સ્થાનિકો પરેશાન:ગાંધીનગરના 1 થી 5 સેક્ટરમાં 15 દિવસથી પૂરતા ફોર્સથી પાણી નહીં આવતાં રહિશોને ટેન્કર મંગાવવાની નોબત આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર - 24માં પણ આજ સમસ્યાનું નિર્માણ થતા નાગરિકો પરેશાન
  • પાણીનું નિયમિત ફિલ્ટરેશન પણ નહીં કરવામાં આવતાં પીવાના પાણીમાં દુર્ગંધ હોવાની પણ ફરિયાદ

ગાંધીનગરના 1 થી 5 તેમજ સેક્ટર - 24 માં છેલ્લા 15 દિવસથી પૂરતા ફોર્સથી પાણી નહીં આવતાં અત્રેના વિસ્તારમાં પાણીના ટેન્કર મંગાવવાની નોબત આવી છે. આ ઉપરાંત પાણીનું નિયમિત ફિલ્ટરેશન પણ નહીં કરવામાં આવતાં ઘણીવાર પીવાના પાણીમાં દુર્ગંધ હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

ગાંધીનગરમાં 1 થી 5 અને સેકટર - 24 માં અપૂરતા ફોર્સથી પાણીની સમસ્યા છેલ્લા પંદર દિવસથી સર્જાતા નાગરિકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, ગાધીનગરમાં ઉક્ત સેક્ટરોમાં પાણીનો ફોસૅ એકદમ ધીમો થઈ ગયો છે. જ્યારે નિયમિત પાણીનું ક્લોરિનૅશન પણ નહીં કરવામાં આવતાં ઘણીવાર પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે.

સેકટર 5 બી વિસ્તારમાં સવારે પાણી ખુબ જ ધીમા ફોસૅ અને તે પણ જલ્દી બંધ થઈ થઈ જાય છે. આથી પીવાનું અને ઘરવપરાશનુ પાણી ભરી શકાતું નથી. અત્યારે કાળઝાળ ઉનાળામાં પાણીનો વપરાશ વધારે હોય છે અને પુરતું પાણી નહી મળવાને કારણે વસાહતીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ના છુટકે સ્વખર્ચે વધુ પાણી માટે પાણીના ટેન્કર મંગાવવાની નોબત આવી છે.

વસાહતીઓ ધારા દર વષૅ મિલકત વેરો ટેક્ષ ભરવામાં આવે છે. પરંતુ નાગરિકોની પ્રાથમિક જીવન જરુરિયાત, સુખ સુવિધાઓ તંત્ર પુરી કરી શકતી નથી. આથી નવા સેકટરોમા પુરા ફોસૅથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાં માંગ છે.

સરકાર દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા ખાનગી એજન્સીઓને આપવામાં આવેલ છે. એજન્સીએ અણઆવડત ધરાવતા માણસોને પાણીની વિતરણ વ્યવસ્થા સોપવામાં આવે છે. જેને પાણીના વાલ્વ ખોલવાની ખબર હોતી નથી અને અણ આવડતને કારણે અવ્યવસ્થા ઉભી થઈ રહી છે. ગાધીનગર શહેરના નાગરિકોને પુરતા પ્રમાણમાં જરુરિયાત મુજબ માથાદીઠ પાણી મળી રહે તેટલો પયૉત છે. પરંતુ સરકારના કર્મચારીઓ અધિકારીઓની અણઘડ બે જવાબદાર નીતિને કારણે પાણી માટે નાગરિકો હેરાન થાય છે.

આ ઉપરાંત શહેરમાં સેક્ટર 28 અને સેક્ટર 9 પાણી વિતરણ માટે ટાંકીઓ આવેલ છે અને અંડરગ્રાઉન્ડ પાણી સંગ્રહ માટે મોટા સંપ ટાકા બનાવવામાં આવેલ છે. જે ટાંકામાં સમયાંતરે સાફસૂફી કરવામાં આવતી નથી અને પાણીમાં ફટકડી નાખી રિફાઇન જેવી પ્રોસેસ પણ નિયમિત નહીં કરવાના કારણે પાણીના ટાંકામાં કાદવ કીચડના થર જામેલા હોય છે. જે બાબતે પણ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાં માંગ છે.

અન્ય સમાચારો પણ છે...