માણસાના પુનધરા ગામે આસ્થા મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં રાત્રિ દરમિયાન 8 થી 10 લૂંટારૂઓએ ફેક્ટરીના સુપરવાઇઝરનાં લમણે રિવોલ્વર રાખીને 1 લાખ 81 હજાર 500ની લૂંટ કરી તરખાટ મચાવી દીધો હતો. આ મામલે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પુનધરા ગામની સીમમાં આવેલા આસ્થા મેન્યુફેક્ચરિંગ નામની ખાનગી ફેક્ટરીમાં ગઈકાલ રાત્રે 8થી 10 જેટલા લૂંટારૂઓ ત્રાટકીને 1. 81 લાખની લૂંટને અંજામ આપ્યો છે. ફેક્ટરીના સુપરવાઇઝર ચાવડા પોપટજી ભુરાજીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રી દરમિયાન ફેક્ટરીમાં પરિવાર સાથે એકલા જ હોય છે. ગતરાત્રિ મોડી રાતના તેઓ સુતા હતા.
આ દરમિયાન બે ઈસમો તેમની નજીક આવ્યા હતા અને તેમને ઉઠાડીને ફેક્ટરીની ઓફીસની ચાવીની માંગ કરી હતી. જેમાં એક ઇસમે સિક્યુરિટી જેવા કપડાં પહેર્યા હતા અને બીજાએ ચડ્ડી અને ટી-શર્ટ પહેર્યું હતું. આ સાથે તેમની સાથે અન્ય બીજા પણ કેટલાક શખ્સો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ અજાણ્યા શખ્સોએ સુપરવાઇઝરના લમણે રિવોલ્વર જેવું હથિયાર રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સુપરવાઇઝરે ઓફિસની ચાવી તેમને આપી દીધી હતી અને લૂંટારુઓએ ઓફિસમાંથી રાખેલા રોકડ રૂપિયા 47 હજાર તથા 45 હજારની કિંમતનો એક સોનાનો દોરો, બે મોબાઈલ અને એક લેપટોપ તથા મંદિરમાં રાખેલા ચાંદીના સત્તર મળી કુલ રૂપિયા 1.81 લાખની લૂંટને અંજામ આપ્યો હતો.
ફેક્ટરીના સુપરવાઇઝરની ફરિયાદને આધારે માણસા પોલીસ મથકની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એફ.એસ.એલ. તેમજ ડોગ સ્કવોર્ડની ટીમને પણ ઘટનાસ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. નોંધનીય છે કે, જિલ્લામાં ચડ્ડી બનિયન ધારી ટોળકી છેલ્લાં ઘણાં સમયથી લૂંટના ગુનાને અંજામ આપી રહી હોવાથી પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.