તસ્કરોએ ATMમાં હાથ ફેરો કર્યો:ગાંધીનગરના સેક્ટર-24માં ATMને ગેસ કટરથી કાપી 6.19 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સૌથી ભરચક વિસ્તાર સેકટર-24 માર્કેટની વચ્ચે આવેલા ખાનગી બેંકના ATMને ગેસ કટરથી કાપી અંદરથી તસ્કરો રૂ. 6 લાખ 18 હજાર 900ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને લઈ સનસનાટી મચી ગઈ છે. ભરચક બજારમાં તસ્કરોએ એ.ટી.એમ તોડીને ચોરીને અંજામ આપવામાં આવતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

અમદાવાદ મુકામે રહેતા મુર્તુજા હુસેની દાહોદવાલા હિટાચી પેમેન્ટ સર્વીસીસ પ્રા.લિ.કંપનીમાં મેનેજર તરીકે છેલ્લા દશેક વર્ષથી ફરજ બજાવે છે. જેમની કંપની અલગ-અલગ બેન્કોના એ.ટી.એમ મેનેજ તેમજ સર્વીસીસ અંગેનું કામકાજ કરે છે. જેમાં મેનેજર તરીકે તેઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં લગાડવામાં આવેલા એટીએમ મશીનો ઉપર રૂબરૂમાં જઇ વિઝીટ કરાતી હોય છે. તેમજ તેના મેન્ટેનન્સ તેમજ એટીએમ ઉપર લગાડેલા સીસીટીવી ફુટેજ ચકાસવાણી વગેરે કામગીરી પણ કરવાની હોય છે.

સફાઇ કામદાર સુપરવાઇઝરે ચોરીની ફોન પર જાણકારી આપી
​​​​​​​
ગાંધીનગર સેક્ટર-24માં માર્કેટની વચ્ચે ખાનગી બેન્કનું એ.ટી.એમ.આવેલું છે. જે એ.ટી.એમ.નું મેનેજ તેમજ સર્વીસીસ અંગેનુ કામ પણ ઉક્ત કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવે છે. ત્યારે સવારે સફાઇ કામદાર સુપરવાઇઝર નામદેવે ફોન કરીને જણાવ્યું હતું કે, બેન્કનું એ.ટી.એમ. કોઈએ તોડી નાખ્યું છે અને કોઇએ ચોરી કરી છે. જેથી આ મામલે પોલીસ અને બેંકમાં જાણ કરીને મુર્તુજા ગાંધીનગર દોડી આવ્યાં હતા.
રૂ. 10 લાખ મશીનમાં લોડ કરવામાં આવ્યાં હતા
​​​​​​​
તસ્કરોએ ગેસ કટરથી એ.ટી.એમ કાપીને અલગ-અલગ દરની ચલણી નોટો ચોરી લેવાઈ હોવાનું માલુમ પડયું હતું. જેની જાણ થતાં એટીએમમાં કેસ લોડ કરનારા સી.એમ.એસ.(કેશ મેનેજમેન્ટ સર્વીસ) કંપનીને જાણ કરતા કંપનીના કસ્ટોડિયન મયંક સોની દોડી આવ્યા હતા. ત્યારે જાણ થયેલી કે ગત તા. 19મી ઓક્ટોબરના રોજ સાંજના રૂ. 10 લાખ મશીનમાં લોડ કરવામાં આવ્યા હતા અને તા 20મી ઓક્ટોબર સુધીના વપરાશને બાદ કરતાં રૂ. 6 લાખ 18 હજાર 900 તસ્કરો ચોરી ગયાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ સ્કોર્પીયો ગાડીમાં ચાર તસ્કરો આવીને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...