નિવૃત્ત PIનો સેવા યજ્ઞ:ગાંધીનગરમાં નિવૃત્ત PIએ પોતાના જ ગામનાં યુવક-યુવતીઓને પોલીસમાં ભરતી કરાવવા ખાસ મેદાન બનાવ્યું

ગાંધીનગર16 દિવસ પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • કોલવડા ગામની યુવતીઓ પણ દેશ સેવામાં જોડાય એ માટે નિવૃત્ત પીઆઇએ ઘરે ઘરે જઈને જન જાગૃતિ ફેલાવી
  • LRDની પરીક્ષાની તૈયારીઓ માટે કોલવડા ગામે 1610 મીટરનું આઉટડોર ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાંય ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષામાં રાજ્યભરના લાખો યુવાઓ તૈયારી કરી રહ્યા છે. એમાં પણ ગાંધીનગરના કોલવડા ગામમાં એક નિવૃત્ત પોલીસ-ઈન્સ્પેક્ટરે યુવક-યુવતીઓ સફળ નીવડે એ માટે અનોખો સેવા ધોધ વહેતો કર્યો છે. ગુજરાત પોલીસના નિવૃત્ત પીઆઈએ મહેન્દ્રસિંહ વાઘેલા વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ઇન્ડોર-આઉટડોર એમ બંને પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ માટે તેમણે ગામના પાદરમાં ફિઝિકલ ટ્રેનિંગ માટે 1610 મીટરનું વિશાળ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યું છે.

2016માં PI તરીકે નિવૃત્ત થયા
ગાંધીનગરના કોલવડા ગામના વતની મહેન્દ્રસિંહ વાઘેલા મહેસાણાના વીસનગર સિટી પોલીસ મથકમાંથી પીઆઈ તરીકે વર્ષ 2016માં નિવૃત્ત થયા હતા. પોલીસ-ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા હોવાથી મહેન્દ્રસિંહ વાઘેલા કાયદાની કલમોથી વાકેફ હોય એ સ્વાભાવિક છે. જોકે નિવૃત્તિ પછી પણ પોતાનું કાયદાનું જ્ઞાન અન્ય લોકોને મદદરૂપ થઈ શકે એ માટે પોલીસ ભરતીમાં નવા આવેલા લોકરક્ષકોને કાયદાની પાયાની તાલીમ આપવા માટે લેક્ચરર તરીકે વર્ષ-2017માં ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આઠ માસના કરારથી નવી ઇનિંગ શરૂ કરી હતી.

નવા લોકરક્ષકોમાં પોતાના ગામનો કોઈ ઉમેદવાર ન હોવાથી વિચાર આવ્યો
ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના 450થી વધુ નવા ભરતી થયેલા લોકરક્ષકોને મહેન્દ્રસિંહે DSP ગ્રાઉન્ડ ખાતે તાલીમ આપવાની શરૂઆત કરી હતી. આ તાલીમ પિરિયડ દરમિયાન સાડાચારસો વિદ્યાર્થીઓમાં તેમના જ કોલવડા ગામનો એકપણ લોકરક્ષક જવાન ન હતો. એ વાત મહેન્દ્રસિંહને અંદરોઅંદર કોરી ખાવા લાગી હતી, આથી એનાં કારણો જાણવા માટે મહેન્દ્રસિંહે ગ્રામજનો તેમજ દીકરા-દીકરીઓ સાથે ચર્ચા શરૂ કરી.

ગ્રામજનોને સમજાવવા છતાં નિષ્ફળતા મળી
પોતાના ગામના લોકો સાથે ચર્ચા કરતાં મહેન્દ્રસિંહને જાણવા મળ્યું કે દીકરીઓને પોલીસ ખાતામાં નહીં મોકલવાની ગેરમાન્યતા ઘર કરી ગઈ હતી. આને પગલે તેમણે લોકોને સમજ આપી પોલીસ ખાતામાં દીકરા-દીકરીઓને મોકલવા ઊંડાણપૂર્વકની સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જોકે તેમનો આ પ્રયાસ સફળ નીવડી શક્યો નહોતો, જેને કારણે તેઓ અત્યંત દુઃખી થઈ ગયા હતા. પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્રસિંહ આટલામાં હાર માને એવા સ્વભાવના નહોતા.

કોલવડા ગામમાં LRD ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારો
કોલવડા ગામમાં LRD ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારો

ગામની સ્કૂલમાંથી પાસ વિદ્યાર્થીઓનું લિસ્ટ મેળવી વાલીઓને સમજાવ્યા
મહેન્દ્રસિંહે ગામનાં છોકરા-છોકરીઓ પોલીસ ખાતામાં જોડાય એ માટે સતત પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા. એક દિવસ તેઓ કોલવડા ગામમાં આવેલી કે.કે પટેલ હાઈસ્કૂલનાં આચાર્ય ભાવનાબેન વાઘેલાને મળ્યાં હતાં અને છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ-12 પાસ થયેલા ગામનાં છોકરા-છોકરીઓનાં લિસ્ટ મેળવી લીધાં હતાં. સ્કૂલમાંથી લિસ્ટ મેળવવાનું એક જ કારણ કે કોલવડા ગામની વસતિ અંદાજિત દસ હજારથી ઉપરની છે. આટલી બધી વસતિમાંથી ધોરણ-12 પાસ થયેલા ઉમેદવાર શોધવા ઘણા મુશ્કેલીજનક હતા, એટલે જ તેમણે સ્કૂલમાંથી લિસ્ટ મેળવી લીધું હતું.

