તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, Three Youths, Including A Young Woman, Were Caught Demanding Rs 15 Lakh After Downloading A Video Of Them Enjoying Private Moments With A Young Businessman.

હનીટ્રેપ:ગાંધીનગરમાં વેપારી યુવક સાથે અંગત પળો માણીને વીડિઓ ઉતારી 15 લાખની માંગણી કરતી યુવતી સહિત ત્રણ યુવાનો ઝડપાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટકટમાં પૈસા કમાવા માટે ડાન્સ ક્લાસના યુવક અને યુવતીએ કાવતરૂ રચ્યું
  • ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના હનીટ્રેપનો મામલો ચગ્યો છે, ત્યારે ગાંધીનગરમાં પણ હનીટ્રેપમાં યુવકને ફસાવી 15 લાખની માંગણી કરનાર યુવતી સહિત ત્રણ યુવાનોને ઝડપી લઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. શોર્ટ કટમાં રૂપિયા કમાવવાની લાલચમાં આરોપીઓએ સિગ્મા ઝેરોક્ષનાં માલિકને ટાર્ગેટ કરીને સમગ્ર કાવતરું રચ્યું હોવાનું પણ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલવા પામ્યું છે.

સિગ્મા ઝેરોક્ષનાં માલિક ને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો

સેક્ટર-11માં આવેલ સિગ્મા ઝેરોક્ષનાં માલિક 38 વર્ષીય નરેન્દ્ર મણીભાઈ પટેલ કુડાસણ સુરભી એક્ઝોટિકામાં રહે છે. આશરે બે ત્રણ મહિના અગાઉ એક યુવતી અવારનવાર ઝેરોક્ષ કઢાવવા માટે આવતી હોવાથી અન્ય ગ્રાહકોની જેમ નરેન્દ્ર એ તેનો મોબાઇલ ફોન લીધો હતો. બાદમાં એક દિવસ યુવતીએ નરેન્દ્રના મોબાઇલ પર સેન્ડ કરીને પ્રિન્ટ કાઢી રાખવાનું કહ્યું હતું. જે થોડી વાર પછી દુકાને આવી પોતાની ઓળખાણ પાયલ તરીકે આપી પૈસા ચૂકવીને ઝેરોક્ષ લઈ હસીને જતી રહી હતી.

વીસ દિવસ પછી પાયલ નામની યુવતીએ નરેન્દ્રને ફરી પાછો મેસેજ કર્યો હતો. અને નરેન્દ્રને ઈન્ફોસિટી મળવા માટે બોલાવ્યો હતો. જેથી નરેન્દ્ર પણ પાયલને મળવા માટે ઈન્ફોસિટી પહોંચી ગયો હતો. જ્યાં ગાડીમાં ફર્યા પછી પાયલ હોટેલમાં જવાની ઇચ્છા વ્યક્ત કરતા નરેન્દ્ર તેને સેક્ટર-16માં આવેલી હોટલ હવેલી ઇનમાં લઈ ગયો હતો. જ્યાં દોઢેક કલાક સુધી બન્ને એ શારીરિક સુખ માણ્યા બાદ છૂટા પડ્યા હતા.

વીડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી રૂ.15 લાખની માંગણી કરી

આ દરમિયાન લોકડાઉન લાગુ થતાં નરેંદ્રનો સંપર્ક પાયલ સાથે બંધ થઈ ગયો હતો. જ્યારે લોકડાઉન ખુલતા નરેન્દ્રના મોબાઇલ પર વનરાજ નામના ઈસમે ફોન કરીને કહેલું કે, તે પાયલ સાથે ખરાબ કામ કર્યું છે 15 લાખ આપી દે નહીં તો તારો પાયલ સાથેની અંગત પળોનો વીડિઓ વાયરલ કરી દઈશું. આ સાંભળીને નરેન્દ્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં કાજલ ઉર્ફે પાયલ, વનરાજ અને ભરત તેમજ જય નામના ઈસમો ભેગા મળીને નરેન્દ્રને બળાત્કારના ગુનામાં ફસાવી દઇ વીડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી રૂ.15 લાખની માંગણી કરવા લાગ્યા હતા. આખરે નરેંદ્ર પટેલે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવના પગલે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જય વાઘેલા દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગુપ્ત રાહે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેનાં પગલે પીએસઆઇ આરતી અનુરકાર સ્ટાફના માણસો સાથે હની ટ્રેપના આરોપીઓને ઝડપી લેવાની દિશામાં કાર્યરત હતા. ત્યારે કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહ બાતમીના આધારે ઉપરોક્ત ષડયંત્ર આચરનાર ટોળકીને સેક્ટર-30 સર્કલ સાબરમતીના પુલ નજીકથી આબાદ રીતે ઝડપી લેવામાં આવી હતી.

