ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં લગ્ન પ્રસંગ નિમિત્તે કચરો સાફ કરવાની માથાકૂટમાં ગામના ત્રણ ઈસમોએ મારામારી કરી તલવાર વડે જીવલેણ હૂમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગાલે નવ ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરાના લગ્ન હોવાથી સફાઈ કરતા હતા
ગાંધીનગરના ઇન્દ્રોડામાં રહેતાં નવલસિંહ મગનજી ગોહીલ સેક્ટર -6 માં સાયકલનો વેપાર કરે છે. જેમના મોટા ભાઈ કરણસિંહ પોપટજી ગોહીલ પડોશમા રહે છે. આજ રોજ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે નવલસિંહ તેમના દિકરાના લગ્ન હોવાથી સફાઈ કરતા હતા. કચરો જાહેર રસ્તાની બાજુમા ઢગલો કરતાં હતાં. તે વખતે મકાનની પાછળ ૨હેતા ઉદેસિંહ ભરતસિંહ ગોહીલે કચરો અહીં કેમ ફેંક્યો એમ કહ્યું હતું. આથી નવલસિંહે જવાબ આપેલો કે દીકરાના લગ્ન પૂર્ણ થશે પછી તમામ કચરો ભરાવી લઈશ. તેમ છતાં ઉદેસિંહ મોટે મોટેથી બુમો પાડી ગાળો બોલવા લાગ્યો હતો. જેનો અવાજ સાંભળીને કરણસિંહ દોડી આવ્યા હતા. તેમણે પણ ગાળો નહીં બોલવાનું કહેતા ઉદેસિંહે નવલસિંહને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને કરણસિંહને બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા.
તલવાર વડે જીવલેણ હુમલો કર્યો
અંદરો અંદર જપાજપી થવા લાગતાં ગૌતમસિંહ કિરીટસિંહ ગોહિલ અને વિક્રમસિંહ ફતાજી ગોહિલ પણ ઉદેસિંહનુ ઉપરાણું લઈ આવી ગયા હતા અને વિક્રમસિંહે ધોકો લઈને કરણસિંહને માર્યો હતો. આ જોઈને નવલસિંહનો ભત્રીજો સંજયસિંહ ઘરની બહાર આવ્યો હતો એટલામાં ઉદેસિંહ અને ગૌતમસિંહ ગોહિલ તેમના ઘરે જઈ બે તલવારો લઈ આવ્યા હતા અને સીધા સંજયસિંહ ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સંજયસિંહને ડાબા ગાલે તલવાર નો ઘા વાગતા નવ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.