ગાઇડલાઇનના ધજાગરા:ગાંધીનગરમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે 70 ટકા નાગરિકો કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરતા

ગાંધીનગર13 દિવસ પહેલા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાએ શહેરને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી હોવા છતાં શહેરના નાગરિકો કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનો ઉલાળિયો કરતા નજરે ચડી રહ્યા હોવાનું દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરાતાં 70 ટકા નાગરિકો કોવિડ ગાઈડલાઈનો ભંગ કરતા જોવા મળ્યાં છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને છૂટો દોર આપી દેવાયો હોય તેમ સમગ્ર તમાશો ખુલ્લી આંખે નિહાળી ચૂપચાપ બેસી રહ્યું છે.

દેશમાં વૈશ્વિક મહામારી કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆતમાં જ કોરોનાનાં કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. તેમ છતાં નાગરિકો કોરોનાને ભૂલીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં કાયદાનું ચીરહરણ કરતાં નજરે ચડી રહ્યા છે. ભૂતકાળમાં પણ આજ રીતે નાગરિકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને તેની ચૂકવણી લોકોને જીવ ગુમાવીને કરવી પડી હતી. તેમ છતાં ત્રીજી લહેર સામે આંખ આડા કાન કરીને કોવિડ નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે.

રાજ્યના પાટનગર કે જ્યાંથી રાજ્યનો વહીવટ થાય છે અને નાગરિકોના આરોગ્યલક્ષી કાયદાઓ - નિયમો ઘડવામાં આવે છે તેજ ગાંધીનગર શહેરમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના જ બિન્દાસ રીતે નજરે પડી રહ્યા છે. ગાંધીનગરના મોટા શોપિંગ સેન્ટરો, શાક માર્કેટ તેમજ જાહેર સ્થળોએ કોવિડનાં નિયમોનું રીતસરનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં જિલ્લા તંત્ર આંખે પાટા બાંધીને બેસી રહ્યું છે.

ગાંધીનગરની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં 70 ટકા નાગરિકો કોવિડ ગાઈડ લાઈનના નિયમોનો ઉલાળિયો કરતાં નજરે પડ્યા હતા. ઘણાં માસ્ક નામ પુરતું જ લગાવી રાખી ફરે રહ્યા છે. તો ઘણા ટોળે વળીને ખરીદી કરી રહ્યા છે. એમાંય જાણે ગાંધીનગરે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કશું વેઠયુ કે ગુમાવ્યું જ ન હોઇ એ રીતે કોવિડ નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે.

આ ઉપરાંત રિક્ષા, વાન સહિતના વાહનોમાં પણ મુસાફરોને ખીચોખીચ બેસાડી કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવતું નથી. જાહેર માર્ગો પર ચાની કીટલી, પાનના ગલ્લાઓ પર પણ ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજી અને પાનના ગલ્લા વાળા કે ચાની કીટલી વાળા પણ માસ્ક પહેરતા નથી.

અન્ય સમાચારો પણ છે...