ગામલોકોનો વિરોધ:લેકાવાડામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના ઠેર ઠેર બોર્ડ લાગ્યા, યુથ ગ્રાઉન્ડની પડતર માંગણી મુદ્દે ગ્રામજનો લડી લેવાના મૂડમાં

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેકાવાડા ગામનાં સીમાડે આવેલ મોટાભાગની જમીન સરકારે લ્હાણી કરી દેતા ગ્રામજનોનો વિરોધ

ગાંધીનગરના લેકાવાડા ગામની સીમાડે મોટાભાગની જમીન સરકારે લ્હાણી કરી દેવાની હિલચાલનો વિરોધ કરી ગ્રામજનો યુથ ગ્રાઉન્ડની છેલ્લા ઘણા વખતથી માંગણી કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સીધું ગ્રાઉન્ડની માંગણી સંતોષાય નથી. હવે જયારે ગુજરાત ટેક્નોલૉજી યૂનિવર્સિટીનાં નવા કેમ્પસનું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે એવામાં યુથ ગ્રાઉન્ડની માંગણીનો મુદ્દો હલ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં નહીં પ્રવેશવાનાં ઠેર ઠેર બેનરો લગાવી દેવામાં આવ્યા છે.

અગાઉ મામલતદારને પણ આવેદન પત્ર આપી રજુઆત કરેલી
છેલ્લાં ઘણાં સમયથી ગામતળની જમીન NSG કમાન્ડો ફોર્સને આપી દેવાનો ગ્રામજનો વિરોધ કરતાં આવ્યા છે. અહીં ગામતળની જમીનમાં તૈયાર કરેલ રમતનું મેદાન પણ દૂર કરી દેવાની દહેશતના પગલે ગ્રામજનોએ અગાઉ મામલતદારને પણ આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

ગામની આસપાસની જમીન સરકારે લ્હાણી કરી દેતા ગ્રામજનોમાં રોષ
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરનાં લેકાવાડા ગામના સીમાડે સર્વ નંબર - 1 માં 24,20,778 ચો.મી જમીન આવેલી છે. જેમાં માત્ર 2022 ચો. મી જમીનમાં ગામની નિશાળ આવેલી છે. જ્યારે ગામની આસપાસની જમીન કોસ્ટ ગાર્ડ, ગુજરાત ટેક્નોલૉજી યૂનિવર્સિટી ફાળવી દેવાઈ છે. ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પણ અહીં 10 એકર જમીન માંગણી કરાઈ છે.

ગામતળની ઊબડખાબડ જમીનને સમતળ કરી ગ્રામજનોએ ગ્રાઉન્ડ બનાવેલું
બીજી તરફ લેકાવાડાની પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગામના યુવાનો માટે રમત ગમતનું મેદાન જ નથી. જેથી કરીને ગામતળની ઊબડખાબડ જમીનને સમતળ કરીને ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ રમશે ગુજરાત, જીતશે ગુજરાત સુત્રને સાકાર કરી બાળકો અને યુવાનો મેદાની રમત રમીને ખેલ મહાકુંભ જેવી અલગ અલગ રમતમાં ભાગ લઈ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે.પરંતુ ગામમાં કોઈ મેદાન ન હોવાથી ગામતળની જમીન માં તૈયાર કરેલ મેદાનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

સરકારને આવેદન પત્ર આપી ગ્રાઉન્ડની જમીનની માંગ કરાઈ હતી
ઉપરોક્ત ગામતળની જમીન NSG કમાન્ડો ફોર્સને આપવાની હિલચાલ ચાલી રહી છે. જે માટે ફોર્સ દ્વારા અહીંના મેદાન તેમજ આસપાસની જમીનનો વારંવાર સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેથી ઉપરોક્ત મેદાનની જમીન ફાળવી દેવાની હિલચાલનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી સરકારને આવેદન પત્ર આપી ઉક્ત જમીન ગ્રામજનો માટે બાકી રાખવામાં આવે તેવી માંગણી કરતા આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...