છેતરપિંડી:ગાંધીનગરમાં 26 હજારનું ફ્રીજ માત્ર છ હજારમાં વેચવાનો મેસેજ કરી મહિલા પાસેથી રૂ.18 હજાર સેરવી લીધા

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મીમેનની ઓળખ આપી એક રૂપિયો ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ OTP મેળવ્યો
  • રાજસ્થાનના ભરતપુરની મેવાતી ગેંગ ગુજરાતમાં એક્ટિવ થઈ ગુનાને અંજામ આપી રહી છે

ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગે નિત નવાં પેતરા રચી માત્ર એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી હજારો રૂપિયા સેરવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે ઓનલાઇન છેતરપીંડીનાં બનાવો ધ્યાને આવતાં સાયબર ક્રાઇમ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં સક્રિય થઈ ચૂકી છે.

રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીનાં અવનવા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ઓનલાઇન છેતરપીંડીનાં ગુનાઓ દિનપ્રતિદિન વધી જવાથી સાયબર ક્રાઇમ પોલીસને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી હોવાના સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં ઓનલાઈન છેતરપીંડીનાં બનાવો છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ગાંધીનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડીનાં બનાવો બનતા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ પણ અદ્રશ્ય આરોપીઓને પકડી લેવા કમરકસી રહી છે.

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતી એક મહિલાના મોબાઇલ ફોનમાં થોડા અગાઉ વોટ્સઅપ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ બીએસએફનો જવાન હોવાની ઓળખ આપી હતી. જેણે પોતાની બદલી થઈ ગઈ હોવાથી ઘરનો સામાન સસ્તા ભાવે વેચી મારવાની વાત કરી હતી. આથી કુતૂહલ વશ મહિલાએ પણ ફ્રીજની જરૂરિયાત હોવાથી ફ્રીજ અંગે પૃચ્છા કરી હતી. બાદમાં તેણે ફ્રીજનાં ફોટા મોકલી આપ્યા હતા. બજારમાં મળતું 26 હજારનું ડબલ ડોરનું ફ્રીજ માત્ર છ હજારમાં વેચવાનો મેસેજ વાંચીને મહિલા લાલચમાં આવી ગઈ હતી. બાદમાં અજાણ્યા ઈસમે વિશ્વાસ સંપાદન કરવા પોતે બીએસએફનો જવાન હોવાનું આઈ કાર્ડ પણ મોકલી આપ્યું હતું. જેમાં અજય યાદવનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.

જેના કારણે મહિલાને તેના પર વધુ વિશ્વાસ આવી ગયો હતો અને પછીથી ફોન ઉપર વાત થયા મુજબ મહિલાએ ફ્રીજ માટે સૌ પ્રથમ 1100 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સ્ફર કર્યા હતા. બાદમાં થોડીવાર પછી તેણે મહિલાને ફ્રીજ પાર્સલ કરી દીધું હોવાનું કહી આર્મી પોસ્ટલ સર્વિસ મારફતે કૂરીયર કર્યાનો પુરાવો પણ મોકલી આપી ઈન્સ્યોરન્સ પેટે એક રૂપિયો ટ્રાન્સ્ફર કરવા પડશે કહી વાતો વાતો માં OTPમેળવી લીધો હતો અને થોડી મિનિટોમાં જ બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર 18 હજાર ઉપડી ગયાનો મહિલાના ફોનમાં મેસેજ આવી ગયા હતા. આજ મોડસ ઓપરેન્ડીથી સેકટર-2ની યુવતીએ પણ છ હજાર ગુમાવ્યાનો કિસ્સો બનવા પામ્યો હતો.

