ગુજરાતમાં મહામારીનો મહા વિસ્ફોટ:ત્રીજી લહેરના માત્ર 18 દિવસમાં કોરોનાએ 56 હજારને ઝપેટમાં લીધા, દર કલાકે 165 કોરોના પોઝિટિવ નોંધાયા

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષના માત્ર 12 દિવસમાં જ 53986 કેસ નોંધાયા
  • બીજી લહેર બાદ ઓછા થયેલા કોરોના કેસ બાદ બેદરકારી ભારે પડી
  • નવા વર્ષે જાન્યુઆરીના 7 દિવસમાં જ કોરોના ઉથલો મારી હાહાકાર મચાવ્યો

કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો અને લોકોમાં એક ખૌફ ફેલાઈ ગયો હતો. વેક્સિનેશન અને સાવચેતીના કારણે કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં હતા. પરંતુ ફરીથી રાજકીય મેળાવડા, બજારોમાં બેખૌફ ફરતા લોકો, ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકોની ભીડે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપ્યું, જેના કારણે માત્ર 18 દિવસમાં ગુજરાતમાં 50 હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલી લહેર અને બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરની ઝડપ 7 ગણી છે.

26 ડિસેમ્બરથી વધવા લાગ્યો કેસનો આંકડો
28 જૂન 2021થી ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવવા લાગ્યો હતો. 28મી જૂને 96 કેસ નોંધાયા બાદ એક તબક્કે આખા ગુજરાતમાંથી માત્ર 10થી 12 કોરોનાના દર્દીજ નોંધાતા હતા. પરંતુ માસ્ક ન પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું અને જાહેર સ્થળો પર બેદરકારી રાખવાના કારણે ડિસેમ્બર મહિનાથી કેસો વધવા લાગ્યા. 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા અને ત્યારથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધવા લાગ્યા અને 12 જાન્યુઆરીએ 9941 કોવિડ પોઝિટિવ દર્દીના આંકડાએ ગુજરાતને ફરી ગભરાવી દીધું. માત્ર 18 દિવસમાં આ જીવલેણ વાયરસે 56536 દર્દીઓને ઝપેટમાં લઇ લીધા છે. દૈનિક સરેરાશ જોઇએ તો આ 18 દિવસમાં દરરોજ સરેરાશ 3140 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 24 મોત નોંધાયા છે. 18 દિવસમાં નોંધાયેલા 56536 કેસની સરખામણીએ રાજ્યમાં દર 2355 કેસે એક દર્દીનું મોત થયું છે.

42 દિવસમાં જ બીજી લહેરે ગુજરાતને ગભરાવ્યું
22 ફેબ્રુઆરી 2021થી ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થવા લાગી હતી. 22 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 315 કેસ નોંધાયા હતા અને દરરોજ કોરોનાની ઝપેટમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. 4 એપ્રિલે ગુજરાતમાં 2875 કેસ નોંધાતા જ કોરોના પ્રત્યેની બેદરકારી ગુજરાતને ભારે પડવા લાગી હતી. 22 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીના માત્ર 42 દિવસમાં જ ગુજરાતમાં 51334 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. વધતા કેસોની દૈનિક સરેરાશ જોઇએ તો 42 દિવસમાં દરરોજ સરેરાશ 1222 કેસ નોંધાયા હતા. જ્યારે આ જ સમયગાળામાં 161 મોત થયા હતા. એટલેકે 22 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીમાં નોંધાયેલા કેસની સરખામણીએ દર 318 કેસે એક મોત નોંધાયું હતું.

લોકડાઉનના કારણે પહેલી લહેરમાં 123 દિવસે નોંધાયા હતા 50 હજાર કેસ
ગુજરાતમાં 19 માર્ચ 2020ના દિવસે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને 24 માર્ચના રોજ દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે કોરોનાનું સંક્રમણ કાબૂમાં રાખવામાં મદદ મળી હતી. પરંતુ બાદમાં કોરોનાને હળવાશથી લેવાનું ભારે પડ્યું હતું અને 15 એપ્રિલથી કોરોના કેસો વધવા લાગ્યા હતા. 19 માર્ચે કોરોનાનો પહેલો દર્દી સામે આવ્યા બાદ 123 દિવસમાં એટલે કે 21 જુલાઈ સુધીમાં ગુજરાતમાં 50465 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. વધતા કેસોની સરેરાશ જોઇએ તો 123 દિવસમાં દૈનિક સરેરાશ 410 કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 2201 દર્દીના મોત થયા હતા. એટલેકે 19 માર્ચથી 21 જુલાઈ સુધીમાં નોંધાયેલા કેસની સરખામણીએ દર 22 કેસે એક મોત નોંધાયું હતું.