તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સટ્ટાનું વ્યસન:ઓનલાઇન ક્રિકેટ સટ્ટામાં પતિએ પત્ની અને બાળકોને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની પર ચોરીનો આક્ષેપ મુકતા ઘરસંસાર તૂટવાની અણી પર આવી ગયું
  • સટ્ટો રમવાની ટેવના લીધે ઘરમાં આર્થિક તંગી ઉભી થવા લાગી

ગાંધીનગરમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવાની લતે ચડી ઘરની જવાબદારીથી પીછો છોડાવવા પતિએ પત્ની અને બાળકોને શારીરક માનસિક ત્રાસ આપ્યો છે. તથા પત્ની પર ચોરીનો આક્ષેપ મૂક્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ચોરીનો આક્ષેપ મુકતા તેનું ઘર પણ તૂટવાની અણી પર આવી ગયું
સમાજમાં દારૂ જુગારની પ્રવૃતિઓથી આખા પરિવારની શાંતિ હણાઈ જતી હોય છે. ઘણીવાર ઘરના મોભીની દારૂ જુગારની લતનાં કારણે ઘણા પરિવારનો માળો વીખરાઈ ગયો હોવાના પણ દાખલા સામે આવ્યા છે. ત્યારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવાની આદતનાં લીધે પતિએ તેની પત્ની અને બાળકોને શારીરક માનસિક ત્રાસ આપી પત્ની પર ચોરીનો આક્ષેપ મુકતા તેનું ઘર પણ તૂટવાની અણી પર આવી ગયું છે.

સટ્ટા રમવાની ટેવના લીધે ઘરમાં આર્થિક તંગી ઉભી થઇ
છેલ્લા ઘણા સમયથી અમિત પોતાના મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. જેનાં કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે તેણે કામ ધંધો કરવાનું જ બંધ કરી દીધું છે. જેનાં કારણે તેની પતિ રોશની અવારનવાર સટ્ટો રમવાનું બંધ કરી દેવાની સલાહ આપતી હતી. તેમ છતાં સટ્ટાની આદતમાં અમિત પોતાની પત્ની અને બાળકોની ઉપેક્ષા કરવા લાગ્યો હતો. તેની સટ્ટા રમવાની ટેવના લીધે ઘરમાં આર્થિક તંગી ઉભી થવા લાગી હતી. તેમ છતાં અમિત રાતદિવસ ઓનલાઇન સટ્ટો રમવાનું બંધ કરતો ન હતો.

બાળકોની માનસિક સ્થિતિ બગડવા લાગી
ઓનલાઇન સટ્ટામાં જે કઈ પૈસા જીતે તેમાંથી જ અમિત ઘરનું કરિયાણું ભરી દેતો પણ બાકીના પૈસા તે દારૂ પીવામાં ઉડાવી દેતો હતો. જેનાં પગલે ઘરમાં નાના મોટા ઝગડા થવા લાગ્યા હતા. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ કે ચોવીસ કલાક મોબાઈલમાં સટ્ટો રમવાના કારણે અમિતનો મોબાઇલ પણ હેંગ થવા લાગતો હતો. જેથી તે ગુસ્સો કરીને તેના બાળકોએ ફોન બગાડી નાખ્યો કહી ત્રાસ આપવા માંડ્યો હતો. જેનાં કારણે બાળકોની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી.

પિયરમાં પણ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રોશની પણ લાચાર
આટલેથી નહીં રોકાયેલ અમિત મોટાભાગે નશાની હાલતમાં રહી સટ્ટો રમવાનો આદિ થઈ ગયો હતો. સટ્ટામાં પૈસા હારી જાય તો તેણે હવે પત્ની પર પૈસા ચોરીનો આરોપ મૂકવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ પિયરમાં પણ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રોશની પણ લાચાર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ત્યારે સોશિયલ મીડિયા માધ્યમથી તેને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરીની ખબર પડી હતી.

આખરે હારી થાકીને પોતાનો ઘર સંસાર બચાવી લેવા રોશનીએ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. જેનાં પગલે મહિલા હેલ્પ લાઈન દ્વારા અમિતને રૂબરૂ મળીને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેના થકી અમિતને પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો હતો. અને પોતાની પત્ની અને બાળકો સાથે કરેલા દુર્વ્યવહારની માફી માંગી ઓનલાઇન સટ્ટો છોડી દેવાની તૈયારી દર્શાવી હતી. અને પોતાનો ઘર સંસાર તૂટતાં બચાવી લેવા બદલ અમિતે મહિલા હેલ્પ લાઈનની ટીમનો આભાર પણ માન્યો હતો. (પાત્રોનાં નામ કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...