આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે, ત્યારે મુંબઈ ઍરફોર્સમાં ફરજ બજાવતા અશોકકુમાર વર્માએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે સમગ્ર ભારત દેશની પરિક્રમા કરીને માર્ગમાં આવતાં તમામ રાજ્યો, વિવિધ ધર્મનાં તીર્થસ્થાનો, શહીદ સ્મારકો ખાતેથી માટી એકઠી કરીને, આ માટીમાં છોડ ઉછેરીને ‘દેશ કી મિટ્ટી કે સાથ પૌધા’ અભિયાન દ્વારા લોકોને આ છોડ ભેટ કરીને વૃક્ષારોપણ માટે લોકોને પ્રેરિત કરવા નક્કી કર્યુ છે.
તેમના અભિયાનમાં તેમનાં પત્ની નીતુ વર્માનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. વર્મા દંપતીએ 18 એપ્રિલે મુંબઈથી માતા ઓમવતી દેવીના હસ્તે માટી સ્વીકારીને 1700 કિમીની પરિક્રમા શરૂ કરી. પરિક્રમાનો તમામ ખર્ચ જાતે ઉઠાવીને રોજના 600 કિમીનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું.
યાત્રા દરમિયાન તેઓ લેહ ખાતે વિશ્વના સૌથી ઊંચા સડક-માર્ગ અને માઇનસ ડિગ્રી તાપમાનવાળા ખારદુંગ-લા પાસથી માટી મેળવી, પેન્ગોંગના સોલ્ટ લેક પહોંચીને માટી મેળવી, દ્રાસ સેક્ટરમાં કારગિલ વૉર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને ત્યાંના લોકોના હસ્તે માટી સ્વીકારી, વાઘા બોર્ડર પણ ગયા. માર્ગમાં આવતી શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણનો સંદેશો આપી તેમની પાસેથી પણ માટી મેળવી.
પરિક્રમાના અંતિમ પડાવ ટાણે તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને તેમના હસ્તે ગુજરાતની પવિત્ર ધરાની માટી મેળવી, વૃક્ષારોપણ માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, છોડમાં રણછોડના દર્શન કરવા એ આપણી સંસ્કૃતિ છે.
છોડને વાવીને તેને ભગવાન ભરોસે છોડી દેવાથી તેનો ઉછેર થતો નથી. આ પાપકર્મ છે. વૃક્ષારોપણ બાદ છોડના વિકાસ માટે પૂરતી કાળજી લેવાય તે પણ જરૂરી છે. રાજ્યપાલે જન્મદિને અને લગ્નતિથિ જેવા પ્રસંગે વૃક્ષારોપણ કરી, છોડને ઉછેરવાની કાળજી લેવા માટે લોકોને પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. ભારતની પરિક્રમાના વિચાર અંગે જણાવતા અશોકકુમાર વર્મા જણાવે છે, “દેશભક્તિના ભાવથી શરૂ કરેલી આ પરિક્રમાનો ઉદ્દેશ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.