તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીની જાહેરાત:ગુજરાતમાં કોરોનાથી નિરાધાર બનેલા બાળકો 18 વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી માસિક 4 હજાર રૂપિયાની સહાય અપાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણી - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણી
  • મુખ્યમંત્રી રૂપાણીએ ફેસબુકના માધ્યમથી મુખ્યમંત્રી બાલ સેવા યોજના યોજના જાહેર કરી
  • વિદેશમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50 ટકા રાહત અપાશે.

દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોનો ભણવાનો ખર્ચ પણ PM કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે. ત્યારે રાજ્ય સરકારે પણ કોરોનાથી નિરાધાર થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજના યોજના જાહેર કરવામાં આવી છે.

સરકાર કોરોનાથી નિરાધાર બાળકોને સહાય આપશે
મુખ્યમંત્રી રૂપાણીએ આજે જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દિઠ ચાર હજારની માસિક સહાયતા આપશે. તે ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે લોકો જોડાયેલા હશે એ બાળકોને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.

બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા
જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામા આવશે. આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં જે બાળકો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તે બાળકોને અગ્રતા ક્રમ આપવામાં આવશે. જેમાં કોઈ પણ આવકની મર્યાદા રાખવામા આવશે નહીં. આ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર 50 ટકા ફી માફી આપે છે. તે ઉપરાંત બાળકોને સરકારની MYSY યોજનાનો લાભ પણ મળશે.

પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે
રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.

આવકમર્યાદા ધ્યાનમાં લેવામાં નહીં આવે
રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.

સરકાર હોસ્ટેલ ખર્ચ પણ અપાશે
14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.

નિરાધાર કન્યાઓને લગ્ન માટે પણ સરકાર સહાય કરશે
આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે. કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...