તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર રહેતાં આખરે સ્થાયી સમિતિની બેઠક મુલતવી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર બેઠકમાં આવતા નથી અને DMC જવાબમાં બંધાતા ન હોવાની રાવ

ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેનો ગજગ્રાહ વધતો જઈ રહ્યો છે. બુધવારે 11 જેટલા મુદ્દા-ટેન્ડરો પર મંજૂરીની મહોંર માટે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં ન હતો તેમના સ્થાને ડીએમસી આવ્યા હતા. જેને પગલે સભ્યોએ મ્યુનિસિપલ કમિશનર હાજર રહે તેવો આગ્રહ કર્યો હતો. મળેલી માહિતી પ્રમાણે સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની ત્રણ મિટિંગના ઠરાવો અંગે હજુ સુધી કોઈ કામો થયા નથી.

બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કોઈપણ જવાબ માટે બંધાતા નથી. તેઓ દરેક વખતે કમિશનરનું ધ્યાન દોરવાની જ વાતો કરે છે. જેને પગલે સ્થાયી સમિતિના સભ્યોએ કમિશનર ન આવે ત્યાં સુધી બેઠક નહીં થાય તેવો નિર્ણય કરતાં બેઠક અચોક્કસ મુદ્દત માટે મુલતવી કરી દીધી હતી. બુધવારે મળેલી બેઠકમાં કાઉન્સિલર્સની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડની ખરીદીની મર્યાદામાં 300 નંગનો વધારો, મુક્તિધામ માટે લાકડાની ખરીદી, કામ ચલાઉ શેલ્ટર હોમ, સફાઈ માટેના 2 લોડર મશીરને ખરીદી, હાઈડ્રોલીક પ્લેટફોર્મની મરામતના ટેન્ડર, તથા 26 કરોડથી વધુના ખર્ચે શહેરના 17 જેટલા બગીચાઓના નવીનીકરણ પર મંજૂરીની મહોંર વાગે તેવી શક્યતા હતી.

કોરોનાથી 4 મહિનાથી પણ વધુ સમયથી શહેરના તમામ ગાર્ડન બંધ છે. ત્યારે આવા સમયે બગીચાઓના નવીનીકરણ સામે કોંગ્રેસ સાથે ભાજપના જ અમુક સભ્યોનો આંતરિક વિરોધ છે. સભ્યોનું માનવું છે હાલ કરોડો ખર્ચો કરવો યોગ્ય નથી, કારણ શહેરીજનોને ફરવા અને આનંદપ્રમોદ માટે અનેક બગીચાઓ સારા જ છે. મનપા દ્વારા 10 કરોડથી વધુના ખર્ચે સે-28 બાલોદ્યાનનું નવીનિકરણ કરાયું છે. તે પણ બંધ છે ત્યારે બગીચાઓ પાછળ વધું 26 કરોડ ખર્ચવા યોગ્ય ન હોવાનું સભ્યોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...