કાર્યવાહી:જુલાઈમાં 210 લોકો પાસેથી 96 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મનપા દ્વારા જાગૃતિ કાર્યક્રમો સાથે દંડની કાર્યવાહી, 1.15 લાખનો દંડ કરાયો

સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ડામવા માટે ગાંધીનગર કોર્પોરેશનની ટીમો દ્વારા સતત કામગીરી કરાય છે. ત્યારે જુલાઈના 31 દિવસમાં તંત્ર દ્વારા 210 લોકો પાસેથી 96.61 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. જેમાં તંત્ર દ્વારા 1,15,900 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંગઠનોને સાથે રાખી આ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. જેથી ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવી શકાય. પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો-2021 પ્રસિદ્ધ કરેલ છે. જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે.

વિશ્વ પર્યાવરણ દિવસથી મનપા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરાય છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સેક્ટર-21 અને સેક્ટર-16ના કોમર્શિયલ વિસ્તારના વેપારીઓ સાથે મિટિંગ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.

જાગૃતિ કાર્યક્રમો વચ્ચે પણ કેટલાક વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાતો નથી. જેને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દંડ વસૂલવા સહિતની કામગીરી ચાલુ રખાશે. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાગ્યો છે ત્યારે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હોવાથી પાલિકા દ્વારા ખાસ ડ્રાઇવ યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...