આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સુરતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણીનાં ભાગરૂપે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી માત્ર રૂ. 25માં ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.
'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરાશે. પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં નાગરિકો નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ પરથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. દરેક પોસ્ટ ઑફિસ પરથી માત્ર રૂ. 25ની કિંમતે રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.
પોસ્ટમેન પાસેથી નાગરિકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે
રાજય વ્યાપી હર ઘર તીરંગા અભિયાન હેઠળ રાજયના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે નાગરિકોની સરળતા માટે પોસ્ટ વિભાગે નવતર પહેલ કરી છે. ઘેર ઘેર ટપાલ આપવા આવતા પોસ્ટમેન પાસેથી નાગરિકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. એટલું જ નહીં, epostoffice.gov.in વેબસાઈટ પર પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.
ખાદી ભવન ખાતેથી પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે
ગાંધીનગરમાં ખાદી ભવન સેક્ટર-16 ખાતે ખાદીના રાષ્ટ્રધ્વજ વેચાણથી ઉપલબ્ધ છે. 2 ફૂટ x 3 ફૂટનો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. 1 હજાર 35ના દરે અને 3 ફૂટ x 4 ફૂટનો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. 1 હજાર 876 ના દરે ઉપલબ્ધ છે. નાગરિકો ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજની ખરીદી કરી પણ રહ્યા છે ત્યારે પોસ્ટ વિભાગ પણ નાગરિકોની માંગને પહોંચી વળવા અને સૌને સરળતાથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય એવું આયોજન કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.