ચોર રંગેહાથ ઝડપાયો:ગાંધીનગર સેકટર-7માં આત્મારામ પરમારના પુત્રવધૂએ ચોરી કરવા આવેલા ચોરને હિંમતપૂર્વક ઝડપી પોલીસને હવાલે કર્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં સભ્યો હાજર હતા ત્યારે જ તસ્કર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો

ગાંધીનગરના સેકટર - 7 માં આત્મારામ પરમારની પુત્રવધૂએ બંગલામાં ઘૂસેલા ચોરને હિંમત દાખવીને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે. જેનાં પગલે સેકટર - 7 પોલીસે અમદાવાદનાં ચોર સામે ગુનો નોંધી વધુ પૂછતાંછ શરૂ કરી છે.

ગાંધીનગરનાં સેકટર - 7/એ પ્લોટ નંબર 253/2 માં હાલ રહેતા મૂળ સરગાસણ મારુતિ આમ્રકુંજ ફ્લેટમાં ભાડેથી રહેતાં તરુણકુમાર આત્મારામ પરમાર પાલનપુર ખાતે એસબીઆઈ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમને પરિવારમાં પત્ની અનામિકા, પુત્ર ઝેનિથ (ઉ. 22)અને સુહાન (ઉ. 14) છે. ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેમની પત્ની અને પુત્રો સેકટર - 7 ના મકાને હતા.

ત્યારે બન્ને પુત્રો બંગલાના ઉપરના માળે વાંચવા માટે ગયા હતા. અને અનામિકાબેન રસોડામાં રસોઈ બનાવતા હતા. એ સમયે ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેનો લાભ ઉઠાવી અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસી ગયો હતો. અને બેફિકર થઈ ચોરીના ઈરાદે ઘરમાં શોધખોળ કરી રહ્યો હતો. એ સમયે અનામિકાબેન દીકરાઓને જમવા માટે બોલાવવા માટે ઉપરના માળે જઈ રહ્યા હતા.

ત્યારે બેઠક ખંડમાં અજાણ્યા ઈસમને શોધખોળ કરતા જોઈ એકદમ ગભરાઈ ગયા હતા. પરંતુ અનામિકાબેનને જોઈને ચોર ભાગવા લાગ્યો હતો. જેથી હિંમત કરીને અનામિકાબેને પકડી પાડયો હતો અને બૂમો પાડીને બંને પુત્રોને બોલાવી લીધા હતા. તેમના પુત્રોએ પણ દોડી આવીને ચોરને દબોચી લીધો હતો. અને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

બાદમાં પૂછતાંછ કરતાં ચોરે પોતાનું નામ મોહમદ શાહિદ ઇમરાન અહેમદ શેખ (રહે. રેવડી બજાર, ફૂટપાથ પર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ થતાં સેકટર - 7 પોલીસ પણ દોડી જઈને ચોરને ઝડપી લઈ પોલીસ મથક લઈ આવી હતી. અને ગુનો નોંધી તેની વધુ પૂછતાંછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...