સોશિયલ એન્જિનિયરિંગ મુજબ ગુનાને અંજામ અપાય છે : સાયબર ક્રાઇમ એક્સપર્ટ

આ અંગે સાયબર ક્રાઇમ એક્સપર્ટ એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ભાષામાં આ પ્રકારની છેતરપિંડીને સોશિયલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. જેમાં અજાણ્યા માણસ પોતાની ઓળખ એક્સ આર્મી મેન કે ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી સામે વાળી વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરવા ઓળખકાર્ડ મોકલી આપતો હોય છે. જે પોતાની બદલી અન્ય રાજયમાં થઈ ગઈ હોવાથી ઘરનો સામાન વેચવાની વાત કરી ઘરનો સામાનનો તળિયાનો ભાવ આપતો હોય છે. જેની વાક્છટ્ટાથી સામે વાળી વ્યક્તિને નજીકનો જ કોઈ હિતેચ્છુ હોય તેવો વિશ્વાસ તેના પર બેસી જતો હોય છે. બાદમાં અવનવા પેતરા કરીને બેંકનો OTP મેળવી ગુનાને અંજામ આપતો હોય છે. હકીકતમાં ઓછી કિંમતમાં વસ્તુ ખરીદવાની લાલચનાં કારણે આવા ઈસમોને મોકળું મેદાન મળી ગયું છે.

ગાંધીનગરમાં અત્યારસુધી 100 જેટલી ફરિયાદો આવી

તાજેતરમાં જ સાયબર ક્રાઇમ દ્વારા Olx પર આર્મી મેનનાં નામે છેતરપિંડી થઈ રહી હોવાની પુષ્ટિ કરી લોકોને જાગૃત થવા હાકલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં લાલચનાં માર્યા લોકો છેતરાઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં જ અત્યાર સુધીમાં 100 જેટલા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો આવી ચૂકી છે.

બેંક એકાઉન્ટ 15 હજારના ભાડે રાખી ગુનાને અંજામ અપાય છે

ઓનલાઈન છેતરપિંડીનું પગેરૂ શોધવા બેંકમાં પૈસા ટ્રાન્સ્ફર થયા અંગે પોલીસ દ્વારા જે તે બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. જેમાં મોટાભાગે બેંક એકાઉન્ટ ફેક હોવાનું સામે આવતું હોય છે. આવા બેંક એકાઉન્ટ માસિક 15 હજારના ભાડે રાખવામાં આવતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ હોલ્ડર સુધી પણ પહોંચવામાં આવતું હોય છે પણ આવી વ્યક્તિઓ એકદમ અભણ તેમજ અત્યંત ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતી હોવાનું અને રાજય બહારના અંતરિયાળ ગામનાં હોવાનું સામે આવ્યું છે. અને તેમના દસ્તાવેજોના આધારે કોણે ક્યારે કઈ બેંકમાં એકાઉન્ટ ખોલ્યું તેનાથી પણ તેઓ અજાણ હોય છે.

500 રૂપિયાના હેન્ડસેટનો એકવાર ઉપયોગ લેવાતો હોય છે

એકદમ સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવતા ઓનલાઈન છેતરપિંડીમાં ચીટર ગેંગ દ્વારા ઘણી સાવચેતી રાખવામાં આવતી હોય છે. જેઓ બજારમાં મળતા ચાઈનાનાં ચારસોથી પાનસો રૂપિયાનાં મોબાઇલ ફોન મોટાભાગે ઉપયોગ કરતા હોય છે. જેમાં કારણે મોબાઇલનો ઈએમઆઈ નંબર પણ સાચો મળી રહેવો મુશ્કેલ બની જાય છે. એકવાર ઓનલાઈન છેતરપિંડી આચર્યા બાદ તેનો મોટાભાગે ફરી વખત ઉપયોગ પણ કરવામાં આવતો નથી.

એક્ટિવ સીમકાર્ડ પણ બ્લેક માર્કેટમાં વેચાઈ રહ્યા છે

સાયબર ક્રાઇમ એક્સ્પર્ટએ વધુમાં કહ્યું હતું કે, આવાં ગુનામાં સસ્તા ચાઈનાનાં મોબાઇલ ફોનમાં સીમ કાર્ડ પણ ત્રાહિત વ્યક્તિના નામનું હોતું હોય છે. આવા સીમ કાર્ડ બ્લેક માર્કેટમાં 500 રૂપિયાના ભાવે એક્ટિવ કન્ડિશનમાં મળી જતાં હોય છે. રાજય બહાર આવા સીમ કાર્ડ મોટી માત્રામાં આસાનીથી મળી રહેતા હોય છે.

