વિધાનસભા ચૂંટણી માટે નવી રણનીતિ:ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ 40% ટિકિટ મહિલાઓને આપશે; ભાજપ શહેરોમાં 40%, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થશે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય પક્ષો આગામી ચૂંટણીમાં મહિલાઓને મોટા પ્રમાણમાં ટિકિટો આપવા જઇ રહ્યાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને પક્ષો લગભગ 40 ટકા બેઠકો પર મહિલાઓને આ વખતે તક આપવાનું વિચારી રહ્યાં છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આ વખતે નવા ચહેરાઓને ભરપૂર તક આપવા માંગે છે, અને તેમાંય મહિલાઓને સારું એવું પ્રાધાન્ય મળશે. શહેરી વિસ્તારોમાં ભાજપ 40 ટકા જેટલી બેઠકો પર જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 25થી 30 ટકા બેઠકો પર મહિલાઓને ઉમેદવારી કરાવશે.

આ તરફ કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉત્તર પ્રદેશમાં જે રીતે 40 ટકા મહિલાઓને તક આપવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે, તે જ તર્જ પર ગુજરાતમાં પણ મહિલાઓને 40 ટકા જેટલી બેઠકો પર ઉમેદવારી કરાવવાનો હાઇ કમાન્ડનો વિચાર છે. આમ જોવા જઇએ તો બન્ને પક્ષો 70 જેટલી બેઠકો પર મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હાર-જીતના ગણિતને જોઇને ઘણીવાર રાજકીય પક્ષો મહિલા ઉમેદવારને મેદાને ઉતારતા પાછીપાની કરે છે, પરંતુ આ વખતે તેવી સ્થિતિ ઊભી થવાને બદલે મહિલા ઉમેદવારોને સશક્ત ગણીને જ તક અપાશે.

હાલ વિધાનસભામાં 7.7% મહિલા MLA

  • ગુજરાત વિધાનસભાનું ચિત્ર જોઇએ તો કુલ 14 મહિલા ધારાસભ્યો છે જે પૈકી 11 ભાજપની જ્યારે કોંગ્રેસની 3 મહિલા ધારાસભ્યો છે.
  • 2012થી 2017 વચ્ચેની તેરમી વિધાનસભામાં કુલ 16 મહિલા ધારાસભ્યો હતી. આમ અગાઉની વિધાનસભાની તુલનામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ઘટી હતી.

ગત ચૂંટણીમાં ઓછી મહિલાઓને ટિકિટ મળી
ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મળીને 22 મહિલા ઉમેદવારોને તક આપી હતી. જેમાં ભાજપે 12 જ્યારે કોંગ્રેસે 10 મહિલા ઉમેદવારોને ટીકીટ આપી હતી. તેની સામે 2012ની ચૂંટણીમાં ભાજપે 19 જ્યારે કોંગ્રેસે 14 મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામત છે, જ્યારે વિધાનસભા કે લોકસભા માટે આવો કોઇ નિયમ નથી.

મહિલાને ટિકિટ શા માટે અપાશે?
મહિલાઓ જે-તે બેઠક માટે નવો ચહેરો હશે જેથી એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર નડશે નહીં. આ ઉપરાંત મહિલાઓ પુરુષોની તુલનામાં પ્રમાણમાં સ્વચ્છ છબી ધરાવે છે. મહિલા વોટરોને આકર્ષવા માટે પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપવા વિચારશે.

અન્ય સમાચારો પણ છે...