ગાંધીનગરના માણસાથી એક વર્ષ પછી ફરીવાર સગીર વયની પ્રેમિકાનું બાઈક પર અપહરણ કરીને પ્રેમી ભગાડી ગયો હોવાની ફરિયાદ માણસા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સગીરાને ભગાડી જતાં પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ થતાં તેણે જેલની હવા પણ ખાધી હતી.
બેસતા વર્ષની આગલી રાત્રે પ્રેમી સગીરાને ભગાડી ગયો
માણસાનાં ખેડૂતનાં ચાર સંતાનો પૈકીની 17 વર્ષ અને પાંચ મહિનાની સગીર વયની દીકરીને ખડાતનો પ્રેમી ફરીવાર ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. જે મુજબ બેસતા વર્ષની આગલી રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં ખેડૂત બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા અને તેમની પત્ની દવાખાને ગયા હતા. ત્યારે તેમની દીકરી ઘરે હાજર હતી.
થોડીવારમાં ખેડૂતના નાના ભાઈની પત્નીએ બૂમો પાડીને કહેલું કે, દીકરીને ખડાત મુકામે રહેતો સિદ્ધરાજસિંહ દિલુસિંહ રાઠોડ બાઈક પર બેસાડીને ભાગીને લઈ ગયો છે. આ સાંભળી ખેડૂત ન્હાવાનું પડતું મૂકીને બાથરૂમમાંથી બહાર દોડી આવ્યા હતા. એ અરસામાં અન્ય પરિવારજનો પણ આવી પહોચ્યા હતા.
અગાઉ પ્રેમીને જેલ ભેગો કરી દેવાયો હતો
બાદમાં પરિવારજનોએ બાઈક અને ગાડીઓ લઈને પ્રેમી પંખીડાને ઝડપી લેવા માટે શંખપુર તરફ જવાના રોડ સુધી પીછો કર્યો હતો. પરંતુ પ્રેમી પંખીડાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આશરે એક વર્ષ અગાઉ પણ સિદ્ધરાજસિંહ સગીરાને ભગાડી ને લઈ ગયો હતો. જે અંગે માણસા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તે વખતે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી પ્રેમી પંખીડાને શોધી કાઢ્યા હતા અને પ્રેમી સિદ્ધરાજ સિંહને જેલ ભેગો કરી દેવાયો હતો.
એક વર્ષ પછી ફરીવાર સિદ્ધરાજસિંહ સગીર પ્રેમિકાને ભગાડીને ફરાર થઈ જતાં ફરીવાર ખેડૂતે માણસા પોલીસ મથકના શરણે જવાની નોબત આવી હતી. માણસા પીઆઈ જતીન પ્રજાપતિએ પ્રેમી સિદ્ધરાજસિંહ વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી ફરીવાર પ્રેમી પંખીડાને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.