ગાંધીનગરના ઘ - 5 પાસે સેકટર - 22 ના સુરભિ કોમ્પલેક્ષમાં આવેલા મીનાક્ષી ગોલ્ડ ફાયનાન્સનાં નેજાં હેઠળ નાની બચત સ્કીમ મૂકીને લકી ડ્રોમાં લાગેલ સોનાની ચાર લગડી તેમજ ગીરો મૂકેલા દાગીના મળીને કુલ રૂ. 7.50 લાખની કિંમતનું સોનું જ્વેલર્સ દ્વારા હજમ કરી લેવાતાં સેકટર - 21 પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગરના વાવોલ સિધ્ધાર્થ સ્ટેટ્સમાં પરિવાર સાથે રહેતા મનીષ રમેશકુમાર ત્રિવેદી એલ્યુમીનીય સેકસન ફીટીંગની કામગીરી કરે છે. ગાંધીનગરના સેકટર - 22 સુરભિ કોમ્પ્લેક્સમાં મીનાક્ષી ગોલ્ડ ફાયનાન્સ નામની જ્વેલર્સની દુકાન જગદીશભાઈ ઘનશ્યામભાઈ સોની ચલાવે છે. જેઓ સોના-ચાંદીના દાગીના બનાવી વેપાર કરવાની સાથે સાથે સોના ચાંદીના દાગીના ઉપર નાણા ધીરધાર કરે છે.
ત્યારે ત્રિવેદી પરિવાર અહીંથી સોના ચાંદીના દાગીના બનાવતા હોવાથી જગદીશભાઈથી પરીચીત હતો. તો વર્ષ 2012/13 માં જગદિશભાઇએ નાની બચતની સ્કીમ શરૂ કરી હતી. જેમાં મનીષનાં માતા રમીલાબેન સભ્ય થયા હતા. જેથી તેમણે સ્કીમમાં ટુકડે ટુકડે પૈસાનુ રોકાણ શરૂ કર્યું હતું. જે રોકાણાના અંતે લકી ડ્રોમાં તેઓને શુધ્ધ સોનાની 10 ગ્રામની 4 મળી કુલ 40 ગ્રામની લગડીઓ લાગી હતી.
જે લગડીઓ જ્વેલર્સ જગદિશ સોનીએ તેની પાસે રાખી રમીલાબેનને સોનાના દાગીના બનાવી આપવાની બાંહેધરી આપી હતી. જે લગડીઓ કે તેના બદલામાં સોના દાગીના આજદીન સુધીમા પરત કર્યા નથી. ઉપરાંત તે સમયે નાની બચતની લકી ડ્રોનો હીસાબ ચુકતે કરી, લકી ડ્રોની ટીકીટ રમીલાબેને પરત જગદીશભાઈને આપી દીધી હતી.
જ્યારે વર્ષ 2019 માં પૈસાની જરુરીયાત ઉભી થતા મનીષએ બીજા દાગીના શુદ્ધ સોનાની 10 ગ્રામની 4 લગડીઓ લેખે કુલ 40 ગ્રામ, સોનાનું લોકેટ 10 ગ્રામ, સોનાનો દોરો 10 ગ્રામ, વીટી, કાનની બુટ્ટી સહિત કુલ 140 ગ્રામ વજનનું સોનું જગદીશભાઈને ત્યાં ગીરવે મૂક્યું હતું. જેનાં બદલામાં 2 લાખ લીધા હતા. જેનાં અવેજીમાં વ્યાજ સહિત રૂ. 2.20 લાખ રમીલાબેને ચૂકવી દીધા હતા.
જોકે, ગીરોમાં મુકેલ દાગીના તેમજ સોનાની લગડીઓ પાછી માગતા હાલમાં લોકરમાં હોવાનુ કહી જગદીશભાઈએ થોડા સમયમાં આપી દેવાનુ કહ્યું હતું. પરંતુ આજદિન સુધી વારંવાર ઉઘરાણી કરવા છતાં જગદીશભાઈ વાયદા કરી આપે રાખ્યા હતા. આખરે મનીષની ફરિયાદના આધારે સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.