માસ્કના બહાને લુંટ:ગાંધીનગરમાં ચૂંટણી પરિણામનાં દિવસે સવારે વૃદ્ધની બે વીંટીની લુંટ કરી બાઈક સવાર ઈસમો ફરાર

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 86 વર્ષીય વૃદ્ધ બૂમો પાડતાં રહ્યા અને લૂંટારૃ સિફતપૂર્વક નાસી જવામાં સફળ રહ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામનાં ઉન્માદનાં બંદોબસ્તમાં પોલીસ ગઈકાલે મંગળવારે વ્યસ્ત હતી. ત્યારે અગિયાર વાગ્યાનાં સુમારે સેકટર -30 ની સરકારી શાળા પાસેથી વોકિંગ માટે નીકળેલા 86 વર્ષીય વૃદ્ધને માસ્ક પહેરવા બાબતે ધમકાવી બે ઈસમો સોનાની બે વીંટી લુંટી ફરાર થઈ ગયા હતા. આ અંગે સેક્ટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ચૂંટણી જંગનાં કારણે શહેર રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ગયું હતું. મતદાનનાં બંદોબસ્ત પછી ચૂંટણી પરિણામનાં બંદોબસ્તમાં ગાંધીનગર પોલીસ વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યારે પોલીસની વ્યસ્તતા વચ્ચે સેકટર - 30 માં 86 વર્ષીય વૃદ્ધને લુંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ગાંધીનગરનાં સેક્ટર - 30 જાગૃતિ પાર્ક સોસાયટી પ્લોટ નંબર - 799/1 માં રહેતા 86 વર્ષીય દેવજીભાઈ જીવાભાઈ ઢચા તેમના નાના છોકરા કિશોર સાથે રહે છે. જ્યારે તેમનાં મોટા પુત્ર દિનેશભાઈ પરિવાર સાથે સેક્ટર - 29 માં રહે છે. વય નિવૃત દેવજીભાઈ નિત્યક્રમ મુજબ ગઈકાલે સવારે અગિયાર વાગ્યાના અરસામાં ઘરેથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા.

ત્યારે સાડા અગિયાર વાગ્યા દરમિયાન દેવજીભાઈ સેક્ટર - 30 ની સરકારી પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે બાઈક પર બે ઈસમો તેમની પાસે આવી પહોંચ્યા હતા અને દેવજીભાઈને કડકાઈથી માસ્ક નાક નીચે કેમ પહેર્યું છે? તેવો સવાલ કરી ધમકાવી નામ ઠામ પૂછવા લાગ્યા હતા. આ દરમિયાન બન્ને ઈસમો તેમણે પહેરેલી સોનાની વીંટીઓ જોઈ ગયા હતા.

બાદમાં કહેવા લાગેલા કે તમે માસ્ક સરખી રીતે તો પહેરતા નથી અને સોનાની વીંટી પહેરો છો. જેનાં કારણે વૃદ્ધ દેવજીભાઈ એકદમ ગભરાઈ ગયા હતા. જેમની એકલતાનો લાભ ઉઠાવી બન્ને ઈસમો સોનાની સફેદ નંગ વાળી 25 હજારની વીંટી તેમજ બીજી 20 હજારની કિંમતની વીંટી લુંટી લીધી હતી. જેથી દેવજીભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવે તે પહેલાં જ બન્ને લુટારુ બાઈક પર સિફતપૂર્વક નાસી ગયા હતા.

આશરે 35 વર્ષીય બન્ને લુટારુ પૈકી એક ઈસમે સફેદ કલરનો શર્ટ તેમજ વાદળી રંગનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે બીજા લુટારુએ રાખોડી રંગનું શર્ટ અને વાદળી પેન્ટ પહેર્યું હોવાનું દેવજીભાઈએ વર્ણન કરી સેકટર - 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...