• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Kalol, The Husband Ends His Happy Married Life In The Thrall Of A Woman, The Dear Also Marries The Sister in law, Caught In A Love Trap, And Leaves.

પતિ - દિયર સાથે પ્રેમલગ્ન કરી પરિણીતા પસ્તાઈ:કલોલમાં પતિએ પરસ્ત્રીના ચક્કરમાં સુખી લગ્ન જીવનનો અંત આણ્યો, દિયરે પણ પ્રેમજાળમાં ફસાવી ભાભી સાથે લગ્ન કરીને તરછોડી દીધી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બીજી વાર પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી પરિણીતાનાં બીજા પતિએ ભૂતકાળ વાગોળી અડધી રાત્રે ઘરમાંથી કાઢી મુકી

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પતિએ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોનાં કારણે પત્ની અને પાંચ વર્ષના પુત્રને તરછોડી દઈ સાત વર્ષના લગ્ન જીવન લાવી દીધો હતો.જેનો લાભ ઉઠાવી પ્રેમના પાઠ ભણાવી ભાભી સાથે પ્રેમ લગ્ન કરનાર દિયરે પણ ભૂતકાળ વાગોળીને અડધી રાત્રે ગર્ભવતી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આમ પ્રેમ જાળમાં ફસાવી બંને ભાઈઓએ તરછોડી દેવામાં આવતા ગર્ભવતી પરિણીતાને રસ્તે રઝળવાંનો વખત આવ્યો છે.

પતિના આડા સંબંધોના કારણે સાત વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો
ગાંધીનગરના કલોલની ગર્ભવતી પરિણીતાએ બબ્બે વખત પ્રેમલગ્ન કર્યા છતાં રસ્તે રઝળવાંનો વખત આવ્યો છે. પતિએ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોના કારણે સાત વર્ષના લગ્ન જીવનનો અંત લાવી દઈ પત્ની અને પાંચ વર્ષના દીકરાને તરછોડી દીધા હતા. ત્યારે ભાભીને પ્રેમનાં પાઠ ભણાવી દિયરે પણ પ્રેમલગ્ન કર્યાના પાંચ મહિનામાં ગર્ભવતી પરિણીતાને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મુકી રસ્તે રઝળતી કરી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કલોલના મયુર - માધુરી વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટયા હતા. બંને એકબીજા વિના રહી શકતાં નહીં હોવાથી એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપીને બન્નેએ સાત વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરી લીધા હતા. આમ અનેક અરમાનો સાથે માધુરી સાસરીમાં મયુર સાથે આવીને રહેવા લાગી હતી. દિવસ દરમિયાનન મયુર નોકરીએ જતો ત્યારે માધુરી ઘરના કામમાં વ્યસ્ત થઈ જતી હતી. આ દરમિયાન સાહજિક રીતે દિયર કિશન સાથે હસી મજાક થતી રહેતી હતી. કિશન પણ તેના મોટાભાઈ કરતાં પણ ભાભી માધુરીનું વિશેષ ધ્યાન રાખતો હતો.આ બધું માધુરી માટે, દિયર-ભાભીનાં નાતે સાહજિક હતું. પણ દિયર કિશનનાં ઈરાદા કઈ અલગ જ હતા. પરંતુ સામાજિક બંધનોના કારણે તેણે તેની ઈચ્છાઓ દબાવીને રાખી દેવી પડી હતી. આમ સમય વીતતો ગયો અને માધુરીની કૂખે દીકરો જન્મયો. જેની ઉંમર હાલમાં પાંચ વર્ષની છે.જો કે જેમ જેમ દીકરો મોટો થયો તેમ તેમ મયુર ઘરે મોડા આવવા લાગ્યો અને ધીમે ધીમે માધુરીની અવગણના કરવા લાગ્યો હતો.આ તરફ અનેક અરમાનો લઈને મયુર સાથે પ્રેમ લગ્ન કરનાર માધુરીના સપનાઓ પર પાણી ફરી વળ્યું ઙતું.

પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધોનો ભાંડો ફૂટતાં ઘર સંસાર તૂટ્યો
એક દિવસ મયુરને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધોનો ભાંડો મયૂરી સમક્ષ ફૂટી ગયો હતો. જેનાં કારણે ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો. મયૂરને ઘણો સમજાવ્યો પણ તે અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. આ તરફ માધુરી તેના દિલની વાત દિયર સાથે કરીને મનનો ભાર ઓછો કરી લેતી હતી. એક સમય એવો આવ્યો કે મયુરે અવૈધ પ્રેમમાં અંધ બનીને મયૂરી અને દીકરાને તરછોડી દીધા. ત્યારે ભરી જવાની પાંચ વર્ષના દીકરાનો કેમનો ઊછર કરવોએ ચિંતા મયૂરીને કોરી ખાવા લાગી હતી.

ભાઈએ ભાભીનો ત્યાગ કરી દેતા દિયર કિશન ધીમે ધીમે મયૂરીની નજીક આવવા લાગ્યો
આ તરફ મોટાભાઈએ ભાભીનો ત્યાગ કરી દેતા દિયર કિશન ધીમે ધીમે મયૂરીની નજીક આવવા લાગ્યો હતો. અને મયૂરીને ઈમોશનલ રીતે પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યો હતો. આ તરફ મયૂરીને પણ દિયર કિશન પ્રત્યે લાગણી બંધાઈ ગઈ હતી. ત્યારે કિશને પાંચ વર્ષના ભત્રીજાને પિતાની હૂંફ આપવાની બાંહેધરી આપી લલચાવી ફોસલાવી ભાભી મયૂરી સાથે પાંચ મહિના અગાઉ પ્રેમ લગ્ન કરી લીધા હતા.

કિશને જબરજસ્તી કરીને મયૂરીને ઘરમાંથી કાઢી મુકી
જેનાં થકી મયૂરી ત્રણ મહિનાથી ગર્ભવતી પણ છે. જો કે લગ્નના બે એક મહિના પછી કિશન તેના મોટાભાઈ - મયૂરીનાં સંબંધોને લઈને મહેણાં ટોણાં મારવા લાગ્યો હતો. અને મયૂરીને ગર્ભવતી હાલતમાં પણ નોકરીએ જવા મજબૂર કરવા લાગ્યો હતો. ત્યારે ગઈકાલે સાંજે કામ અર્થે બહાર ગઈ હતી. અને સાંજે સાતેક વાગે ઘરે પરત ફરી હતી. જેથી કરીને કિશન તેની સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જે ઝગડો મોડી રાત સુધી ચાલ્યો હતો. આખરે રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં કિશને જબરજસ્તી કરીને મયૂરીને ઘરમાંથી કાઢી મુકી હતી.

રાત્રીના અંધકારમાં આશરાની શોધમાં માર્ગો પર ફરતી પીડિતાએ 181 અભયમ પાસે મદદ માંગી
આ તરફ ગર્ભવતી મયૂરી રાત્રીના અંધકારમાં આશરાની શોધમાં કલોલના માર્ગો પર ફરી રહી હતી. એવામાં યાદ આવતાં તેણે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદની ગુહાર કરી હતી. આમ કોલ મળતાની સાથે જ કાઉન્સિલર ભાવનાબેન પરમાર ટીમ સાથે પીડિતા પાસે પહોંચી ગયા હતા. અને તેને લઈને કિશન પાસે ગયા હતા. જ્યાં કિશનને કાયદાકીય માહિતી આપી કાઉન્સિલિંગ કર્યું હતું. જેનાં ભાગરૂપે કિશનને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. અને તેણે લેખિતમાં બાંહેધરી આપતાં દંપતી વચ્ચે સુખદ સમાધાન 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા કરાવી ઘર સંસાર તૂટતાં બચાવી લેવામાં આવ્યો હતો. (નોંધ - પાત્રોનાં નામ કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...