હનીટ્રેપ કાંડ:ગાંધીનગરમાં પ્રેમિકા સાથે મળી ખંડણીનું કાવતરું રચ્યુ, મુખ્ય સૂત્રધારે ઉદેપુરના યુવકને પણ હિનાની મોહજાળમાં ફસાવી રૂપિયા ખંખેર્યા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડ દરમ્યાન અરવિંદ પાસેથી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનો ડ્રેસ તેમજ ડુપ્લીકેટ રિવોલ્વર પણ મળી
  • ફેસબુકમાં ખુશ્બુ નામની યુવતીનું ફેક આઈડી બનાવી હિનાને પ્રેમ જાળમાં ફસાવી હતી

અમદાવાદના યુવકને ચાર દિવસ સુધી ગોંધી રાખી પાંચ લાખની ખંડણી ઉઘરાવવાનું કાવતરું રચનાર મુખ્ય સૂત્રધાર અરવિંદસિંહ રાવ ફેસબુક પર ખુશ્બુ નામની યુવતીનું ફેક આઈડી બનાવી હિનાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ઉદેપુરનાં યુવકને હિનાની મોહજાળમાં ફસાવી ગાંધીનગર બોલાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી ત્રીસથી ચાલીસ હજારની ખંડણી ઉઘરાવી લીધી હતી. ત્યારે તેના રિમાન્ડ દરમિયાન પોલીસને તેની પાસેથી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનો ડ્રેસ તેમજ ચાઈનીઝ રિવોલ્વરનું લાઈટર પણ મળી આવ્યું છે.

અમદાવાદના મહેન્દ્રસિંહ સિસોદીયાને ઈન્સ્ટ્રાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા પછી હિના રાવે મોહજાળ ફસાવી ગાંધીનગરના વાવોલ સ્વર્ણીમ પેરેડાઇઝ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. બાદમાં સાગરિતો સાથે મળીને મહેન્દ્રસિંહને ચાર દિવસ સુધી ગોંધી રાખી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી.

મોકો મળતાં મહેન્દ્રસિંહ તેમની ચુંગલમાંથી નાસી જવામાં સફળ રહ્યા પછી સેકટર -7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે હનીટ્રેપ કાંડની તપાસ પીઆઈ ડી એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાબાનાં પીએસઆઇ ડી એન પરમારને સોંપવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ થકી સૌ પ્રથમ હિના પ્રહલાદસિંહ રાણાવત (રહે ચાંદરવાડા તા. બાંસવાડા રાજસ્થાન) ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

રિમાન્ડ દરમિયાન હિનાએ કબૂલાત કરી હતી કે, અરવિંદસિંહ સ/ઓ ગંભીરસિંહ પૃથ્વીસિંહ રાવ (રહે. વોર્ડ નંબર- 2, ગરડા ગામ પોસ્ટ ધાવડી થાના દોવડા તા.જિ. ડુંગરપુર) સાથે સંપર્કમાં આવ્યા પછી મહેન્દ્રસિંહને મોહજાળમાં ફસાવ્યો હતો અને તેને ગાંધીનગર બોલાવી માર મારી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની વિક્રમસિંહ ચૌહાણે પોલીસ તરીકે ઓળખાણ આપી હતી. જે હકીકતમાં અરવિંદસિંહ જ હતો.

અરવિંદસિંહને અમદાવાદ કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. જેની પૂછતાંછમાં આ કાંડમાં પપ્પુસિંહ સ/ઓ દુલારે મેડેલાલ રાજપુતની પણ સંડોવણી હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરતાં ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ અરવિંદસિંહે ગાંધીનગરમાં ઉક્ત મકાન ગત તા. 1/09 /2021 ના રોજ ભાડે રાખ્યું હતું. અને મકાન માલિકને કહ્યું હતું કે પોતે યુ ટયુબર છે. અને યુટ્યુબ પર વીડિઓ બનાવે છે. ધોરણ 5 પાસ હિનાનો પતિ કુવૈત નોકરી અર્થે ગયો હતો. આ દરમિયાન તે ફેસબુક પર એક્ટિવ થઈ હતી. ત્યારે તેના ફેસબુક આઈડી પર ખુશ્બુ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેનો તેણે સ્વીકાર કરી લીધો હતો.

ખુશ્બુએ હિનાને કહ્યું હતું કે, હું યુટ્યુબ પર કામ કરું છું અને રૂપિયા કમાઉ છું. જો તારે પણ રૂપિયા કમાવવા હોય તો હું નામ નંબર આપું તે વ્યક્તિનો સંપર્ક કરી લેજે. હકીકતમાં અરવિંદસિંહ પોતે જ ખુશ્બુ બનીને હિના સાથે વાતચીત કરતો હતો. જે બાબતથી હિના અજાણ હતી. બાદમાં હિનાએ અરવિંદસિંહનો સંપર્ક કર્યો હતો. આમ ધીમે ધીમે અરવિંદસિંહ-હિના વચ્ચે વાતચીતનો દોર શરૂ થયા પછી બન્ને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધો બંધાઈ ગયા હતા.

પતિ કુવૈતમાં હોવાથી હિના ઘરેથી નોકરી પર જવાનું કહીને ગાંધીનગર આવતી હતી અને અરવિંદસિંહ સાથે પ્રણયનાં ફાગ ખેલતી હતી. જેને ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે હિના થકી ઉદેપુરનાં યુવકને ઉપરોક્ત મોડસ ઓપરેન્ડી થકી ફસાવી ગાંધીનગર બોલાવ્યો હતો અને તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી 30થી 40 હજાર રૂપિયાની ખંડણી ગૂગલ પે મારફતે મેળવી લીધા હતા.

એકવાર સફળતા મળ્યા પછી અરવિંદસિંહે હિના મારફતે અમદાવાદના મહેન્દ્રસિંહને પણ મોહજાળમાં ફસાવી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. જો કે મહેન્દ્રસિંહે હિંમત કરીને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. ત્યારે પોલીસને અરવિંદસિંહ પાસેથી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનો ડ્રેસ તેમજ ચાઈનીઝ રિવોલ્વર ટાઈપનું લાઈટર પણ મળી આવ્યું છે. આ પોલીસનો ડ્રેસ ધારણ કરીને હિના મારફતે યુવકોને હનીટ્રેપમાં ફસાવી ખંડણીનાં ગુન્હા ને અંજામ આપવામાં આવતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...