તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે સરકારે સ્વીકારી જ લીધું કે...:‘માર્ચ-એપ્રિલ 2020માં જ 61 હજાર ડેથ સર્ટી ઇસ્યૂ થયા હતા’, 2021ના મોર્બિડ-કોમોર્બિડના આંકડા અંગે પૂછ્યું તો બોલતી બંધ થઈ ગઈ!

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે તો દિવ્ય ભાસ્કરના 44,943ના મૃત્યુઆંક કરતાં પણ 16 હજાર વધુનો આંકડો જાહેર કર્યો
  • ભાસ્કરનો ઉદ્દેશ્ય ભય ફેલાવવાનો નહીં, તંત્રની ખામી દર્શાવવાનો છે જેથી યોગ્ય પગલાં લઈ મૃત્યુઆંક ઘટાડી શકાય

સરકારે ફરી એકવાર કોરોનાથી મોતના સાચા આંકડા તો નથી જણાવ્યા પણ એ સ્વીકારી લીધું છે કે કોરોનાની શરૂઅાતના બે મહિના (માર્ચ-એપ્રિલ 2020)માં રાજ્યમાં 61 હજાર ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે દિવ્ય ભાસ્કરના અહેવાલ પર ખુલાસો અાપતા સમયે આ કબૂલાત કરી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં વર્ષ 2020ના માર્ચ-એપ્રિલમાં 44,943 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા હોવાનું દર્શાવ્યું હતું. એના જવાબમાં પંકજકુમારે કહ્યું કે આ આંકડા 30 ટકા ઓછા છે.

મોર્બિડ-કોમોર્બિડના આંકડા વિશે બોલી ન શક્યા
હકીકતમાં તો ગત માર્ચ-એપ્રિલ 2020માં 61,505 મૃત્યુ પ્રમાણપત્ર ઇશ્યૂ કરાયા છે. જે ભાસ્કરના અહેવાલ કરતાં 16,562 જેટલા વધારે છે. મીડિયાએ જ્યારે એમને પૂછ્યું કે સરકાર મોર્બિડ-કોમોર્બિડના આંકડા કેમ જાહેર નથી કરી રહી? તો પંકજકુમાર એનો સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. તેમણે માત્ર એટલું કહ્યું કે આ બાબતે સીએમ અને સત્તાધીશો માહિતી આપી ચૂક્યા છે. પણ સાચી વાત એ છે કે આજ સુધી રાજ્યના લોકોને આ સાચા આંકડા કોઈએ જણાવ્યા જ નથી.

સરકારે કહ્યુંઃ અમે મૃત્યુઆંક છુપાવતા નથી
ભાસ્કરનો જવાબઃ કોરોનાથી થતાં મોત અંગે સરકાર સાચું નહીં બોલતી હોવાનું તો હાઇકોર્ટમાં સાબિત થઇ ચૂક્યું છે. સુઓમોટો પરની સુનાવણીમાં 15 એપ્રિલ 2021ના રોજ ખુદ હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે, સરકાર મોર્બિડ અને કોમોર્બિડ એમ બંનેથી થયેલા મોતના આંકડા જાહેર કરે. જેથી લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત થાય. સરકારે હાઇકોર્ટમાં 19 એપ્રિલના રોજ અને 15 મેના રોજ હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી, પરંતુ મોર્બિડ અને કોમોર્બિડ મૃત્યુના આંકડા રજૂ કર્યા નહોતા. આમ, સરકાર હાઇકોર્ટની પણ ઉપેક્ષા કરી રહી છે.

