પરિણીતાને ત્રાસ:પૌત્રની સારવારનો ખર્ચ માંગનાર પુત્રવધૂને સસરાએ લાફા ઝીંક્યા, મામલો બિચકતા ફરિયાદ કરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના રાયસણ મુકામે આવેલા ગુડા આવાસમાં રહેતી પરિણીતાને સાસુ સસરાએ માર માર્યો
  • પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ તેમજ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી સાસરિયાનો ત્રાસ સહન કરતી પુત્રની સારવાર અર્થેનાં ખર્ચની ઉઘરાણી કરતા આવેશમાં આવી ગયેલા સસરાને પુત્ર વધુને જાહેરમાં લાફા ઝીંકીને બિભત્સ ગાળો ભાંડી ઘરમાંથી કાઢી મુકતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પતિ અભિજીતસિંહે દિવ્યાબા સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરતા

અમદાવાદના શાહપુર ગામે રહેતી દિવ્યાબાના લગ્ન 26 એપ્રિલ 2019 ના રોજ ગાંધીનગરના રાયસણ મુકામે આવેલ ગુડા આવાસ મકાન નંબર સી /3 માં રહેતા અભિજીત વિક્રમસિંહ મકવાણા સાથે થયા હતા. ત્યારબાદ દિવ્યાબા લગ્નજીવનના હકો ભોગવવા માટે સાસરીમાં રહેવા આવ્યા હતા. શરૂઆતના બે મહિના રાબેતા મુજબ લગ્નજીવન ચાલ્યા બાદ પતિ અભિજીતસિંહે દિવ્યાબા સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂઆત કરી દીધી હતી. જે અંગે દિવ્યાબા સસરા વિક્રમસિંહ તેમજ સાસુ નયનાબાને ફરિયાદ કરતાં તેઓ પુત્રનું ઉપરાણું લઈ ચઢવણી કરતાં રહેતા હતા.

દિવ્યાબાનાં પિતાએ સાસરિયાને ઠપકો આપ્યો

બાદમાં તારીખ 18મી ફેબ્રુઆરી 2020 ના રોજ દિવ્યાબાએ પુત્રને જન્મ આપતા તેઓ પિયરમાં રહેવા ગયા હતા. જ્યાં ત્રણ મહિના રોકાયા પછી તેઓ પરત સાસરીમાં રહેવા માટે આવ્યા હતા. પરંતુ તે વખતે પણ સાસરિયાનો ત્રાસ યથાવત રહેતા તેઓ પાછા પિયરમાં જતાં રહ્યાં હતાં. આ અંગે દિવ્યાબાનાં પિતાએ સાસરિયાને ઠપકો આપ્યો હતો.

પોતાની સાળીને રૂપિયા પરત કર્યા ન હતા

બાદમાં અભિજિત દિવ્યબાને લઈને ગુડાના આવાસમાં અલગ રહેવા આવી ગયો હતો. અહીં પણ થોડા સમય સુધી શાંત રહ્યા બાદ અભિજિતસિંહે ફરી પાછું દિવ્યાબા સાથે નાની નાની બાબતોમાં વાંધા વચકા કાઢીને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પોતાનો પુત્ર અગાઉ બીમાર પડ્યો હોવાથી તેની સારવારનો રૂ.18 હજારનો ખર્ચ દિવ્યાબાની બહેને આપ્યો હતો. જેથી ગત તા. 09 જૂન 2021 ના રોજ તેણીએ રૂપિયા પરત કરવા માટે અભિજિતસિંહને કહ્યું હતું. પરંતુ તેણે પોતાની સાળીને રૂપિયા પરત કર્યા ન હતા.

વસાહતીઓ દોડી આવીને દિવ્યબાને સસરાના વધુ મારમાંથી છોડાવી

આ બાબતે સાળીએ સસરા વિક્રમસિંહ તેમજ સાસુ નયનાબાને વાત કરતા તેઓ ગુડાનાં મકાન પર આવી ગયા હતા. અને દિવ્યાબાને શેના પૈસાની આપવાનું કહી બિભત્સ ગાળો બોલી ઝગડો કર્યો હતો. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વિક્રમસિંહે પુત્રવધૂ દિવ્યાબાને લાફા ઝીંકી દીધા હતા. જ્યારે સાસુ નયનાબા એ પૌત્રનો હાથ ખેંચીને પકડી રાખ્યો હતો. આ બનાવના પગલે વસાહતીઓ દોડી આવીને દિવ્યબાને સસરાના વધુ મારમાંથી છોડાવી હતી. બાદમાં તેણીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અને ઈન્ફોસિટી પોલીસ મથકમાં પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ તેમજ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...