દૂધસાગર ડેરીના સંસ્થાપક અને ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના નેતા વિપુલ ચૌધરીના પિતા માનસિંહ પટેલની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના માણસા પાસેના ચરાડામાં મંગળવારે યોજાયેલી સભામાં રાજકીય ઘટમાળ અંગેની વાત સાવ ગાયબ રહી. મૂળભૂત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાત્રિના સમયે ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનો સાથે મળીને એક મોટું ઓપરેશન પાર પાડી દીધું છે અને હવે વિપુલ ચૌધરી ભાજપની પડખે રહે તેવું સમાધાન થયું છે.
મોડી રાત્રે થયેલી બેઠકમાં ઘડાયેલી ફોર્મ્યુલાનો સંદેશો જેલમાં કેદ વિપુલ ચૌધરી સુધી પહોંચ્યો. તેમણે ભાજપમાંથી ટિકિટ મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી અન્યથા આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવાનો મત વ્યક્ત કર્યો. પરંતુ તે પછી ફરીથી અમિત શાહ સાથે થયેલી બેઠકમાં સમાજ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર યોગ્ય નિર્ણય લેશે અને વિપુલ ચૌધરી ટિકિટની જિદ્દ પડતી મૂકે તથા તેમના માટે ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવો નિર્ણય લેવાતા હવે વિપુલ ચૌધરીએ ભાજપની સાથે જ રહેવું તેવો મત અપનાવ્યો છે.
મંગળવારની સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાજર રહેશે તેવી જાહેરાત આપ દ્વારા કરાઇ હતી પરંતુ કેજરીવાલ આ સભામાં ગેરહાજર રહેતા જ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી. અંદાજે પચાસ હજાર જેટલાં આંજણા ચૌધરી સમાજના લોકોની હાજરીમાં આ સભાના મંચ પરથી સમાજના હિત માટે યોગ્ય નિર્ણય લઇ શકે તેવા પ્રયત્નો થવા જોઇએ તેમ કહેવાયું અને સામાજિક મુદ્દે આડકતરો રાજકીય ઇશારો અપાઈ ગયો.
21 નવેમ્બરે સુપ્રીમમાં સુનાવણી વખતે નિર્ણય થશે
આગામી 21 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં વિપુલ ચૌધરીના કેસની સુનાવણી છે. અગાઉ સરકારી વકીલ ગેરહાજર રહ્યા હોઇ સુનાવણી પાછી ઠેલાઈ હતી. જો કે આગામી સુનાવણી પર સૌની નજર છે. જો કે વિપુલ ચૌધરીને નજીકના ભવિષ્યમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે.
સમાજ માટે શૈક્ષણિક ભવન અને કેન્દ્રમાં અનામત અંગે સમાધાન થાય તેવી શક્યતા
સમાધાનની ફોર્મ્યુલા મુજબ ગુજરાત સરકાર પાટીદાર સમાજના સરદાર ભવન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જેમ ચૌધરી સમાજના એક મોટા શૈક્ષણિક ભવન માટે મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યાદી પ્રમાણે આ સમાજ ઓબીસીની યાદીમાં નથી તેનો સમાવેશ થાય તેવા પ્રયાસ કરાશે.
અર્બુદા સેના અને યુવા પેઢી હજુ નિર્ણાયક રહેશે
જો કે આ સમાધાન પછી પણ અર્બુદા સેનાના યુવાન કાર્યકર્તાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. એવું બને કે સમાજ જ્યાં પોતાના જ્ઞાતિના ઉમેદવાર હોય તેની પડખે રહે. આ કિસ્સામાં કેટલેક અંશે સમાજના મતો વહેંચાઈ શકે છે.
800 કરોડના કૌભાંડનો મુદ્દો હવે સાવ 6 કરોડે પહોંચ્યો
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે અર્બુદા સેનાએ ભાજપ અને સરકાર વિરોધી વલણ અપનાવ્યું હતું. જોકે હવે આ કૌભાંડની રકમ માંડ છ કરોડ રૂપિયાની થઇ ગઇ હોવાનું પણ સૂત્રો જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.