પ્રારંભમાં 8 છોકરા-છોકરી તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે તૈયાર થઈ ગયાં
આ બાદ મહેન્દ્રસિંહે લિસ્ટ મુજબ દરેક જ્ઞાતિનાં છોકરા-છોકરીઓનાં ઘરે જઈને તેમના વાલીઓને પોલીસ ખાતાની નોકરી તેમજ સમાજમાં વહેતી થયેલી ભ્રામક બાબતોથી અવગત કરાવીને સમજણ આપી જાગ્રત કરવા લાગ્યા હતા, જેનાં ફળ સ્તુતિ સ્વરૂપ શરૂઆતમાં 8 છોકરા-છોકરી તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે તૈયાર થઈ ગયાં હતાં. હવે વિદ્યાર્થીઓ તો મળી ગયા, પણ વિદ્યા આપવા માટે ક્લાસનું નામકરણ કરવું પણ જરૂરી હતું. એટલે તેમણે ગામના નામે જ "કોલવડા યુવા ઉન્નતિ ક્લાસીસ" નામની સંસ્થાની સ્થાપના કરી ઈન્ડોર ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી.

તાલીમાર્થીઓની સંખ્યા વધારવા નવતર પ્રયોગ અજમાવ્યો
કોલવડા ગામે લાલઘર મંદિરની બાજુમાં લેક્ચર લેવાની શરૂઆત થઈ અને દરરોજ બે કલાકનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું. પ્રારંભિક શરૂઆતમાં ગામના મોભી નંદાભાઈ ચૌહાણ તરફથી આર્થિક સહયોગ પણ મહેન્દ્રસિંહને મળ્યો હતો, પણ હજી ગામનાં 8 જ છોકરા-છોકરીઓ નિઃશુલ્ક ટ્રેનિંગ માટે આવતાં હતાં. આ સંખ્યા વધારવા માટે ફરી મહેંદ્રસિંહે નવતર પ્રયોગ અજમાવ્યો હતો. જે અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈપણ સરકારી જાહેરાત બહાર પડે એટલે એની વિગતવાર માહિતી સાથેનું બોર્ડ ગામના ચોકમાં લગાવવાની શરૂઆત કરી દીધી, જેથી કરીને ગ્રામજનોની નજર એ બોર્ડ પર પડતી હતી. એના ફળ સ્વરૂપ હાલમાં "કોલવડા યુવા ઉન્નતિ ક્લાસીસ"માં સંખ્યા વધીને 90 સુધી પહોંચી ચૂકી છે, જેમાં 45 છોકરા અને 45 છોકરી નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ મેળવી રહ્યાં છે.

કોલવડા ગામમાં લેખિત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો
કોલવડા ગામમાં લેખિત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો

વહેલી સવારે છોકરીઓને ગ્રાઉન્ડ પર આવવા રિક્ષાની સુવિધા કરી
ક્લાસમાં વિદ્યાર્થીઓને ઈન્ડોર ટ્રેનિંગ માટે બહારથી પણ તજજ્ઞ શિક્ષકો દ્વારા અલગ-અલગ વિષયોનું ગહન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહે લોક ક્ષકની શારીરિક કસોટીની ટ્રેનિંગ આપવા માટે ગ્રાઉન્ડ બનાવવા માટે કોલવડા આયુર્વેદિક કોલેજ પાસે 1610 મીટરનું ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યું. અહીં રોજ સવારે સાડાપાંચથી સાડાસાત સુધી શારીરિક કસોટી માટેની ટ્રેનિંગ પણ તેઓ આપી રહ્યા છે. જોકે વહેલી સવારે ગામથી દૂર પાદરે ગ્રાઉન્ડ સુધી પહોંચવું મુશ્કેલીભર્યું હોવાની પણ ફરિયાદ ઊઠી હતી, જેના નિરાકરણ માટે મહેન્દ્રસિંહે છોકરીઓને ગ્રાઉન્ડ પર લાવવા-લઈ જવા માટે બે રિક્ષા રોકી દીધી છે, એ પણ તદન નિઃશુલ્ક છે.

આખરે નિવૃત્ત પીઆઈની મહેનત રંગ લાવી
માત્ર આઠ તાલીમાર્થીઓ થકી શરૂ કરેલી નિઃશુલ્ક શિક્ષણની સરવાણીના ધોધ વચ્ચે ગત વર્ષે કોલવડા ગામના 14 તાલીમાર્થી ઉત્તીર્ણ પણ થઈ ચૂક્યા છે. ગામની દરેક જ્ઞાતિનાં છોકરા-છોકરીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ માટે નિવૃત્ત પીઆઈ મહેન્દ્રસિંહ વાઘેલાએ નિઃશુલ્ક શિક્ષણની ગંગા વહેતી કરીને નિઃશુલ્ક પરીક્ષાલક્ષી સાહિત્ય પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.