કરોડોની જમીનની છેતરપિંડી:ગાંધીનગરમાં નિવૃત પીઆઈના ભાઈને દારૂ પીવડાવી લોનની જગ્યાએ કરોડોની જમીનનો બાનાખત કરાવી લેતાં ચકચાર

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોનની જરૂર હોવાથી મામા-ભાણિયાનો ભેટો ભેજાબાજો સાથે થતાં કરોડોની જમીન હાથમાંથી સરકી ગઈ
  • નિવૃત પીઆઈએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો

ગાંધીનગરનાં સરગાસણમાં રહેતાં નિવૃત પીઆઈના ભાઈને દારૂ પીવડાવી લોનની જગ્યાએ કરોડોની જમીનના કાગળો પર સહીઓ-અંગૂઠા કરાવી બાનાખત-પાવર ઓફ એટર્ની થકી ગાંધીનગર કોર્ટના વકીલ સહિત નવ શખ્સોએ ભેગાં મળી જમીન વેચી મારતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના સરગાસણ મુકામે રહેતા નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર અભરાજજી ભલાજીએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને બે ભાઈ અને ત્રણ બહેનો છે. તેમજ તેમની સરગાસણ સીમમાં વડીલોપાર્જીત સર્વે નંબર - 401/3,402,406/1,475ની જમીન છે. જેને પચાસ ટકા હિસ્સેદારીથી ભાઈઓએ વહેંચી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં દિનેશ મોંઘાભાઈ ચૌધરીએ ભાઈઓ વિરૂદ્ધ દાવો દાખલ કરતાં નિવૃત પીઆઈ ઠાકોરને માલુમ પડયું હતું કે, તેમના મોટાભાઈ ભિખાજી ઠાકોરનાં હિસ્સાની જમીનનો 5મી જુલાઈ, 2020ના રોજ દિનેશ ચૌધરીની તરફેણમાં 15 લાખ લઈ કબ્જા સિવાયનો બાનાખત-પાવર ઓફ એટર્ની થઈ ચૂકી છે. તેમજ બાનાખતની અવેજીમાં ચેકનાં બદલે 10 લાખ રોકડા તેમજ 25 લાખની પહોંચ પણ બનાવેલી છે.

જે અંગે તેમણે મોટાભાઈ ભિખાજીને પૂછતાં વધુમાં જાણવા મળ્યું હતું કે એકાદ વર્ષ અગાઉ ભાણિયા ગફૂર ઠાકોરને લોનની જરૂર હતી. જેથી જીગ્નેશ કનુજી ઠાકોર થકી તેમની દિનેશ ચૌધરી સાથે ઓળખાણ થઈ હતી. જેથી લોનની ચર્ચા કરવા માટે તેમણે બે વખત સબ રજીસ્ટ્રાર કચેરી સામેની ઝાડીમાં મુલાકાત કરી હતી.

બાદમાં 5 મી જુલાઈ 2020ના રોજ જીગ્નેશ ઠાકોર, જયેશ કાળાજી ઠાકોર, ઉમંગ મોદી ઉવારસદ હતા. જેથી મામા ભાણિયો તેમને મળવા માટે ગયા હતા. જ્યાં તેમણે બંનેને દારૂ પીવડાવ્યો હતો. જેથી બંને જણા ભાન ગુમાવી ચૂક્યા હતા. એ દરમ્યાન દિનેશ ચૌધરી અને શૈલેષ ચીમનભાઈ પરમારે નોટરીના ચોપડા, લખાણ અને કોરા કાગળો લઈ આવ્યા હતા. તેમજ દારૂના નશામાં લોનની જગ્યાએ ઉક્ત કાગળોમાં સહીઓ-અંગૂઠા લઈ લીધા હતા.

આથી નિવૃત પીઆઈ ઠાકોરે વધુ તપાસ કરતા દિનેશ ચૌધરી, શૈલેષ પરમાર, મયુર અશોકભાઈ પરમાર, પરાગ ગિરીશભાઈ પટેલ, દિલીપસિંહ, અંકુશ ભરવાડ, જીતેન્દ્ર દશરથ સિંહ ચાવડા, ગાંધીનગર કોર્ટના નોટરી ચિંતન ત્રિવેદી અને વકીલ ડાહ્યાલાલ. જી. રાવલે ભેગા મળી આ પ્રકારથી જમીન હડપ કરી લેતાં હોવાનું જાણમાં આવ્યું હતું. તેમજ તેમણે તેમના ભાણિયાની લોનની જગ્યાએ તેમના મોટાભાઈને દારૂ પીવડાવી કરોડોની જમીન લોનના બહાને લખાવી લીધી હોવાનું પણ માલૂમ થયું હતું.

આ સમગ્ર જમીન કૌભાંડમાં નોટરી ચિંતન ત્રિવેદી અને વકીલ ડી. જી. રાવલે બાનાખત સહિતના કાગળો તૈયાર કર્યા હતા. તેમજ બારોબાર નોટરીનો ચોપડો દિનેશ ચૌધરીને આપીને જમીન લખાવી લઈ ગત 01 નવેમ્બર, 2021ના રોજ મહેન્દ્ર રાઠોડ, અનિલ પટેલ અને ઉત્પલ પટેલને બારોબાર વેચી પણ નાખી હતી. જે અંગે નિવૃત પીઆઈ ઠાકોરે સીટ સમક્ષ ફરિયાદ કરતા તપાસના અંતે સમગ્ર પ્રકરણમાં જમીન કૌભાંડ આચર્યું હોવાનું ફલિત થતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં નિવૃત પીઆઈએ ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...