ડોલ માટે વલખાં:ગાંધીનગરમાં તંત્રએ કચરામાંથી કંચન બનાવવા માટે નિયમ બનાવ્યા, પરંતુ કચરો અલગ રાખવા પૂરતી ડોલો જ ન આપી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિલ્કત ધારકોને ઉપર-નીચે મકાનનાં બે બિલ ચૂકવાય છે, જ્યારે ડોલ બે જ અપાય છે
  • ત્રણ વર્ષથી કચરાની ડોલ વિના વલખાં મારતા નાગરિકો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂકો ભીનો કચરો અલગ અલગ વર્ગીકૃત નહીં કરનાર ઘરની સેવા સોમવારથી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે કચરામાંથી કંચન બનાવવા માટે એકઠો કરવામાં આવતો કચરો રાખવાની લીલી- વાદળી ડોલો છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર દ્વારા આપવામાં નહીં આવી હોવાથી કોર્પોરેશનનાં તગલખી નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉભો થવા લાગ્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના દરેક મકાનમાંથી સુકો અને ભીનો કચરો અલગ અલગ કરીને આપવાનુ સોમવારથી ફરજીયાત કરવામાં આવનાર છે, પરંતુ ત્રણ વર્ષ પહેલાં મહાનગર પાલિકા દ્વારા બે ડસ્ટબીન વસાહતીઓને આપવામાં આવ્યા હતા. જે ઘણા વસાહતીઓને મળી શકયા નથી અને એકજ મકાનમાં ઉપર નીચે અલગ બે ભાઈઓ તથા ભાડુઆત રહેતા હોય તો ફક્ત બે જ ડસ્ટબીન આપવામાં આવે છે.

ઘણા મકાનોના મિલકતવેરાના બે બિલ આપવામાં આવેલ છે છતાં બે ડસ્ટબીન આપવામાં આવે છે. આથી પહેલા વસાહતીઓને ધરદીઠ નવા ડસ્ટબીન આપવામાં આવે ત્યારબાદ અલગ અલગ ભીનો સુકો કચરો આપવાનો વસાહતીઓ પાસે આગ્રહ રાખવામાં આવે છે. મહાનગર પાલિકા દ્વારા વસાહતીઓ પાસેથી સફાઈ ચાર્જ સાથે કરોડોનો મિલકત વેરો ઉધરાણું કરવામાં આવે છે, પરંતુ સેકટરોના જાહેર રોડ રસ્તા વસાહતીઓના આંતરિક કોમન ચોકની નિયમિત સાફસફાઈ કરવામાં આવતી નથી.

આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિહ બિહોલાએ જણાવ્યું હતું કે, જાહેરમાં કચરાના ઢગલા અને ગંદકી દૂર કરવામાં આવતી નથી. પ્રજાને સુખ સુવિધા આપવામાં તંત્ર ઉણુ ઉતરેલ છે. ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે.જે પુરતા પ્રમાણમાં જરુરિયાત મુજબ સફાઈ કામદારો રાખતા નથી. જેથી પુરતા સ્ટાફને અભાવે સેકટરમાં સાફસફાઈ કરવામાં આવતી નથી. જે કોર્પોરેશનનાં તંત્રનાં દયાનમાં આવતુ નથી.

સફાઈ કર્મચારીને પુરતો પગાર નથી મળતો એજન્સીઓ દ્વારા તેઓનુ શોષણ કરવામાં આવે છે. આથી પુરતા મહેનતાણાને અભાવે સફાઈ કામદારો બે જવાબદાર હોય છે. જેથી નિયમિત સેકટરમાં સફાઈ થતી નથી. આથી પૂરતા પ્રમાણમાં જરુરિયાત મુજબ સફાઈ કામદારોની ભરતી કરી તેઓના હક મુજબ પગાર ચૂકવવામાં આવે તો ગાંધીનગર ખરેખર સ્માર્ટ સિટી બની શકે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે લાખો કરોડો મિલકત વેરો ઉઘરાવવામાં આવ્યો છે. જે પૈસા મનફાવે તેમ આડેધડ બિનજરૂરી આયોજન કરી ધુમાડો કરાઈ રહ્યો છે. જેથી કચરામાંથી કંચન બનાવવા માટે દરેક વસાહતીઓને ઘર દીઠ નવા જરુરિયાત મુજબ ડસ્ટબીન આપવામાં આવે. ત્યારબાદ સુકો ભીનો કચરો અલગ પાડી આપવાની યોજના ફરજીયાત કરવામાં આવે. નગરજનોને પૂરતી સુખ સુવિધાઓ આપવામાં નહિ આવે તો સફાઈ ચાર્જ અને મિલકત વેરો ભરવાનો બહિષ્કાર કરવામાં આવશે. અને જન આંદોલનનો આરંભ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...