તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતા કલેકટરે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રેયસ છાપરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત

કલોલ શહેરમાં આવેલાં રેલ્વે પુર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી દુર્ગંધ યુક્ત દુષિત પાણી આવતું હતું. આ વિસ્તારમાં આવેલાં છાપરાઓ તેમજ સ્લમ વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજુઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર એ ધ્યાન ન આપતા અહીં ગંભીર અને જીવલેણ પાણીજન્ય ઝાડા - ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે. રેલ્વે પુર્વના શ્રેયસના છાપરામાં રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ઉપરાંત એક જ પરિવારના પિતા-પુત્રનું આ ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં મોત નિપજ્યું હતું . ત્યારે આજે જિલ્લા કલેકટર ધ્વારા ઉપરોક્ત વિસ્તારનાં બે કિલો મીટરના એરિયાને કોલેરા ગ્રસ્ત જાહેર કરીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર ની નિમણૂક કરવામાં આવી છે.

કલોલ રોગચાળો ફેલાતાં આરોગ્યની ટીમે આ વિસ્તારમાં ઓપીડી ચાલુ કરી છે. જેમાં બે દિવસથી 90 થી પણ વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે.રોગચાળાનું મુળ કારણ શોધવા માટે પાણી અને દર્દીના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કલોલ શહેરના રેલ્વે પુર્વ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આવેલાં શ્રેયસના છાપરાં, ત્રિકમનગર, જે.પી.ની લાઠી, આંબેડકરનગર, દત્તનગર હરીકૃપા હોસ્પિટલ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી પાણીની સમસ્યા ઉભી થઇ હતી. આ વિસ્તારમાં આપવામાં આવતું પાણી અત્યંત દુષિત અને દુર્ગંધયુક્ત હતું જેને લઇને સ્થાનિકોએ સંબંધિત તંત્રને રજુઆત પણ કરી હતી પરંતુ સ્લમ વિસ્તારની રજુઆત ફક્ત ચુંટણી ટાણે જ સાંભળવામાં આવે છે.

આ નીતિ અહીંના અધિકારીઓએ પણ અપનાવી હતી અને દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. જે ગંભીર અને જીવલેણ રોગચાળામાં પરિણમી છે. આ અંગે સ્થાનિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં શુક્રવારથી શ્રેયસના છાપરા અને જે.પી.ની લાઠી વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના કેસ આવવાના શરૃ થયાં હતાં. શ્રેયસના છાપરાં વિસ્તારમાં રહેતી દંતાણી પરિવારની પાંચ વર્ષની બાળકીનું સારવાર બાદ મોત નિપજ્યું હતું ત્યારબાદ સ્થાનિક તંત્ર આ પાણીજન્ય રોગચાળા બાબતે ગંભીર બન્યું હતું અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા ડોક્ટરોના ધામા છેલ્લા બે દિવસથી આ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગ્યા છે.

રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં રહેતાં દંતાણી પરિવારના 40 વર્ષિય પિતા અને સાડા ત્રણ વર્ષિય પુત્રનું પણ ઝાડા-ઉલ્ટીમાં મોત થયું હતું . આ પિતા-પુત્રના મૃત્યુ બાદ ઉચ્ચકક્ષાની ટીમોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને રોગચાળાનું સાચું કારણ શોધવા માટે આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીના નમૂના અને દર્દીના લોહી તથા સ્ટુલના નમૂના પણ લેવામાં આવ્યા છે જેનું લેબોરેટરીમાં પરીક્ષણ બાદ રોગચાળાનું સાચુ કારણ બહાર આવશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઘરે ઘરે ફરીને સર્વે કર્યો છે એટલું જ નહીં અહીં ઓપીડી પણ શરૃ કરી દેવામાં આવી છે.

જેમાં બે દિવસમાં આ વિસ્તારના 90 જેટલા રહિશોને ઝાડા ઉલ્ટી થયું હોવાનું સામે આવ્યું છે. ગંભીર દર્દીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે સ્થાનિક તંત્રને આરોગ્ય વિભાગે સુચના આપી છે. સાથે સાથે આ વિસ્તારમાં રહેતાં એક હજાર જેટલા પરિવારોને ક્લોરીનની ટેબલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જયારે જિલ્લા કલેકટર ધ્વારા ઉપરોક્ત વિસ્તારના બે કિલો મીટર નાં એરિયા ને કોલેરા ગ્રસ્ત જાહેર કરીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારને જવાબદારી સોંપવા માં આવી છે.

અન્ય સમાચારો પણ છે...