અકસ્માત:અંધારામાં રોડનો બમ્પ ના દેખાતા એક્ટિવા પર જતાં બે મિત્રો પટકાયા, એકનું મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીયોડ અંબાજી મંદિર સામેના રોડ પર બમ્પ કુદી જવાથી એક્ટિવા પરથી પડી ગયા

ગાંધીનગરના ચિલોડા હિંમતનગર હાઇવેના ગીયોડ અંબાજી મંદિર સામેના રોડ ઉપર ગઈકાલે રાત્રિના સમયે અંધારામાં બમ્પ કુદી જવાથી એક્ટિવા સ્લીપ ખાઈ જતાં એક્ટિવા સવાર બન્ને મિત્રો જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા તેના મિત્રને શરીરે ઈજાઓ થવા પામી હતી. આ બનાવના પગલે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગરથી પરત અમદાવાદ જવા માટે બંને મિત્રો રવાના થયા

અમદાવાદના ઠક્કર બાપા નગર મોચીની ગલી રહેતો કરણ નાથાલાલ ગોહિલ વહેલાલની ગોસ્વામી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે તેનો આશરે 20 વર્ષીય મિત્ર ધર્મેશ પ્રદિપસિંહ ઝાલા ઠક્કરબાપા નગરમાં જ આવેલી દેવજી માસ્તરની ગલીમાં તેની માતા તેમજ ભાઈ સાથે રહે છે. ગત તારીખ 11મી જૂનના રોજ બપોરના સમયે કરણ અને ધર્મેશ સામાજિક કામ અર્થે અમદાવાદથી હિંમતનગર એક્ટિવા (નંબર GJ01EU1192) લઈને ગયા હતા. ત્યાર બાદ સાંજના સમયે ગામમાં પૂર્ણ થઇ જતાં હિંમતનગરથી પરત અમદાવાદ જવા માટે બંને મિત્રો રવાના થયા હતા. તે દરમિયાન એક્ટિવા ધર્મેશ ચલાવી રહ્યો હતો.

બમ્પ કૂદતાની સાથે તેણે એક્ટિવા પરનો કાબુ ગુમાવી દીધો

બંને મિત્રો પોતાની વાતોમાં મશગુલ થઈને ચિલોડાથી હિંમતનગર હાઈવે રોડ ગીયોર અંબાજી મંદિર સામેના રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. તે વખતે રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં અંધારું હોવાના કારણે રોડ પરનો બમ્પ ધર્મેશને દેખાયો ન હતો. તેમજ એક્ટિવાની સ્પીડ પણ વધુ હોવાથી બમ્પ કૂદતાની સાથે તેણે એક્ટિવા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે થોડેક આગળ જઈને એક્ટિવા સ્લીપ થઇ ગયું હતું અને બંને જમીન પર પટકાયા હતા.

કરણને પ્રાથમિક સારવાર આપી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો

આ અકસ્માતમાં ધર્મેશને શરીરે ગંભીર ઈજાઓ તેમજ કરણને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી. ત્યારે રોડ પરથી પસાર થતા વાહનચાલકો આવીને બન્નેને રોડની સાઈડમાં બેસાડીને 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ત્યારબાદ કરણ અને ધર્મેશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ધર્મેશને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે કરણને પ્રાથમિક સારવાર આપી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...