સરકારે કહ્યુંઃ સમાચાર હકીકતલક્ષી નથી
ભાસ્કરનો જવાબઃ ‘દિવ્ય ભાસ્કર’એ તમામ જિલ્લામાં જાહેર કરાયેલા સત્તાવાર મૃત્યુ પ્રમાણપત્રનો આધાર લઇને અહેવાલ પ્રકાશિત કરેલો છે. એ ડેથ સર્ટિફિકેટ્સ ખુદ સરકારની સંસ્થાઓએ ઇસ્યુ કર્યાં છે. સ્મશાનના આંકડા, અખબારોમાં પ્રકાશિત બેસણા-અવસાન નોંધ, હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં નીકળેલા શબ પણ મોતના પુરાવા છે.

સરકારે કહ્યુંઃ એક જ મૃત્યુ એકથી વધુ વાર રજિસ્ટર થયું હોય તો તફાવત શક્ય છે
ભાસ્કરનો જવાબઃ જો એમ માની લઇએ કે એક મોત વધુમાં વધુ 4 વાર રજિસ્ટર્ડ થયું છે તો પણ સરકાર કોરોનાનો જે આંકડો જાહેર કરી રહી છે એના કરતાં કુલ મૃત્યુનો આંક 6થી 7 ગણો વધુ છે. અમે ક્યાંય એવું કહ્યું નથી કે જેટલા ડેથ સર્ટિફિકેટ્સ તેટલાં મૃત્યુ થયાં છે. સરકારે મોર્બિડ અને કોમોર્બિડ એમ બંને પ્રકારના મૃત્યુના આંકડા જાહેર કરવા જોઈએ.

સરકારે કહ્યુંઃ આ અન્ડર રિપોર્ટિંગ છે, કેમ કે 3 જિલ્લામાં જ 3-10 ગણા વધુ સર્ટિ. ઇશ્યૂ થયાં છે
ભાસ્કરનો જવાબઃ અમે આણંદમાં 240 ડેથ સર્ટિ દર્શાવ્યાં છે અને સરકારે 2660, બનાસકાંઠામાં ભાસ્કરના 481ની સામે સરકારે 2596, ખેડામાં 711ની સામે સરકારે 2662 ડેથ સર્ટિ. દર્શાવ્યા છે. જે દર્શાવે છે કે, ગયા વર્ષથી સ્થિતિ ગંભીર હતી. સ્થાનિક તંત્રે સાચા આંકડા પર પડદો નાખવાની કોશિશ કરી છે, આ અમારું ‘અંડર રિપોર્ટિંગ’ નથી.

...એક સવાલ ભાસ્કરનો - મોર્બિડ-કોમોર્બિડ ડેથના આંકડા જાહેર કરવામાં સરકારને શું વાંધો છે?
મોતના આંકડા પર સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. આમ છતાં સરકાર આંકડા જાહેર કેમ નથી કરી રહી? મોર્બિડ-કોમોર્બિડની માયાજાળ કેમ રચી? પહેલા સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને આંકડા જણાવતી હતી તે પણ બંધ કરી દીધા, કેમ? સરકાર પ્રેસ રિલીઝમાં જે આંકડા બતાવે છે તેનાથી અનેકગણી વધારે ચિતા સ્મશાનમાં સળગી રહી હતી. અમે સમજીએ છીએ કે આ મહામારી છે, મોત પર કોઈનો કાબૂ નથી છતાં પ્રજાનો એ હક છે કે સરકાર મોતની સાચી માહિતી આપે.

પીએમ મોદીએ કહ્યું- રાજ્યો કોરોનાના આંકડા ના છુપાવે
રાજ્યોએ કોરોનાના સાચા આંકડા જણાવવા જોઈએ. આંકડામાં પારદર્શિતા હોવી જોઈએ. આંકડા જો વધારે આવી જાય તો પણ ગભરાવું ન જોઈએ. એ પણ ન વિચારવું જોઇએ કે વધારે આંકડાથી તેમની છબી ખરડાશે અને તેમના પ્રયાસોને નકારાત્મક દૃષ્ટિથી જોવામાં આવશે. -નરેન્દ્ર મોદી, પીએમ

અન્ય સમાચારો પણ છે...