રાજ્યની ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ત્યારે કેટલીક ગ્રામ પંચાયતમાં પરિવારના સભ્યો વચ્ચે જ રસપ્રદ જંગ ખેલાયો હતો. રાજ્યની કેટલીક ગ્રામ પંચાયતોમાં સાસુ-વહુ, ભાઈ-ભાઈ, માતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે આવો જાણીએ પરિવારના જ સભ્યો વચ્ચે ખેલાયેલા ચૂંટણીમાં જંગમાં કોનો હાથ ઉપર રહ્યો.
મોરબીના નારણકા ગામમાં દેરાણી-જેઠાણી સામે ભત્રીજા વહુની જીત
મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે મોરબી તાલુકાના નાના એવા નારણકા ગામે સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક હતી અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા હતા.
નારણકા ગામમાં એક જ પરિવાર વર્ષોથી રહે છે, તો પણ પંચાયત સમરસ બની નથી. જ્યારે આ ચૂંટણીમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો હતો. આ અંગેની ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર ગામમાં જેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમાં ચંપાબેન કાનજીભાઇ બોખાણી, અમરતબેન ધનજીભાઇ બોખાણી અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણીનો સમાવેશ થતો હતો.જો એમના સંબંધની વાત કરવામાં આવે તો ચંપાબેન કાનજીભાઇ બોખાણી અને અમરતબેન ધનજીભાઇ બોખાણી જેઠાણી અને દેરાણી છે અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી એમની ભત્રીજા વહું છે. મોરબીના નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજના બોખાણી પરિવારના કુલ દશ ઘર આવેલા છે. વધુમાં આ ગામમાં 950 કરતાં વધુનું મતદાન હતુ. અને સાથે સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. જેમાં મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા હતા.
પાટણના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામમાં પુત્ર સામે માતાની જીત
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્યપદની દાવેદારી માતા અને પુત્રએ સામસામે નોંધાવી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ છે.મંગળવારે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયા દરમિયાન ગલોલીવાસણા ગ્રામપંચાયતની વોર્ડ નંબર 4ની સભ્યની બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર માતા દીવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળતાં માતા દીવાબેન સેનમાએ 27 મતોથી વિજય હાંસલ કરી પુત્ર દશરથભાઈને માત આપી હતી. જોકે સભ્યપદ માટે માતા-પુત્ર વચ્ચે ચૂંટણી યોજાઈ હોઈ, માતાની જીતની ખુશી પરિવારે સાથે મનાવી હતી.
પાટણના ગજા ગામમાં નાના ભાઈએ મોટાભાઈને હાર આપી
પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે કાકા-બાપાના બે ભાઈઓ ઉભા રહ્યા હતા. જેમાં આજે મંગળવારના રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં નાના ભાઈએ મોટા ભાઈને 71 મતે વિજયી બનીને માત આપી હતી.પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલી ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં બે કુટુંબી ભાઈઓ આમને સામને ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. ત્યારે આજે મંગળવારના રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવેલી મતગણતરી દરમિયાન મોટાં ભાઈ ઠાકોર પ્રતાપજી ચંદનજીને 196 મત મળ્યાં હતાં. જ્યારે નાના ભાઈ ઠાકોર જવાનજી સોવનજીને 267 મત મળ્યા હતા. જેથી 71 મતે નાના ભાઈએ વિજયી બની મોટાં ભાઈને માત આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.