કાર્યવાહી:ગાંધીનગરમાં ગાંજાનાં જથ્થા સાથે સેકટર-2ના યુવાન સહિત રિક્ષા ચાલક ઝડપાયો, ગાંજાનાં જથ્થા સહિત 1.47 લાખની મત્તા જપ્ત કરાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-7 પોલીસના સરપ્રાઈઝ વાહન ચેકીંગમાં નીજાત્મા શાહ 9.70 કિલો ગાંજા સાથે આબાદ રીતે ઝડપાયો

ગાંધીનગર સેકટર -7 પોલીસનાં સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ દરમિયાન સેકટર-13 ચોંકીની બહારથી જ રિક્ષામાંથી 9. 70 કિલો ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે સેકટર -2માં રહેતાં 30 વર્ષીય નીજાત્મા ભુપેન્દ્રભાઈ શાહ તેમજ રિક્ષા ચાલકને ઝડપી લઈ કુલ રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે યુવાનને ગાંજાનો જથ્થો આપનાર પેન્ડલર નાસી ગયો હતો.

બોલીવૂડના કિંગખાન શાહરુખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં કાયદાની જાળમાં ફસાઈ ગયો છે. ત્યારે ગાંધીનગરમાં પણ નશાનો કારોબાર ધમધમી રહ્યો હોવાનો પુરાવો ગાંધીનગર પોલીસને પણ મળી ચૂક્યો છે. સેક્ટર - 2નો ત્રીસ વર્ષીય યુવાન ગાંજાનાં સાથે ઝડપાઈ ગયો છે. જે જથ્થા બંધ ગાંજો લાવી યુવાધનને છૂટક વેચાણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.

ગાંધીનગર સેકટર -7 પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ એચ એ સોલંકી સેકટર - 13માં આવેલી પોલીસ ચોકીએ સ્ટાફના માણસો સાથે ડયુટી પર હાજર હતા. એ સમયે પીઆઈ ડી એસ ચૌધરીની સૂચનાથી સર્વેલન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરવાની કવાયત હાથ ધરી હતી. આથી સ્ટાફના માણસો ચોકીની બહાર આવી વાહન ચેકીંગ કરવા લાગ્યા હતા.

એ દરમ્યાન રિક્ષા નંબર (GJ-01-TE-4614) પસાર થતા તેને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં તેમાં બેઠેલ ઈસમનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ નીજાત્મા ભુપેન્દ્રભાઈ શાહ (રહે. સેકટર 2/સી, પ્લોટ નંબર 742,મૂળ રહે. દે કા વાડા જૈન દેરાસર પાસે, દેત્રોજ) અને રિક્ષા ચાલકે અરવિંદ ઉર્ફે અમિત રાજુભાઈ વાજાં (ઉ. 20, સેકટર - 6, વિટ કોસ બસ સ્ટેન્ડ પાછળ કાચા છાપરા) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં સર્વેલન્સ સ્કવોડ દ્વારા રિક્ષાની તલાશી લેવામાં આવતા પ્લાસ્ટિકની બેગમાંથી 9.70 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નીજાત્મા શાહ સંતોષ જનક જવાબ આપી શક્યો ન હતો. જેને ચોંકી પર લઈ જઈ ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા પોલીસને પેંડલરનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ગાંજાનો જથ્થો આપી આપી ગયો હતો.

આ અંગે સેકટર - 7 પીઆઈ ડી એસ ચૌધરીએ જણાવ્યું હતું કે, પેંડલર પાસેથી ગાંજાનો જથ્થો લઈને નીજાત્મા તેનું છૂટક વેચાણ કરતો હતો. બંનેની ધરપકડ કરી કુલ. રૂ. 1.47 લાખનો મુદામાલ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સચિન પવાર દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઘ-2 સર્કલ પાસેનાં ગલ્લાની આડમાં યુવાધન ખુલ્લેઆમ ગાંજા નશો કરતા છાશવારે જોવા મળતા રહે છે. સર્કલ પાસે જ ગલ્લા હોવાના કારણે વાહન ચાલકો રોડ પર જ વાહનો પાર્ક કરી દેતા હોય છે. જેનાં કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહેતી હોય છે. તાજેતરમાં પણ અત્રે અંધારાનો લાભ ઉઠાવી મહિલાનો મોબાઇલ લુંટી લેવાની ઘટના બની હતી. જેથી પોલીસે સર્કલ પાસેના વિસ્તારમાં નજર દોડાવી કડક કાર્યવાહી કરવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...