નવા હોદેદારોની વરણી:ગાંધીનગર મનપામાં શહેરી વિસ્તારની સરખામણીએ નવા સામેલ કરાયેલા વિસ્તારનો દબદબો વધ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા સમાવિષ્ટ વિસ્તારમાંથી ચૂંટાયેલા સભ્યોને હોદ્દાઓ આપવામા આવ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તાવાર રીતે આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી છે. અત્યાર સુધી ગાંધીનગર કોર્પોરેશનમાં ગાંધીનગર શહેરનાં કોર્પોરેટરો ઉચ્ચ પદ બિરાજમાન હતા. જો કે સ્પષ્ટ બહુમતી સાથેની ભાજપની નવ નિયુકત બોડીમાં શહેર નો પ્રભાવ ઘટી ગયો છે અને મનપામાં સમાવિષ્ટ વિસ્તારના પાંચેય હોદેદારોની વરણી થવાથી નવા વિસ્તારનો દબદબો વધી જવા પામ્યો છે.

ગાંધીનગર કોર્પોરેશનની આજે મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિધિવત રીતે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણાને મેયરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. એજ રીતે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ પુંજાજી ગોલ, સ્થાયી સમિતી ચેરમેન જસવંતભાઈ અંબાલાલ પટેલ, પક્ષના નેતા પારૂલબેન ભુપતજી ઠાકોર અને દંડક પદે તેજલબેન યોગેશભાઈ નાયીની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા પછી ગાંધીનગર શહેરના સેક્ટરોમાંથી ચુંટાયેલા કોર્પોરેટરો મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદે બિરાજમાન થયા હતા. બાદમાં કોર્પોરેશનનું વિસ્તરણ કરીને 18 ગામ અને પેથાપુર નગર પાલિકાની વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું. જે પછી યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 44 માંથી 41 સીટો કબજે કરી લઈ મનપામાં કેશરિયો લહેરાવીને સત્તા હાંસલ કરી લીધી હતી.

આ ચુંટણીમાં ભાજપના 41 કોર્પોરેટરોમાંથી પાંચેય હોદ્દાઓ પર નવા સમાવિષ્ટ વિસ્તારના કોર્પોરેટરોની વરણી કરાઈ છે. જેમાં મહત્ત્વનાં હોદ્દા પર ગાંધીનગર શહેરના એક પણ કોર્પોરેટરને સ્થાન આપવામાં આવ્યું નથી. નવા હોદ્દેદારોની વાત કરીએ તો મેયર હિતેશભાઈ મકવાણા કુડાસણનાં છે. જ્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ વાવોલના અને ચેરમેન જસવંતભાઈ પટેલ ભાટના છે. આ ઉપરાંત પક્ષના નેતા પારૂલબેન ભૂપતભાઈ ઠાકોર પેથાપુરના અને દંડકપદે તેજલબેન યોગેશભાઈ નાયી કોબાના છે. જો કે સ્થાયી સમિતીના 12 સભ્યોમાંથી અડધા સભ્યો સેકટરોના છે. જેમાં સાત પુરુષ અને પાંચ મહિલાનો સમાવેશ કરાયો છે.

સ્થાયી સમિતિના સભ્ય તરીકે મહેન્દ્રભાઈ પટેલ, સોનાલીબેન પટેલ, સોનલબા વાઘેલા, દિપ્તીબેન પટેલ, કિંજલભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, સંકેતભાઈ પંચાસરા, પદમસિંહ ચૌહાણ, અંજનાબેન મહેતા અને દક્ષાબેન ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતીના 12 સભ્યમાંથી સાત સભ્ય પાટીદાર સમાજના છે.

ભાજપમાં શરૂ થયેલાં ગણગણાટ મુજબ મેયર પદે હિતેશભાઈની વરણી સાવ અણધારી ન હતી. ચેરમેન પદ માટે પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ પ્રબળ દાવેદાર હતા, પરંતુ તેમના સ્થાને તાલુકા ભાજપમાં મોખરાનું સ્થાન ધરાવતા અને બિન વિવાદાસ્પદ છબિ ધરાવતા જસવંતભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. ભાજપના શાસન કાળ દરમિયાન ખાલી રહેલી દંડક અને શાસક પક્ષના નેતાની જગ્યા પણ આ વખતે ભરવામાં આવી છે. આ બંને હોદ્દા પર મહિલાઓની પસંદગી કરીને ભાજપે નારી સશક્તિકરણના ઉદ્દેશને સાચવવાનો પ્રયાસ કર્યો છે.

બીજી તરફ કોર્પોરેશનમાં મેયર કરતાં સ્થાયી સમિતીના ચેરમેનના પદનું વધારે મહત્ત્વ હોય છે. મનપાના વિકાસ કાર્યોની દિશા નક્કી કરવાની સત્તા ધરાવતા આ પદ માટે ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા મોટા પાયે લોબીંગ કરાય છે. આ વખતે પણ સ્થિતિ જુદી ન હતી. જો કે પાટીદાર અથવા રાજપૂત સમાજના કોઈ સભ્યની આ પદ પર વરણી નિશ્ચિત મનાતી હતી. પાટીદાર સમાજના સભ્યને ચેરમેન બનાવાય તો ડેપ્યુટી મેયર પદે રાજપૂત સમાજના કોર્પોરેટરની પસંદગીની અટકળો હતી, જે આખરે સાચી ઠરી છે. આ બંને પદ પર ભાજપે પાટીદાર તથા રાજપૂત સમાજના સભ્યોની પસંદગી કરીને જ્ઞાતિના સમીકરણો સાચવવા પ્રયાસ કર્યો છે, જે 2022ની વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારી હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...