ચંદ્રમાની રાતની રાજ્યના પાટનગરવાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારની પ્રેરણા હેઠળ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે 16મી મે સોમવારની રાત્રે 9થી 12 કલાક સુધી નગરની સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના સુચારું આયોજન માટે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ મૂન લાઇટનો કાર્યક્રમ તા.16મી મે સોમવારના રોજ યોજાશે. સોમવારે રાત્રે ચાંદની પ્રકાશમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સેન્ટ્રલ વિસ્ટા ખાતે કરવામાં આવ્યું છે.
આજના આધુનિક યુગમાં નાના બાળકો વીજળીથી ચાલતા બલ્બના પ્રકાશમાં ચાંદની રાતનું આકાશનું સૌદર્ય નિહાળવાનું ભુલી ગયા છે.ચંદ્રમાની રાતમાં આકાશને નિહાળી તેની સુંદરતાની અનુભૂતિ કરવાનો પણ એક જીવનમાં લહાવો હોય છે. પૂનમની રાતના આકાશની સુંદરતા ચંદ્રમાના પ્રકાશમાં વઘુ નીખરતી હોય છે. પૂનમની રાત્રિના એક દિવસ આગળ અને એક દિવસ પાછળ ચંદ્રમાનો પ્રકાશ ખૂબ જ હોય છે. આ દરમ્યાન અનેક ખગોળીય નજારા સરળતાથી જોઇ શકાય છે.
એટલે જ વીજળીના બચાવ, પ્રદૂષણ ઘટાડવા અને કુદરતના અનેરા સૌદર્યને નગરના નાના ભુલકાઓથી માંડી વડીલો નિહાળી શકે એ માટે ગાંધીનગર ખાતે મૂન લાઇટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૂનલાઇટ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર શહેરના વાસીઓ પોતાના ઘરના ઘાબા પરથી પણ અનુભૂતિ કરી શકે તે માટે પૂનમના રોજ રાત્રિએ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો સિવાયની તમામ સ્ટ્રીટ લાઇટ રાતના 9 થી 12 કલાક દરમ્યાન બંઘ રાખવામાં આવશે.
નગરના તમામ સેકટરોના આંતરિક માર્ગો ચંદ્રમાના પ્રકાશથી ઘ્યાનકર્ષિત બની જશે. નગરના સેકટરોના આંતરિક માર્ગોની લાઇટ બંઘ થતાં કોઇ અન્છિનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ ત્રણ કલાક દરમ્યાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ અનેરા કાર્યક્રમમાં સર્વે નગરજનોને જોડાવા માટે જિલ્લા પ્રશાસન, ગાંધીનગરે સૌને વિનંતી કરે છે. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. ઘવલ પટેલ, નિવાસી અધિક કલેકટર રીતુ સિંગ, ગાંધીનગર પ્રાંત અધિકારી મોડિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.