છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી રહ્યા હતા, પરંતુ સરકારે તેમને મોટો ઝટકો આપતા ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી નાખી દીધો છે. જેને પગલે ગરબાના આયોજકો અને ખલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે ગાંધીનગરના સેક્ટર-21 ખાતે આમ આદમી પાર્ટીએ ગરબા રમીને સરકારના નિર્ણયનો અનોખો વિરોધ નોંધ્યાવ્યો હતો.
ગરબાના પાસ ઉપર 18 ટકા GSTની જાહેરાત કરી
કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી લોકો મન મૂકીને ગરબે ઘૂમી શક્યા નથી. ત્યારે આ વખતે લોકોને આશા હતી કે, કોઈ વિધ્ન વિના ગરબે ઘૂમવા મળશે. પરંતુ રાજ્ય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ ઉપર 18 ટકા GSTની જાહેરાત કરી છે. તેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે. ગરબા આયોજકોએ પણ સરકારના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે.
ગરબા રમી ભારે સૂત્રોચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યુુ
સરકારે 2022 સિઝન માટે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદ્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. જીએસટી વધારાની અસર સીધી ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધે ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા આજે સેકટર - 21 ખાતે ગરબા રમી ભારે સૂત્રોચારો કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન: આમ આદમી પાર્ટી
આ અંગે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની પરંપરાનું અપમાન છે. ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.