નગરના સેક્ટર-12 સરકારી મકાનમાં શાહુડી આવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શાહુડીને પકડવા માટે સતત બ કલાક સુધી પ્રયત્ન કરવા છતાં પકડાઇ નહી. આથી પાંજરૂ મુકીને શાહુડીને પકડી હતી.
રાજ્યનું પાટનગર ખુલ્લી જગ્યાઓને કારણે નીલ ગાય સહિતના વન્ય પ્રાણીઓ આવતા હોય છે. જોકે ઘણી વખત રહેણાંક વિસ્તારોમાં પ્રાણીઓ હરતા ફરતા હોવાના કિસ્સા બની રહ્યા છે. ત્યારે નગરના સેક્ટર-12ના સરકારી જ ટાઇપના ક્વાર્ટર્સમાં શાહુડી આવી હતી. જોકે શાહુડી હોવાની જાણ થતાં સ્થાનિક જાગૃત્ત વ્યક્તિએ વન વિભાગને તેમજ પ્રકૃત્તિ યુવા સેવા ટ્રસ્ટના વોલેન્ટરને જાણ કરી હતી. જેના વોલેન્ટર શાહુડીને પકડવા માટે સતત બે કલાક સુધી જહેમત ઉઠાવી હતી. તેમ છતાં શાહુડી દોડીને ભાગી જતી હોવાથી નહી પકડાતા વન વિભાગ દ્વારા પાંજરૂ મંગાવવામાં આવ્યું હતું.
વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવીને શાહુડીને પકડવામાં આવી હતી. રાજ્યના પાટનગરમાં ખુલ્લી જગ્યા હોવાથી અને ગ્રીનરી હોવાથી વન્ય પ્રાણીઓ ખુલ્લામાં ફરતા હોય છે. ત્યારે ક્યારેક વન્ય પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં પણ આવી જતાં હોય છે. તાજેતરમાં જ રાજભવન પાસે દીપડાએ દેખા દીધી હતી. જેનું પગેરું મેળવવા માટે વન વિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે. પણ હજુ સુધી તેના કોઇ સગળ વન વિભાગને મળ્યા નથી. દીપડાના સગળ મેળવવા માટે વન વિભાગે નાઇટવિઝન કેમેરા પણ ગોઠવ્યા છે. ત્યારે સેક્ટર-12માં શાહુડી આવી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
શાહુડી પકડવા માટે આવેલી વ્યક્તિને તેના કાંટા વાગ્યા હોવાની ચાલેલી ચર્ચા
નગરના સેક્ટર-12ના સરકારી ક્વાર્ટસમાં આવેલી શાહુડીને પકડવા માટે વન વિભાગ અને પ્રકૃત્તિ યુવા સેવા ટ્રસ્ટના વોલન્ટિયર કામ કરી રહ્યા હતા. તેમની મદદે આવેલી વ્યક્તિના પગ પાસેથી શાહુડી પસાર થતાં પગમાં ત્રણ કાંટા વાગ્યા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળતી હતી.
વન વિભાગ પાસે નાના પાંજરાનો અભાવ, રેસ્ક્યૂ માટે સ્ટાફ પણ નહીં
રાજ્યના પાટનગરમાં ખુલ્લી જગ્યાને લીધે આવતા વન્ય પ્રાણીઓને પકડવા માટે વન વિભાગ પાંજરાનો ઉપયોગ કરે છે. જોકે નાના પાંજરા નહી હોવાથી મોટા પાંજરા લાવવાની ફરજ પડી રહી છે. ઉપરાંત રેસક્યુ માટે પૂરતો સ્ટાફ અને સાધનનો અભાવની વચ્ચે કામગીરી કરી રહ્યા હોય હોવાની ચર્ચા ઉપસ્થિત લોકોમાં જોવા મળતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.