ગાંધીનગરમાં પતિથી રિસાઈને પિયર ગયેલી પત્નીનો દાવ થઇ ગયો છે. પત્ની પિયર ગયાના એક મહિના સુધી પતિએ ભાળ ન લેતાં પત્ની સાસરે પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતાં પત્નીની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, ગાંધીનગરમાં ચાર સંતાન સાથે એક દંપતી સુખમય જીવનમાં બીજી સ્ત્રીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગાંધીનગરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)ના લગ્ન અક્ષય (નામ બદલ્યું છે) સાથે થયા હતા. આ લગ્નજીવનથી રેખાએ ચાર સંતાનને જન્મ આપ્યો હતો. દંપતી ચાર સંતાનોના લાલનપાલનમાં વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે સમય જતાં અક્ષયના સ્વભાવમાં ઓચિંતો ફેરફાર થવા લાગ્યો હતો.
અક્ષય ધીમે ધીમે રેખા અને ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો, એટલે રેખાને એમ હતું કે અક્ષય કામધંધા અર્થે વ્યસ્ત હોવાથી સ્વભાવ બદલાયો હશે. જોકે સમય જતાં અક્ષયે રેખા સાથે વાતચીત કરવાનું પણ ઓછું કરી દીધું અને સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો.
મોડી રાત સુધી ફોનમાં વ્યસ્ત રહેતાં રેખાને શંકા ગઇ
મોડી રાત સુધી અક્ષય ચોરીછૂપીથી ફોન પર વાતો કરતો રહેતો હતો, જેને કારણે રેખાને શંકા ઊપજી હતી, જેથી તેણે અક્ષયની દરેક હિલચાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અક્ષય પણ વિશેષ તકેદારી રાખી ફોન રીઢો મૂકતો ન હતો, પરંતુ કહેવત છે ને પાપ છાપરે ચડીને પોકારી ઊઠે, એજ રીતે રેખાને અક્ષયનું અફેર ચાલતું હોવાની જાણ થઈ ગઈ હતી.
પહેલી પત્ની પરત ફરી તો બીજી પત્નીએ સ્વાગત કર્યું
રેખાને અક્ષયના અફેરની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં અક્ષય પોતાના અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલાં દંપતી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી, જેને પગલે રેખા ચાર સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવા જતી રહી હતી, પરંતુ મહિના સુધી અક્ષયે ભૂમિકા કે સંતાનોને પરત લાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. રેખા સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત ઘરે ફરી હતી. રેખાએ સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો કે અક્ષયને જેની સાથે અફેર ચાલતું હતું તે રીના (નામ બદલ્યું છે)એ દરવાજો ખોલ્યો હતો.
રેખાએ 181ની ટીમને મદદે બોલાવી
આ જોઈ રેખાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે અક્ષયે એક મહિનાની અંદર જ રીના સાથે લગ્ન કરી લઈ નવો ઘરસંસાર માંડી લીધો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. આખરે રેખાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને મદદે બોલાવી લીધી હતી.
અક્ષય કોઇ વાતે ન સમજતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
અભયમ ટીમે પણ અક્ષયને ઘણો સમજાવ્યો હતો, પરંતુ તેણે રેખાને રાખવાની ઘસીને ના પાડી હતી, જેને ચાર સંતાનોના ભવિષ્ય સામે જોવા માટે પણ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે કલાકો સુધી સમજાવ્યો ,પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો. આખરે કંટાળીને રેખાએ ગાંધીનગર પોલીસનું શરણ લેવાનું નક્કી કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
(નોંધ: પાત્રોનાં નામ કાલ્પનિક છે)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.