દહેગામ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર આવેલા હરખજીના મુવાડા, પાલુંદ્રા અને દેવકરણના મુવાડામાં ગઇકાલે મંગળવારે રાત્રે અચાનક દસેક જેટલા ડ્રોન ઘોંઘાટ સાથે આવી પહોંચતા ગ્રામજનોમાં કુતૂહલની સાથે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ મામલે સ્થાનિક ધારાસભ્યથી માંડીને આખું દહેગામ વહીવટી તંત્ર ગાઢ નિદ્રામાં રહ્યું હતું. ત્યારે દહેગામ વહીવટી તંત્ર ગાઢ નિદ્રામાં રહેતા જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યે આ મામલે તપાસના આદેશો આપ્યા છે.જો કે હાલ પણ આજ બીજા દિવસે પણ આ સમસ્યાના કારણે ગ્રામજનોના જીવ અદ્ધર થઈ ગયા છે.
દહેગામના હરખજીના મુવાડા, પાલુંદ્રા અને દેવકરણના મુવાડા ગામમાં ગઈકાલે રાત્રે ગ્રામજનો ગાઢ નિંદ્રામાં હતા. ત્યારે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં અચાનક ઘોંઘાટ સાથે ડ્રોન આવી ચડ્યા હતા. જેનાં કારણે ગ્રામજનો જાગી ગયા હતા. આશરે ત્રીસેક ફૂટની ઊંચાઈએ ડ્રોન ઊડવાના કારણે ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. જેમાં ઘણા ગ્રામજનોએ ડરના માર્યા લાકડીઓ, ધોકા જેવા હથિયારો પણ હાથમાં લઈ લીધા હતા.
એજ રીતે પાલુંદ્રા ગામમાં પણ ત્રણ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. અહીં પણ ગ્રામજનો ગાઢ નિદ્રામાંથી જાગીને શંકાસ્પદ ઉડતી વસ્તુ શું છે તે જાણવા આકાશ તરફ મોઢુ કરીને ઊભા રહી ગયા હતા. આ મામલાની જાણ થતાં દહેગામ પોલીસ પણ દોડી ગઈ હતી. જો કે પોલીસ પહોંચે એ પહેલાં શંકાસ્પદ ડ્રોન અંધારામાં ગાયબ થઈ ગયા હતા.
આ મામલે દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણને પૂછતાં તેઓ આ ઘટના વિશે કઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે દહેગામ મામલતદાર પણ શંકાસ્પદ ડ્રોન અંગે કશું જાણતા ન હોવાનું કહ્યું હતું. તો દહેગામ પોલીસે દિવસ દરમ્યાન આ મામલે તપાસ કરી હતી. પરંતુ મોડી સાંજ સુધી ડ્રોન હતા કે બીજું કશું એ મામલે ચોક્ક્સ તારણ કાઢી શકી ન હતી.
આ અંગે પાલુંદ્રા ગામના પૂર્વ સરપંચે કહ્યું હતું કે, સાડા બાર વાગ્યા સુધી ખેતર વિસ્તારમાં પિક્ચર ઉતારવામાં આવતા હોય એવા કેમેરાવાળા ડ્રોન જોવા મળ્યા હતા. જેના કારણે આખું ગામ જાગ્યું હતું. તો બીજી તરફ જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યે બનાવની ગંભીરતા જાણી તપાસના આદેશો આપી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.