ગાંધીનગરના આલમપુર પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. બાદમાં રસ્તે જતી ત્રણ રાહદારી મહિલાઓને પણ અડફેટે લઈ નાસી ગયો હતો. આ ડબલ અકસ્માતમાં બાઇક ચાલક સહિત ત્રણ મહિલાઓને શરીરે વધતી ઈજાઓ થઈ હતી. જે પૈકી એક વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના આલમપુર ગામે રહેતાં ફેનિલ પિનેશભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલ તા.16 મી માર્ચની રાત્રીના સાંસ્કૃતિક કુંજ ખાતે ગયો હતો. તે વખતે તેના પિતાએ ફોન કરીને જાણ કરી હતી કે, તેમના મમ્મી રમીલાબેન બાબુભાઇ પટેલ, તથા ગામના અલ્કાબેન દશરથભાઇ પટેલ તથા શોભનાબેન જીતેંદ્રભાઇ પટેલ તથા કોકીલાબેન કાંતીભાઇ પટેલ એમ ચારેય જણાં પરેશભાઇ ગોવિંદભાઇ પટેલના ત્યાં મરણ થયેલ હોવાથી મળવા માટે ચાલતાં જઈ રહ્યા હતા.
ફોરવ્હીલ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી
આ દરમિયાન આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે ગામના જય અંબે સર્વીસ સ્ટેશન નજીક પહોચતા આલમપુર ગામના પાટીયા તરફથી એક ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારીને ગામના સાગર જીતુભાઇ સોલંકીના બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ ચાલતા જતા રમીલાબેન, અલ્કાબેન, શોભનાબેન તથા કોકીલાબેનને સામેથી અડફેટે લઈ નાસી ગયો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અકસ્માતના કારણે ઘાયલ ત્રણ મહિલાઓને ગાંધીનગર સિવિલમાં 108 એમ્બ્યુલન્સ થકી લઈ જવાયા હતા. આથી ફેનીલ સહિતના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેના દાદી રમીલાબેન બેભાન અવસ્થામાં હતાં અને અલ્કાબેન, શોભનાબેન તથા કોકીલાબેનના હાથે પગે શરીરે વધતી ઓછી ઇજાઓ થયેલ હતી. બાદમાં રમીલાબેનને માથાના મોઢાના તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી ઘનિષ્ઠ સારવાર અર્થે કે ડી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક સાગર સોલંકીને ચિલોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.