ધીમા મતદાનની ફરીયાદો:મતદાન મથકોની ફાળવણીમાં બેલેટથી મતદાન ભૂલાતાં મતદારોની લાઈનો લાગી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદારોનો ક્રમ નંબર બેલેટ પેપર ઉપર લખીને કાપીને આપવામાં આવતા ધીમા મતદાનની ફરીયાદો ઊઠી

ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટથી મતદાન કરવાનું હોવાથી તે મુજબના મતદાન મથકોની ફાળવણી કરવી જોઇએ. પરંતુ તે તંત્રને યાદ નહી રહેતા ઇવીએમથી જ મતદાનના આધારે મતદાન મથકોની ફાળવણી કરી દેવાતા મતદારોને બેથી ત્રણ કલાક લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

જિલ્લાની 156 ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું. તેમા વહેલી સવારથી જ મતદારોમાં પસંદગીના સભ્યને જીતાડવા માટે ઉત્સાહ જોવા મળતા મતદાન મથકો મતદારોથી ભરચક જોવા મળતા હતા. જોકે ગ્રામ પંચાયતની ચુંટણી ઇવીએમ નહી પરંતુ બેલેટથી કરવાની હોવાથી મતદારોનો ક્રમ નંબર બેલેટ પેપર ઉપર લખીને કાપીને આપવા સહિતની કામગીરીને લીધે સમય માંગી લે તેમ હતું. તેમ છતાં તંત્રને મતદાન મથકોની ફાળવણીમાં બેલેટથી મતદાન કરવાની બાબત ધ્યાનમાં રાખ્યા વિના જ ઇવીએમના આધારે મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેને પરિણામે જિલ્લાના તમામ ગામોના મતદાન મથકોમાં મતદારોની લાઇનો જોવા મળતી હતી.

સવારથી મતદારોની લાંબી લાઇનોને કારણે ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને પાણી પીવાનો પણ સમય મળ્યો નહી હોવાની બૂમ પડતી હતી. સામાન્ય રીતે ગ્રામ પંચાયતનું મતદાન 80 ટકાની આસપાસ રહેતું હોય છે. તેમાંય બેલેટથી મતદાન કરવાનું હોવાથી ઇવીએમની સરખામણીએ ડબલ સમય લાગે છે. આથી બેલેટથી મતદાનમાં મતદાન મથકો વધારવા જોઇએ તેમ ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી. મતદારોને બેથી ત્રણ કલાક લાઇનમાં ઉભા રહેવાથી અનેક જગ્યાએ મતદારોની નારાજગી પણ જોવા મળતી હતી. જેને પરિણામે ઉમેદવારોએ આવીને સમજાવવાની ફરજ પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...