હની ટ્રેપની ચંડાળ ચોકડી ઝડપાઈ

આ અંગે ઈન્સ્પેક્ટર વાઘેલાએ જણાવ્યું હતું કે, હની ટ્રેપના ગુનામાં મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાની અને હાલમાં ગાંધીનગરમાં રહેતી-20 વર્ષીય કાજલ કુમારી ઉર્ફે પાયલ રાજેન્દ્રભાઈ કોરી (રાજપુત), વિશાલ ઉર્ફે વનરાજ ભરતભાઇ મોદી( રહે એમ/32/375, સેકટર-24, મૂળ. ભભરાણા રાજસ્થાન), ભરત ઉર્ફે વિરાટ બાબુભાઈ ઠાકોર (રહે. સંજરી પાર્ક પેથાપુર, મુળ. હરીપુરા તાલુકો સમી પાટણ) તેમજ જય નીતિનભાઈ રાવલ (પ્લોટ નંબર 605/2,કિસાન નગર સેકટર 26 મૂળ સોજા )ની ધરપકડ કરી લેવામાં આવી છે.

વિશાલ ઉર્ફે વનરાજ સેક્ટર-21માં યુજીડીસીના નામે ડાન્સ ગરબા ક્લાસ ચલાવતો હતો

વિશાલ ઉર્ફે વનરાજ સેક્ટર-21માં યુજીડીસીના નામે ડાન્સ ગરબા ક્લાસ ચલાવતો હોવાથી ભરત ઉર્ફે વિરાટ સાથે મિત્રતા થઈ હતી. જ્યારે કાજલ ડાન્સ શીખવા માટે જતી હોવાથી તેઓના સંપર્કમાં આવી હતી. વિશાલના પિતા ભરતભાઈ ગાંધીનગરમાં દાબેલીનો વ્યવસાય કરે છે જેઓને દેવું વધી ગયું હતું. તો કાજલ પણ સામાન્ય ઘરમાંથી આવતી હોવાથી તેમજ ભરત પણ છૂટક નોકરીઓ કરતો હોવાથી શોર્ટ કટમાં રૂપિયા કમાવા માટે સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

ઈન્ફોસિટી માતારાણી હોટેલની ઉપર "સસ્તા રિચાર્જ"ની દુકાન માં કાવતરું રચ્યું હતું

બાદમાં ભરત ઠાકોરે સિગ્મા ઝેરોક્ષના માલિકને ટાર્ગેટ કરવાની ટીપ્સ આપી હતી. જે જય રાવલ સાથે પાર્ટનરશીપમાં ઈન્ફોસિટી માતારાણી હોટેલની ઉપર "સસ્તા રિચાર્જ"ની દુકાન ચલાવે છે. જ્યાં કાજલને નોકરી પર રાખી પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જે પ્લાન મુજબ સિગ્મા ઝેરોક્ષના માલિક નરેન્દ્ર પટેલને ફસાયો હતો. અને સેકટર 16ની હોટલ હવેલી ઇનમાં લઈ ગઈ હતી. જેણે પોતાના પર્સમાં spy કેમેરો ગોઠવીને નરેન્દ્ર સાથેની અંગત પળોનો વીડીયો ઉતારી લીધો હતો. જે વિડીયો જય રાવલ પોતાની પાસે રાખ્યો હતો. બાદમાં ઉક્ત ટોળકી નરેન્દ્ર પાસે રૂ. 15 લાખની માંગણી કરવા લાગી હતી. કાજલ ગાંધીનગરની કોલેજમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં ટોળકી પાસેથી રૂ. 90 હજારના મોબાઇલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમ વધુમાં ઇન્સ્પેકટર વાઘેલાએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...