અસામાજિક તત્વોનો આતંક:ગાંધીનગરના સેક્ટર-6માં 10થી 15 અજાણ્યા ઈસમોએ બાઇકને આગ ચાંપી, અન્ય એકના ઘર પર પથ્થરમારો કરી એક્ટિવા સળગાવ્યું

ગાંધીનગર25 દિવસ પહેલા
  • શખ્સો પ્રમુખ પ્રેરણા કોમ્પલેક્ષ આગળ વેપારીના બાઈકને આગ ચાંપી દઈને પલાયન
  • અત્રેના એક મકાન પર પથ્થરમારો કરી એક્ટિવાને આગ ચાંપી
  • અસામાજિક તત્ત્વોના આતંકથી વસાહતીઓમાં ભયનો માહોલ છવાયો
  • સેક્ટર-7 પોલીસે ચાર અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં સમયથી અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી જવા પામ્યો છે. ગઈકાલે ગુરૂવારે રાત્રે પણ ગાડી-બાઈક લઈને આવેલા 10-15 જેટલા અસામાજિક તત્વો સેક્ટર-6ના પ્રમુખ પ્રેરણા કોમ્પલેક્ષ આગળ વેપારીના બાઈકને આગ ચાંપી દઈને પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને અંજામ આપ્યા પછી અજાણ્યા ઈસમોએ કોમ્પલેક્ષની પાછળ આવેલ પ્લોટ નંબર 596/2માં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ વાઘેલાના ઘર ઉપર પથ્થરમારો કરીને આતંક મચાવી દીધો હતો. તેમજ તેમના એક્ટિવાને પણ આગ ચાંપી દીધી હતી. સ્થાનિકોના કહેવા મુજબ આ આગની ઘટનાને અંજામ આપવામાં બે ત્રણ છોકરીઓ પણ શામેલ હતી. જો કે સેક્ટર-7 પોલીસે ચાર અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરમાં અસામાજિક તત્વો કાયદો વ્યવસ્થાનાં ધજાગરા ઉડાડીને બેફામ બનતાં જઈ રહ્યા છે. ચારે દિશાથી સીસીટીવી કેમેરામાં શહેર કેદ હોવા છતાં અસામાજિક તત્વો કાયદાનો ડર રાખ્યા વિના પોતાનો મલિન ઈરાદો પાર પાડી રહ્યા છે. હજી થોડા દિવસ અગાઉ પણ સેક્ટર-24થી ભાઈજીપુરા તરફ બાઈક લઈને આવતા ઈલેક્ટ્રીકના વેપારીનો બે અજાણ્યા બાઇક સવાર ઈસમોએ ફિલ્મી ઢબે પીછો કરી રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ગઈકાલે અસામાજિક તત્વોએ સેક્ટર-6/બી પ્રમુખ પ્રેરણા કોમ્પલેક્ષમાં હાર્ડવેર-ટુલ્સ વર્કસનો ધંધો કરતા વેપારીના બાઇકને આગ ચાંપી દીધી હતી.

ગાંધીનગરના વાવોલ મુકામે રહેતાં રણછોડભાઈ દેવાસી અહીં હાર્ડવેર-ટુલ્સ વર્કસનો ધંધો કરે છે. ગઈકાલે રાત્રે દસ વાગ્યાના અરસામાં ગાડીમાં આવેલા ચાર ઈસમોએ કોમ્પલેક્ષ આગળ પડેલા બાઈકને ધોકા વડે ફટકા મારી આગ ચાંપી દીધી હોવાની જાણ થતાં રણછોડભાઈ અને તેમનો પુત્ર કરણ કૉમ્પ્લેક્સ પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવી હતી.

આ મામલે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, ગાડી અને બાઇકો ઉપર 10થી 15 જેટલા ઈસમો આવ્યા હતા. જેમની સાથે બે ત્રણ યુવતીઓ પણ હતી. બાદમાં ધોકા વડે બાઈકને ફટકા મારીને આગ ચાંપી હતી. એ સમયે લોકો ભેગા થઈ જતા આ ઈસમો પલાયન થઈ ગયા હતા. જે અંગે જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી.

આ ઘટનાને અંજામ આપ્યા પછી અજાણ્યા ઈસમોએ કોમ્પલેક્ષની પાછળ આવેલ પ્લોટ નંબર 596/2માં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ વાઘેલાના ઘર ઉપર પથ્થરમારો કરીને આતંક મચાવી દીધો હતો. જેનાં કારણે આસપાસના વસાહતીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક પથ્થર મારો થવાથી રાજેશ ભાઈ સહિતનો પરિવાર પણ ઘરની બહાર નીકળવાની હિંમત કરી શક્યો નહોતો. ત્યારે જતાં જતાં ઈસમોએ ઘરના કાચ તોડી નાખી રાજેશભાઇના એક્ટિવાને પણ આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે અત્રેના વિસ્તારમાં રાત્રીના સમયે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

આ અંગે સેક્ટર-7 પોલીસ મથકના પીએસઆઇ દિપક પરમારે જણાવ્યું હતું કે, બનાવ રાત્રે બન્યો હતો. પ્રાથમિક રીતે જૂની અદાવતમાં અજાણ્યા ઈસમોએ બાઇકને આગ ચાંપી હોવાનું લાગી રહ્યું છે. આ ગુનામાં જેટલા પણ ઈસમો સંડોવાયા હશે એ તમામની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...