નજીવી બાબતે પિતા-પુત્ર પર હુમલો:ગાંધીનગરના ધોળાકુવા ગામમાં નજીવી બાબતે ત્રણ ઈસમોએ પિતા પુત્રને ઢોર માર મારી ફરાર થઈ ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ધોળાકુવા ગામમાં નજીવી બાબતે અદાવત રાખીને ત્રણ ઈસમોએ પિતા પુત્ર ઉપર ધોકા અને લોખંડના સળિયા જેવા હથિયાર વડે હૂમલો કરી ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગામના જ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના ધોળાકુવા ગામ પગીવાસમાં રહેતા લીલાબેન ઠાકોર અને તેમનાં પતિ સનાજી ભીખાજી ઠાકોર ઘરે હાજર હતા. ત્યારે ગામના શંકરપુરા વાસમાં રહેતો અમિત વિષ્ણુજી ઠાકોર એકદમ તેઓના ઘરે ગયો હતો. અને બૂમો પાડીને કહેવા લાગેલો કે બે દિવસ અગાઉ મારા પિતાને ગાળો કેમ બોલી હતી. જેથી સનાજીએ ગાળો બોલી નહીં હોવાનું કહેતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

અને હાથમાં લઈને આવેલો ધોકો સનાજીએ માથામાં મારી દીધો હતો. જેથી તેઓ નીચે પડી ગયા હતા. એજ સમયે અમિતનો ભાઈ આઝાદ પણ હાથમાં લોખંડના સળિયા જેવું હથિયાર લઈને દોડી આવ્યો હતો. અને લીલાબેનને છાતીમાં ફુસો માર્યો હતો. ત્યારે પોતાના માતા પિતાને બચાવવા માટે જૈમિન વચ્ચે વચ્ચે પડ્યો હતો. એટલામાં આઝાદ ના કાકાનો દિકરો ખોડાજી લાલાજી એકદમ આવી જઈ જૈમિનને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.

આ હુમલામાં ઘાયલ સનાજીનાં માથામાંથી લોહી નિકળતા બુમાબુમ થતા કુટુંબના માણસો તથા આસપાસના લોકો દોડી આવતા ત્રણેય હુમલાખોરો નાસી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ લઈ જવાયા હતા. જ્યાં સનાજીને માથામાં પાંચ ટાંકા લઈ વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...