કપાતર પુત્રની કરતૂતથી પિતા ત્રસ્ત:ગાંધીનગરમાં પિતાએ સ્વછંદી પુત્રને મિલ્કતમાંથી બેદખલ કર્યો, જબરજસ્તીથી મકાનમાં રહેતો હોવાથી પિતાએ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુદ પિતાને તેમના જ મકાનમાંથી કાઢી મૂકવાની ધાક ધમકીઓ આપી બેફામ જીવન જીવતો

ગાંધીનગરના સેકટર 2/ડીમાં સ્વછંદી જીવન ગુજારતા કપાતર પુત્રને પિતાએ મિલકતમાંથી બેદખલ કરી દીધો હોવા છતાં તેમને જ મકાનમાંથી કાઢી મૂકવાની ધાક ધમકીઓ આપી તમામ હદો વટાવી જબરજસ્તીથી મકાનમાં કબ્જો જમાવી દેતાં આખરે પિતાએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની નોબત આવી છે.

કપાતર પુત્રની કરતૂતથી વૃદ્ધ પિતાએ આકરો નિર્ણય લીધો
કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. જોકે, ઘણીવાર સંતાનો તમામ હદો વટાવી વટાવી દેય ત્યારે નાછૂટકે પણ ઘરના મોભીને આકરાં નિર્ણયો લેવાની ફરજ પડતી હોય છે. આવો જ એક કિસ્સો સેકટર - 7 પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. સેકટર 2/ડી પ્લોટ નંબર 1676/2 માં રહેતાં ઘનશ્યામભાઈ આચાર્ય વિધાનસભામાં આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન તરીકે વર્ષ 1998 માં નિવૃત થયા છે.

છેલ્લા બાર વર્ષથી રાજેશની પત્ની દીકરાને લઈને પિયર રહેવા જતી રહી
જેમના ચાર સંતાનો પૈકી નાના પુત્રનું વર્ષ 2009 માં અકસ્માતમાં મોત થતાં તેની પત્ની અને પૌત્ર 84 વર્ષીય ઘનશ્યામભાઈ સાથે જ રહે છે. જ્યારે મોટા પુત્ર રાજેશનાં લગ્ન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યા છે. જો કે રાજેશ તેની પત્નીને મારઝૂડ કરતો હોવાથી છેલ્લા બાર વર્ષથી તેની પત્ની દીકરાને લઈને પિયર રહેવા જતી રહી છે. જ્યારે તેમની બે દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે.

ઘનશ્યામભાઈએ પુત્ર રાજેશને મિલકતમાંથી બેદખલ કરી દીધો
આમ રાજેશ મકાનના ઉપરના માળે રહીને સ્વછંદી જીવન પસાર કરી રહ્યો છે. જે અંગે ઘણીવાર ઘનશ્યામભાઈએ પિતાના નાતે તેને ઘણો સમજાવ્યો પણ હતો. છતાં રાજેશ કોઈ કામધંધો કરતો નથી. અને મનમાની પ્રમાણે પિતા સાથે વર્તાવ કરતો રહે છે. જેનાં કારણે હારી થાકીને ઘનશ્યામભાઈએ પુત્ર રાજેશને મિલકતમાંથી બેદખલ કરી કોઈએ કોઈ જાતનો આર્થિક વ્યવહાર નહીં કરવા બાબતે મે - 2020 માં નોટિસ પણ જાહેર કરી હતી.

રાજેશ તેના પિતાને જ તેમના મકાનમાંથી કાઢી મૂકવાની ધાક ધમકીઓ આપતો
તેમ છતાં રાજેશ ઘરમાં જબરજસ્તીથી રહી રહ્યો છે. અને ઘનશ્યામભાઈએ પાઈ પાઈ ભેગી કરીને સેકટર - 2/ડી માં બનાવેલ મકાન કબ્જો છોડવા પણ તૈયાર ન હતો. ઊલટાનું રાજેશ તેના પિતાને જ તેમના મકાનમાંથી કાઢી મૂકવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. આખરે વૃદ્ધ પિતાએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અન્વયે જિલ્લા કલેકટર ને અરજી કરી હતી.

કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ગુન્હો દાખલ કરવાનો હુકમ કર્યો
ત્યારે કલેક્ટર ડૉ. કુલદીપ આર્યની તપાસમાં રાજેશે તેના પિતાના મકાન પર કબ્જો જમાવી રાખ્યો હોવાનું પુરવાર થયું હતું. જેનાં પગલે કલેકટરે રાજેશ આચાર્ય વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવાનો હુકમ કરવામાં આવતાં વૃદ્ધ ઘનશ્યામભાઈએ સેકટર - 7 પોલીસ મથકમાં પુત્ર રાજેશ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...