મોબાઇલ લોકેશનથી ગુનો ઉકેલવો એટલે ભુસાનાં ઢગલા માંથી સોય શોધવી બરાબર

મોબાઇલ ફોનના ઈએમઆઈ નંબરથી કોઈ ફળદાયી હકીકત નહીં મળતા પોલીસ દ્વારા સીમ કાર્ડને ટ્રેસ કરવામાં આવે છે. જેમાં રાજય બહારનાં મોબાઇલ ટાવરનાં આધારે વિસ્તારનો પણ ખ્યાલ આવી જતો હોય છે. પણ સતત મોબાઇલ લોકેશન જમ્પ કરતા હોવાથી આરોપી સુધી પહોંચવું એટલે ભુસાનાં ખેતરમાંથી સોય શોધવા જેવો ઘાટ ઘડાતો હોય છે.

રાજસ્થાનના ભરતપુરની મેવાતી ગેંગ ગુજરાતમાં એક્ટિવ છે

રાજયમાં એક અંદાજ મુજબ ઓનલાઈન છેતરપિંડીની રોજની 20 ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે મોટાભાગની ઓનલાઈન છેતરપિંડીના ગુનાનું એ.પી સેન્ટર રાજસ્થાનના ભરતપુરની મેવાતી ગેંગ હોવાનું પણ તપાસમાં આવી ચૂક્યું છે. આ ગેંગ દ્વારા રાજયમાં અત્યાર સુધી અનેક ઓનલાઈન છેતરપિંડી આચરી લાખો કરોડો રૂપિયા સેરવી લેવામાં આવ્યા હોવાનું પણ સાયબર ક્રાઇમ એક્સપર્ટ મારફતે જાણવા મળ્યું છે. આ ગેંગને ઝડપી લેવા પૂરતા હથિયાર બંધ પોલીસ ફોર્સ સાથે જવું પડે એમ છે. પરંતુ બે રાજ્યો વચ્ચેની કાનૂની પ્રક્રિયા સહિતની અન્ય પ્રતિકૂળતાઓના અભાવે ઓનલાઈન કૌભાંડનું અભેદ કવચ તૂટી શકતું નથી.

એન્ડ્રોઇડ ફોન એક જીવતો જાગતો જાસૂસ 24 કલાક તમારી ગતિવિધિ નોટ કરે છે

હમણાથી એન્ડ્રોઇડ ફોનનું ચલણ વધી ગયું છે. દર પાંચ વ્યક્તિમાંથી ચાર વ્યક્તિ એન્ડ્રોઇડ ફોન વાપરતી હોય છે. એન્ડ્રોઇડ ફોન થકી દેશ દુનિયા સાથે તમે સીધા સંપર્કમાં રહેવાના ફાયદા સાથે ગેર ફાયદા પણ છે. એન્ડ્રોઇડ ફોન એક જાતનો જીવતો જાગતો જાસૂસ 24 કલાક તમારી ગતિવિધિઓનું મોનીટરીંગ કરતો રહેતો હોય છે. તમે કેવા પ્રકારના કન્ટેન્ટ ફોનમાં જોવા ગમે, કઈ હોટલમાં કેવા પ્રકારનું ભોજન પસંદ આવે, તમે ક્યાં સ્થળો પસંદ છે વિગેરેની નાનામાં નાની માહિતીનું સતત મોનીટરીંગ થતું રહે છે. એટલે જ તો એન્ડ્રોઇડ ફોનમાં તમે સર્ચ કરેલ કન્ટેન્ટને લગતી માહિતી ડિસ્પ્લે થતી હોય છે.

અદ્રશ્ય અજાત શત્રુની માયાજાળથી લોકોએ સ્વયંભૂ જાગૃત થવું પડશે

રાજ્યભરમાં જે રીતે ઓનલાઈન ચીટિંગની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતાં મોટાભાગે લોકોની બેદરકારી અને લાલચનાં કારણે અદ્રશ્ય અજાત શત્રુ આસાનીથી બેંક એકાઉન્ટ ખાલી કરવામાં સફળ થઈ રહ્યો છે. ત્યારે જનતાએ તેનાથી બચવા જાતે જ જાગૃત થવું પડશે. દરેકે પોતાના અગત્યના દસ્તાવેજો કોઈને પણ આપતા પહેલા સાવચેત રહી કોઈપણ લોભામણી ઓફરોની લાલચમાં આવી બેંકનો OTP તેમજ IFC કોડ આપવાની ભૂલ કદાપિ કરવી જોઈએ નહીં. તેમજ મોબાઈલમાં આવતી લોભામણી લિંક ઓપન પણ નહીં કરવાની સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા હાકલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...