ઘરમાં કામને લઈને નાની નાની તકરાર કયારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જેનાં કારણે હર્યોભર્યો ઘર સંસાર બરબાદ થઈ જતો હોય છે. આવા જ એક ગાધીનગરના પરિવારને 181 અભયમ મહિલા હેલ્પ દ્વારા તૂટતાં બચાવી લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે હેલ્પ લાઈનના કંટ્રોલ રૂમમાં એક મહિલા ફોન કરીને કહે છે મારા પતિને સમજાવો મને સાથે રાખતા નથી. મેં સ્યુસાઇડ નોટ લખી છે અને ઉંદર મારવાની દવા પી આપઘાત કરી લઉં છું.
ઘર કંકાસનાં કારણે છેલ્લાં ઘણાં દિવસથી ચાલતી નાની નાની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સાસુ - વહુ વચ્ચે લાફા યુદ્ધ છેડાયુ હતું. આથી પતિએ પત્નીને ઘરેથી કાઢી મૂકી છૂટાછેડાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. એવામાં પત્નીને પતિનો વિયોગ સતાવતા સ્યુસાઇડ નોટ લખી પતિને સમજાવો મને જોડે રાખે નહીં તો હું આપઘાત કરી લઈશ મતલબનો 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને ફોન કરીને મદદ માંગવામાં આવે છે. અને એ એક ફોન ના કારણે આજે દંપતી એકસાથે રહેવા સહમત થઈ ગયા છે.
હેલ્પ લાઈનના કંટ્રોલ રૂમમાં એક મહિલા ફોન કરીને કહે છે મારા પતિને સમજાવો મને સાથે રાખતા નથી. મેં સ્યુસાઇડ નોટ લખી છે અને ઉંદર મારવાની દવા પી આપઘાત કરી લઉં છું. આ સાંભળી હેલ્પ લાઈનની મહિલા કાઉન્સિલર સ્થિતિ પારખી જાય છે અને ધીમે ધીમે આત્મીયતા કેળવીને મહિલા સાથે વાતચીતનો દોર શરૂ કરે છે. ત્યારે પીડિતા કેતકી (નામ બદલ્યું છે) વિસ્તારથી વાત કરતા કહે છે. 12 વર્ષ અગાઉ અમદાવાદ મુકામે લગ્ન થયા હતા. આ લગ્ન જીવનથી પાંચ વર્ષની દીકરી પણ છે. પોતે સરકારી કર્મચારી છે અને પતિ પણ નોકરી કરે છે.
તેમનો ઘરસંસાર વ્યવસ્થિત ચાલતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘરમાં કામને લઈને સાસુ સાથે નાની નાની તકરાર થતી રહેતી હતી. એક દિવસ આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સાસુ સાથે માથાકૂટ થઇ હતી અને બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ થઈ હતી. જેનાં કારણે પતિએ ઘરમાંથી કાઢી મુકી છૂટાછેડા આપવાનું મન બનાવી લીધું છે. જેનાં કારણે માનસિક રોગની ચિકિત્સા શરૂ કરવાની નોબત આવી છે.
સામાજિક રીતે પણ પતિને સમજાવવાનાં બધા પ્રયાસો નિષ્ફળ નિવડયા છે. પતિ કોઈ કાળે રાખવા તૈયાર નથી. અને હું એના વિના રહી શકતી નથી. જેથી સ્યુસાઇડ નોટ લખીને ઉંદર મારવાની દવા પી આપઘાત કરી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પતિ દીકરીને મળવા માટે પિયરમાં તો આવે છે પણ લઈ જવાં તૈયાર નથી.
આથી અભયમ ટીમની કાઉન્સિલર દ્વારા પતિનો સંપર્ક કરવામાં આવે છે. પરંતુ સંપર્ક થઈ શકતો નથી. જેનાં કારણે મહિલા ટીમને પીડિતાના ઘરે મોકલી આપવામાં આવે છે. જેનાથી અજાણ પતિ તેની દીકરીને મળવા જાય છે અને અભયમની ટીમ તેની સાથે વાર્તાલાપ કરે છે. કલાકોના કાઉન્સિલિંગ પછી પત્નીની માનસિક સ્થિતિ સુધરે ત્યાં સુધી જોડે રહેવાની તૈયારી બતાવે છે. 181 અભયમ હેલ્પ લાઈનનાં કારણે દંપતી સાથે રહી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.