સ્થાનિકોને પરેશાની:ગાંધીનગરમાં સ્માર્ટ સીટીની હોડમાં આડેધડ ખાડા ખોદીને વીજ લાઈનો કાપી દેવાઈ, સરગાસણમાં 15 દિવસમાં 4 વખત વાયર કપાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટો ડૂલ થઇ જતાં આકરી ગરમીમાં સ્થાનિકો કફોડી હાલતમાં મુકાઈ ગયા

ગાંધીનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત આડેધડ ખાડા ખોદવામાં આવતાં વીજ લાઈનો પણ કપાવવા માંડી છે. સરગાસણમાં છેલ્લા 15 દિવસમાં ચાર વખત વીજ વાયર કાપી નાખવામાં આવતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અત્રેના વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ અહીંના વિસ્તારની લાઈટો ડૂલ થઇ જતાં રહીશો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હોડમાં આડેધડ ખાડા ખોદી દેવામાં આવતાં હાલમાં ગાંધીનગર શહેર ખાડા નગર બની ગયું છે. સ્માર્ટ સીટી હેઠળ શહેરમાં પાણીની અને ગટરની પાઈપ લાઈનો પાઠરવા ઠેર ઠેર ખાડા ખોદવામાં આવી રહ્યા છે. જેનાં કારણે પાણી-ગટરની પાઈપ લાઈન તૂટવાની સાથે છેલ્લા કેટલાય દિવસોથી અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન પણ કપાવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં સેકટર-20માં વીજ લાઈન કપાઈ જવાના કારણે નાગરિકો લાઈટ વિના કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

હવે સરગાસણ ટીપી-9 પાણીની ટાંકીની બાજુ વિસ્તારમાં આડેધડ ખોદકામ કરવાના કારણે અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન પણ કપાઈ ગઈ છે. જેનાં કારણે આજ સવારથી જ નાગરિકો ગરમીમાં લાઈટ વિના સેકાઈ રહ્યા છે. ગઈકાલે પણ અત્રેના વિસ્તારની વીજ લાઈન કપાઈ જવાના કારણે કલાકો સુધી વસાહતીઓ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આજે પણ એજ સમસ્યાનું નિર્માણ થતાં હવે વસાહતીઓ ગરમીથી લાલચોળ થઈ ગયા છે.

આખરે આકરી ગરમીમાં વિકાસની હોડમાં આડેધડ કરવામાં આવતી કામગરી સામે વસાહતીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે UGVCLના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસમાં ચાર વખત વીજ લાઈન કાપી નાખવામાં આવી હોવાથી સરગાસણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા નિર્માણ થઈ રહી છે. અમારા તંત્ર દ્વારા જેમ બને એમ જલ્દીથી વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ હવે સંબંધિત તંત્રએ પણ પોતાના કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.

આ અંગે ધવલ મહેતાએ જણાવ્યું હતું કે, સરગાસણ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા આડેધડ ખાડા ખોદી નાખવાનાં કારણે અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત લાઈટ જતી રહી છે. આજે પણ સવારથી આજ સમસ્યા ઉભી થઈ છે. જેનાં કારણે વૃદ્ધો બાળકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. આ બાબતે સત્વરે નિરાકરણ લાવી વારંવાર સર્જાતી સમસ્યા ઉપર અંકુશ લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...