ પત્ની પર ત્રાસ ગુજારતો

ગાંધીનગરના પેથાપુરની પરિણીતાને જીઈબીમાં નોકરી કરતાં શિક્ષિત પતિએ પુત્રની ઘેલછામાં અનહદ શારીરિક માનસિક આપી ચારિત્ર્ય પર શંકાઓ કરી પોતાની પુત્ર પ્રાપ્તિની મહેચ્છા સંતોષવા માટે પત્નીને ભૂવા પાસે જઈને તાંત્રિક વિધિ કરાવવા સુધીની ફરજ પાડવામાં આવતી હતી. એટલે સુધી કે 17 વર્ષના લગ્ન જીવનમાં દીકરો નહીં આપી શકતી પત્નીને બે દીકરીઓ સાથે તરછોડી દઈ હર્યુંભર્યું લગ્ન જીવન પણ તૂટવાની અણીએ લાવી લીધું છે. આ સમગ્ મામલે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

આજે પણ દીકરીના જન્મ પર આંખમાંથી અફસોસની લાગણી વહેડાવતો સમાજ છે
દીકરી વ્હાલનો દરિયો માત્ર કહેવાથી, પરંતુ આજે પણ દીકરીના જન્મ પર આંખમાંથી અફસોસની લાગણી વહેડાવતો સમાજ છે. બાહ્ય દેખાવ અને રહેણી કરણીથી લોકો આજે ભલે મોડર્ન બન્યા છે, પરંતુ વિચારોથી હજુ પણ પછાત લોકો જોવા મળે છે. આજે પણ એ જોવા મળે છે કે દીકરીના જન્મ પર રીતસર નો ખરખરો કરવામાં આવતો હોય, સગા બધા ભેગા થઈ માથે હાથ દઈને બેઠા હોય અને ફોન કરી દીકરીનો જન્મ થયો હોયએ પરિવાર સાથે ખરખરો કરે. કહેવાતા શિક્ષિત લોકો મોટી મોટી વાતો કરે છે કે દીકરી લક્ષ્મી છે, દુર્ગા છે. તો પછી મોઢે કહેલી વાત મગજ સુધી ક્યારે પહોંચશે એ સવાલ છે. ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં શિક્ષિત પતિની પુત્રની મહેચ્છાએ સુખી સંસાર કાયદાની કલમોમાં આવી ગયો છે.

પત્નીના પગલાં ઘરમાં પડ્યા કે પતિને જીઈબી નોકરી મળી ગઈ
હાલમાં રાંધેજા પિયરમાં રહેતી પ્રીતિનાં લગ્ન વર્ષ 2005માં ગાંધીનગરના પેથાપુર રહેતાં કૌશલ સાથે થયા હતા. (બંને નામ કાલ્પનિક છે) એ વખતે પતિ નોકરી કરતો ન હતો. પણ લગ્ન થયાં પછી પત્નીના પગલાં ઘરમાં પડ્યા કે તેને કેવડીયા નર્મદા ખાતે જીઈબીમાં નોકરી મળી ગઈ હતી. જે પછી દંપતી કેવડીયાં રહેવા માટે ગયું હતું. લગ્નના એક વર્ષ સુધી કૌશલ પત્નીને એકદમ સારી રીતે રાખતો હતો. બાદમાં આ લગ્ન જીવનથી પ્રીતિએ દીકરીને જન્મ આપતાં જ કૌશલનું બીહેવીયર એકદમ બદલાઈ ગયું હતું અને પત્નીને એનકેન પ્રકારે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે પ્રીતિને ખબર પડી હતી કે કૌશલને દીકરો જોઈતો હતો. જેનાં કારણે તેના સ્વભાવમાં બદલાવ આવી ગયો છે.

બીજી દીકરીનો જન્મ થતાં જ પતિનો ત્રાસ વધવા માંડયો હતો
સમય જતાં બધું સરખું માનીને પ્રીતિ મન મનાવી લેતી હતી. જોકે, કૌશલ મહેણાં મારીને કહેતો કે લગ્ન પહેલાં નોકરી મળી હોત તો તારા બાપા દહેજમાં ઘણું બધું આપતાં. હવે નોકરી લાગી છે તો તારા બાપા ના ઘરેથી ગાડી લઈ આવ. પણ કૌશલએ ભૂલી ગયો હતો કે, પ્રીતિ સાથે લગ્ન પછી એને નોકરી મળી હતી. બીજી તરફ લગ્ન જીવનની શરૂઆત હોવાથી પ્રીતિ પતિનો ત્રાસ સહન કર્યા કરતી હતી. આમ સમય જતાં પ્રીતિએ બીજી દીકરીને જન્મ આપ્યો જેથી કૌશલ વધુને વધુ ત્રાસ આપવા લાગ્યો હતો.

પુત્રની ઘેલછા એટલી વધી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
એની પુત્રની ઘેલછા એટલી વધી ગઈ હતી કે, તે પ્રીતિને શારીરિક માનસિક ત્રાસ આપી બિભત્સ ભાષામાં ગાળો પણ ભાંડવા લાગ્યો હતો. પાડોશીઓ સામે પણ કૌશલ પ્રીતિને મારઝૂડ કરતો હતો. ત્યારે કૌશલનાં સ્વભાવના કારણે પાડોશીઓ પણ પ્રીતિને વધુ મારમાંથી છોડાવી શક્તા ન હતા. બાદમાં તેની બદલી વડોદરા થતાં પરિવાર ત્યાં રહેવા ગયો હતો. અહીં પણ કૌશલ દારૂ પીને ઘરમાં ઝગડા કરીને પ્રીતિનાં ચારિત્ર્ય પર શંકાઓ કરવા લાગ્યો હતો. સામાજિક રીતે પણ વડીલોએ દરમ્યાનગીરી કરેલી પણ થોડા વખતમાં કૌશલ હતો એવો ને એવો થઈ જઈ ત્રાસ આપતો રહેતો હતો.

ભૂવા પાસે જઈને તાંત્રિક વિધિ કરવાનું પણ કહેતો હતો
આ મુદ્દે વર્ષ 2013 માં પણ પ્રીતિએ મહિલા પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા હતા. એ વખતે પણ બે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી સામાજિક રાહે સમાધાન કરી પ્રિતી પતિ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પણ પેથાપુરમાં પણ પતિ પુત્રની મહેચ્છામાં દીકરીઓ સામે પણ મારઝૂડ કરી દહેજ માંગતો રહેતો હતો. આખરે આટલા વર્ષોથી પુત્ર જન્મ નહીં થતાં કૌશલ પત્નીને ભૂવા પાસે જઈને તાંત્રિક વિધિ કરવાનું પણ કહ્યા કરતો હતો. અંતે પતિના ત્રાસથી કંટાળેલ પ્રીતિ પિયરમાંથી બે લાખ પણ લઈને કૌશલને આપ્યા હતા. છતાં પણ કૌશલ 30 મી જુલાઈની રાતથી ઝગડા કરીને સવાર પડતાં પ્રીતિને ગડદાપાટુનો માર મારી બંને દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે પતિની પુત્રની ઘેલછાનાં ત્રાસથી ગળે સુધી આવી ગયેલી પ્રીતિએ ફરીવાર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...