સિનિયર સીટીઝનો માટે લાલબત્તી સમાન કિસ્સો:ગાંધીનગરમાં વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડી અપહરણ કરી એક લાખનો દોરો લૂંટી નીચે ફેંકી દેવાયા, બુમાબુમ થતાં ત્રણ પૈકી બે ઝડપાયા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં રીક્ષા લઈને ફરતી લૂંટારૃ ગેંગે સેકટર - 24 ના વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડીને ખ-6ને બદલે ગ-6 થી ગ-5 તરફ રીક્ષા હંકારી લઈ જઈ અપહરણ કર્યું હતું. બાદમાં વૃધ્ધાનાં ગળામાંથી એક લાખની કિંમતનો સોનાનો દોરો લુંટી લઈ દંપતીને રીક્ષામાંથી નીચે ફેંકી દઈ નાસી ગયા હતા. આ ઘટનાના પગલે દંપતીએ બુમાબુમ કરતા આસપાસના લોકોની સતર્કતાથી રીક્ષાને રોકી લઈ ત્રણ પૈકી બે લૂંટારૃને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે સેકટર - 21 પોલીસે ગુનો નોંધી બંને લૂંટારૃની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરમાં કાયદો વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ વચ્ચે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એકલદોકલ મુસાફરી કરતાં સિનિયર સીટીઝનો માટે લાલબત્તી સમાન છે. શહેરનાં સેકટર - 24 આદર્શ નગર સોસાયટીમાં રહેતા મૂળ રાધનપુરનાં વતની 73 વર્ષીય ઉર્મિલાબેન પરમાર શિક્ષિકા તરીકે વય નિવૃત થયા છે. જેમના પરિવારમાં પતિ ચતુરભાઈ છે. જેમનો દીકરો ભુપેન્દ્ર આણંદની સરકારી કોલેજમાં નોકરી કરે છે. જેમના વતન રાધનપુરમાં પૌત્રીનો લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં વૃદ્ધ દંપતી ગઈકાલે બસમાં બેસી ગાંધીનગર આવ્યા હતા. અને ઘ-6 સર્કલ ખાતે ઉતરી ખ- 6 સર્કલ જવા માટે રોડની સાઈડમાં ઉભા હતા. તે દરમ્યાન થોડી જ વારમાં એક સી.એન.જી રીક્ષા આવીને ઊભી રહી હતી. જેનાં ડ્રાઇવરે ક્યાં જવાનું પુછ્યું હતું. આથી દંપતીએ ખ - 6 જવાનું કહેતાં ડ્રાઇવરે બંન્નેને રિક્ષામાં બેસાડ્યા હતા.

એ વખતે રિક્ષા ડ્રાઈવરે ઉર્મિલાબેનને પાછળની સીટમાં બેઠેલા બે ઈસમોની વચ્ચે તેમજ ચતુરભાઈને પોતાની પાસે બેસાડ્યા હતા. બાદમાં રિક્ષા ખ રોડ તરફ હંકારી મુકી હતી. તે વખતે ગ સર્કલ સેક્ટર-24 ચોકડી આવતા રિક્ષાના ચાલકે રિક્ષા ગ-5 સર્કલ તરફ વળાવતા ચતુરભાઈએ રિક્ષાના ડ્રાઇવરને કહેલ કે અમારે ખ સર્કલ જવાનું છે તમે રિક્ષા અહીયા ક્યા લઇ જાઓ છો? આ સાંભળીને રીક્ષા ડ્રાઇવરે તેની રીક્ષા વધારે સ્પીડમાં ભગાડી દંપતીનું અપહરણ કરી લીધું હતું. જેથી ચતુરભાઈએ બુમાબુમ કરતા રીક્ષા ડ્રાઈવરે રીક્ષા એકદમ ઉભી રાખીને તેમને ધક્કો મારી નીચે ફેંકી દીધા હતા. જ્યારે પાછળ બેસેલ બંન્ને ઇસમોએ ઉર્મિલાબેનને પકડીને તેમના ગળામાંથી બે તોલા વજનનો એક લાખની કિંમતનો સોનાના દોરાની લૂંટ કરી તેમને પણ ધક્કો મારીને રીક્ષાની બહાર ફેંકી દીધા હતા.

બાદમાં ત્રણેય લૂંટારૃઓ રિક્ષામાં ભાગવા લાગ્યા હતા. એ વખતે દંપતીએ બુમાબુમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને રિક્ષાને રોકી લઈ લીધી હતી. ત્યારે ડ્રાઈવર દોડીને ભાગી ગયો હતો. જ્યારે બે લૂંટારૃને પબ્લિકનાં માણસોએ પકડી લીધા હતા. જેમની પાસેથી લૂંટ કરેલો સોનાનો દોરો પણ મળી આવ્યો હતો.

આ ઘટનાના પગલે સેકટર - 21 પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને બંને લૂંટારૃ ની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મુકેશ રમણભાઇ પટણી (રહે.ચમનપુરા, અસારવા,અમદાવાદ) તથા શૈલેશ રમણભાઇ પટણી રહે. સિદ્ધપુર, બત્રીપુરા, રાજપુર ટેલીફોન એક્સચેન્જની પાછળ તા.સિદ્ધપુર, જિ.પાટણ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે રીક્ષા મૂકીને ભાગી ગયેલ ઈસમ કલ્પેશ ગોપાલભાઇ પટણી (રહે. રામેશ્વર, ઘુસારીયા, અમદાવાદ) નો હોવાનું વધુમાં કહ્યું હતું. આ અંગે પોલીસે ત્રણેય લુટારુ વિરુદ્ધ ગુનો નોંધી બે લૂંટારૃની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...