સમરાંગણ સભા:મનપાની સામાન્ય સભામાં ભાજપના 41 સામે કૉંગ્રેસ અને આપના 3 કોર્પોરેટરની ધમાલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધના ડરથી કમિશનર ઓફીસ, મિટિંગ હોલ સહિતના દરવાજા બંધ કરી દેવાયા હતા, કોંગ્રેસે છેલ્લા પાંચેક દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોને સાથે મલીને રામધૂન બોલાવી હતી. - Divya Bhaskar
વિરોધના ડરથી કમિશનર ઓફીસ, મિટિંગ હોલ સહિતના દરવાજા બંધ કરી દેવાયા હતા, કોંગ્રેસે છેલ્લા પાંચેક દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોને સાથે મલીને રામધૂન બોલાવી હતી.
  • વોર્ડ પ્રમાણેની બેઠક વ્યવસ્થા અને સફાઈ કામદારોની હડતાળના મુદ્દે હોબાળો મચાવ્યો
  • 41 પર 3 ભારે-સફાઈના ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નકલી ચલણી નોટો ઉડાડી

મહાનગરપાલિકાની પૂર્ણ બહુમતીવાળી નવી બોડી બન્યા બાદ સોમવારે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જોકે ભાજપના 41 કોર્પોરેટર ઉપર કૉંગ્રેસના 2 અને આપના 1 મળી 3 કોર્પોરેટર ભારે પડ્યા હતા. સભામાં વોર્ડવાઈઝ બેઠક વ્યવસ્થાને પગલે ત્રણેય સભ્યને અલગ-અલગ બેસવું પડે તેમ હોવાથી બેઠક વ્યવસ્થા અને 6 દિવસથી ચાલતી સફાઈ કામદારોની હડતાળ મુદ્દે કૉંગ્રેસ-‘આપ’એ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ અને ફાયરના જવાનોએ ત્રણેય કાઉન્સિલરને બહાર કઢાયા હતા.

બાદમાં માત્ર 5 જ મિનિટમાં સભાની કામગીરી આટોપી લેવાઈ હતી. હોટેલ-રેસ્ટોરન્ટને પ્રોપર્ટી ટેક્સમાં અપાયેલી રાહત, ભરતીના નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવા અંગે ડિગ્રી શબ્દને બદલે બેચલર ડિગ્રી ઓર ઈક્વીલેન્ટ તેમજ ટૅક્નિકલ પોસ્ટના ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં બેચલર ઓફ એન્જિનિયરિંગને બદલે બેચલર ડિગ્રી ઈન એન્જિનિયરિંગ-ટૅક્નૉલોજી ઓર ઈક્વિવેલન્ટની ડિગ્રી રાખવા સહિતના 7 મુદ્દે 5 જ મિનિટમાં મંજૂરી આપી સભા પૂર્ણ કરી દેવાઈ હતી. પદાધિકારીઓમાં વિપક્ષ કરતાં પોતાના જ પક્ષના કેટલાક સભ્યોનો ડર વધુ જોવા મળ્યો હતો.આ રીતે આ સમગ્ર ઘટનાથી ભારે ચર્ચા જામી હતી.

સામાન્ય સભા પહેલાં ભાજપ પક્ષની બેઠકમાં ભારે ધમાલ
સામાન્ય સભા પહેલાં જ મૅયર, ડૅપ્યુટી મૅયર, સ્ટેન્ડિંગ ચૅરમેન સહિતના પદાધિકારીઓ સહિત ભાજપની બેઠક મળી હતી, જેમાં ભારે હોબાળો થયો હતો. પક્ષાના કેટલાક સભ્યોએ સફાઈ સહિતના મુદ્દે ચર્ચાની માગણી કરી હતી. જોકે મુદ્દા બહારની ચર્ચા ન કરવાનું કહેતાં પક્ષમાં આંતરિક રીતે જ ભારે ધમાલ થઈ હતી. સામસામે બોલાચાલીને અંતે ઉપરથી આદેશ આવતાં બેઠક પૂર્ણ કરાઈ હતી.

ભ્રષ્ટાચાર મુદ્દે કૉંગ્રેસે નકલી નોટો ઉછાળી: પૈસા લેવાયાનો આક્ષેપ
સફાઈ કામદારોની 6 દિવસની હડતાળથી સફાઈ અટકી પડી છે ત્યારે ટેન્ડર આપવામાં પૈસા લેવાયા હોવાનો અને હપતો છેક કમલમ્ સુધી અપાયો હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસે નકલી નોટો ઉઠાડી હતી. કૉંગ્રેસે મૅયરની ચેમ્બર પાસે જ પ્રતીકાત્મક રીતે નકલી નોટો ઉછાળીને ત્રણેય પદાધિકારીને નોટો ઉઠાવી લેવા બૂમો પાડી હતી.

કૉંગ્રેસ,પોલીસ વચ્ચે ઝપાઝપી આપના તુષાર પરીખ સાથે રહ્યાં
કૉંગ્રેસી કાઉન્સિલરને સામાન્ય સભામાંથી બહાર કઢાતાં તેઓ મૅયરની ચેમ્બર આગળ બેસી ગયા હતા. સભા પતાવી મૅયરની ચેમ્બરમાં જતા રહેલા ત્રણેય પદાધિકારી બહાર આવ્યા ન હતા બાદમાં ત્રણય ચોથા માળેથી કોન્ફરન્સ હોલમાં જતા કૉંગ્રેસના સભ્યો પાછળ દોડ્યા હતા. દરેક સ્થળે કૉંગ્રેસી સભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ચકમક ઝરી હતી. પ્રદર્શનમાં આપના કાઉન્સિલર તુષાર પરીખ સાથે હતા.

બિહારના ધારાસભ્યોની મુલાકાત વખતે માથાકૂટ
હોબાળા સમયે બિહારના કેટલાક ધારાસભ્યોની કમિટી મનપાની મુલાકાતે આવી હતી. તેઓ કોન્ફરન્સ હોલમાં હતા જ્યાં મૅયર સહિતના પદાધિકારીઓ અને કમિશનરે તેમની મુલાકાત લીધી હતી. આ સમયે પણ કૉંગ્રેસે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

સફાઈની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ
હોબાળો થતા મ્યુનિસિપલ કમિશનરે કૉંગ્રેસના સભ્યોને મુલાકાત આપી હતી. આ અંગે અંકિત બારોટે કહ્યું હતું કે, ‘કમિશનરને અમે સફાઈ કામદારોને હેરાન કરવા કરતી એજન્સી સામે પગલાં લેવા કહ્યું હતું. ઉકેલ ન આવે તો સફાઈનો કોન્ટ્રાક્ટ જ રદ કરીને નવેસરથી પ્રક્રિયા કરવા જણાવ્યુ છે.’
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...