લઠ્ઠાકાંડનો વિરોધ:ગાંધીનગરમાં આપના કાર્યકરોએ સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યુ, ગૃહ મંત્રી હર્ષસંઘવીનાં રાજીનામાની માંગ કરી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કાર્યકરોએ વિવિધ બેનરો સાથે ભાજપ વિરોધી સૂત્રોચારો કર્યો

બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડનાં વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગાંધીનગર ખાતે વિવિધ બેનર સાથે રેલી કાઢી ભાજપ વિરોધી સૂત્રોચારો કર્યા હતા. તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં રાજીનામાની માંગ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું
લઠ્ઠાકાંડનાં પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજે ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લઠ્ઠાકાંડના વિરોધમાં રેલી યોજીને ભાજપ વિરોધી સૂત્રોચારો કર્યા હતા.

ભાજપ વિરોધી સૂત્રોચારોથી કલેક્ટર કચેરી ગુંજી ઉઠી
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઇને ધરણા યોજ્યા હતા. જેનાં પગલે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંકુલની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારે કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચારો કરતા કલેક્ટર કચેરી ગુંજી ઊઠી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રમાં આપીને માંગણી કરાઈ હતી કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર છે. બુટલેગરના પાપે હત્યાકાંડ સર્જાયો છે.

આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયા છે
ગુજરાતના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે.
​​​​​​​પીડિતોને ન્યાય અપાવવાની માગ કરી
વધુમાં આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઇ રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામાં આવે અને પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...